રઘુકુલભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- રઘુકુલભૂષણ ભગવાન શ્રીરામચંદ્રજી સમાન મર્યાદા રક્ષક હજુ સુધી આ ધરતી પર કોઈ થયું નથી એટલે જ એમને 'મર્યાદા પુરુષોત્તમ' કહેવામાં આવે છે. શ્રીરામ સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા હતા. તે ધર્મની રક્ષા અને લોકોના ઉદ્ધાર માટે જ અવતરિત થયા હતા. ભગવાન શ્રીરામે સદાચારી આદર્શ માનવી કેવો હોય તે સ્વયં જીવી બતાવ્યું. એમનું પ્રત્યેક કર્મ અનુકરણીય અને ઉદાહરણીય બની રહ્યું. 

'યત્પાદપંકજરજઃ શ્રુતિભિર્વિમૃગ્યં

યન્નાભિપંકજભવઃ કમલાસનશ્ચ ।

યન્નામસારરસિકો ભગવાન પુરારિઃ

તં રામચંદ્રમનિશં હૃદિ ભાવયામિ ।।'

જેના ચરણકમળની રજને વેદ-શ્રુતિઓ શોધતી રહે છે છતાં એમને મળતી નથી, અખિલ વિશ્વની રચના કરનાર બ્રહ્માજી જેમના (મૂળ સ્વરૂપ વિષ્ણુના) નાભિ કમળથી ઉત્પન્ન થયા છે અને સ્વયં ભગવાન શંકર જેમના નામ રૂપી અમૃતનું નિરંતર રસાસ્વાદન કરે છે તે ભગવાન શ્રીરામચંદ્રજીનું હું સતત હૃદયમાં ધ્યાન ધરું છું.'

(અધ્યાયત્મ રામાયણ-૧/૫/૪૭)

રઘુકુલભૂષણ ભગવાન શ્રીરામચંદ્રજી સમાન મર્યાદા રક્ષક હજુ સુધી આ ધરતી પર કોઈ થયું નથી એટલે જ એમને 'મર્યાદા પુરુષોત્તમ' કહેવામાં આવે છે. શ્રીરામ સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા હતા. તે ધર્મની રક્ષા અને લોકોના ઉદ્ધાર માટે જ અવતરિત થયા હતા. ભગવાન શ્રીરામે સદાચારી આદર્શ માનવી કેવો હોય તે સ્વયં જીવી બતાવ્યું. એમનું પ્રત્યેક કર્મ અનુકરણીય અને ઉદાહરણીય બની રહ્યું. ભગવાન શ્રીરામ મહાગુણનિધાન, સગ્દુણસાગર હતા.

સત્ય, સુહાદતા, કરુણા, કૃપા, ક્ષમા, વીરતા, ધીરતા, ગંભીરતા, પરાક્રમ, નિર્ભયતા, વિનય-વિવેક, શાંતિ, તિતિક્ષા, ઉપરલિ, સંયમ, નીતિનિપુણતા, પ્રેમ, ત્યાગ, એકપત્નીવ્રત, પ્રજારંજકતા, માતૃ-પિતૃભક્તિ, ગુરુભક્તિ, ભ્રાતુપ્રેમ, મૈત્રી, શરણાગત વત્સલતા, પ્રતિજ્ઞાાપાલન, ધર્મપરાયણતા જેવા અગણિત ગુણો કોઈ એક પુરુષમા હોય તો તે ભગવાન શ્રીરામ હતા. વાલ્મીકિ રામાયણના બાલકાણ્ડ અને અયોદ્યાકાણ્ડમાં એમના ગુણોનું અત્યંત સુંદર વર્ણન કરાયેલું છે.ળ

માતા-પિતા, બંધુ-મિત્ર, પત્ની-પુત્ર, સેવક-પ્રજા વગેરે સાથે એમનો પ્રેમપરિપૂર્ણ વ્યવહાર હતો. એમનો માતૃપ્રેમ અસાધારણ હતો. કૌશલ્યા અને સુમિત્રા પર જેવો પ્રેમ હતો એવો જ એમને ચૌદ વર્ષ વનમાં મોકલનાર અને યુવરાજ પણ છીનવી લેનાર કૈકેયી પ્રત્યે પણ હતો. ચિત્રકૂટથી પાછા ફરતી વખતે ભગવાન શ્રીરામે ભરતને કહ્યું હતું - 'ભાઈ ભરત ! માતા કૈકેયીએ જે કર્યું છે તેને મનમાં ન લાવીશ.

એમની સાથે સદા એવો જ વર્તાવ કરજે. જેવો પૂજનીય માતા સાથે કરવો જોઇએ.' એ જ સમયે તેમણે શત્રુઘ્નને પણ કહ્યું હતું - 'ભાઈ ! હું તને મારા અને સીતાના સોગંદ દઇને કહું છું કે તું કદી માતા કૈકેયી પર ક્રોધ ન કરીશ, સદાય એમની સેવા કરતો રહેજે. વનવાસ દરમિયાન એકવાર લક્ષ્મણે કૈકેયીની નિંદા કરી તે વખતે શ્રીરામે કહ્યું હતું - 'ભાઈ, તારે કૈકેયીની નિંદા ન કરવી જોઇએ. તે કૌશલ્યા અને સુમિત્રા બરાબર જ છે.'

ભગવાન શ્રીરામની પિતૃભક્તિ પણ અદ્ભુત હતી. માતા કૈકેયીએ પહેલાના અધૂરા વચન પૂરા કરવા મહારાજ દશરથને લાચાર કર્યા ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું હતું - 'હું પિતા, મહારાજ દશરથના કહેવાથી આગમાં પણ કૂદી શકુ છું, તીવ્ર કાતિલ ઝેરનું પણ પાન કરી શકું છું અને સમુદ્રમાં પણ પડી શકું છું. એમની આજ્ઞાાનું પાલન કરવું એનાથી વધારે મોટો બીજો કોઈ ધર્મ નથી. તેમણે પોતાની માતા કૌશલ્યાને પણ કહી દીધું હતું - નાસ્તિ શક્તિઃ પિતુર્વાક્યં સમતિક્રમિતું મમ । પ્રસાદયે ત્વાં શિરસા ગન્તુમિચ્છામ્યહં વનમ ।। હું તમારી ચરણોમાં માથુ રાખીને તમારી ક્ષમા માંગું છું. મારી અંદર પિતાના વચનને ટાળવાની શક્તિ નથી. એટલે હું વનમાં જ જવા ઇચ્છું છું.'

ભગવાન શ્રી રામનો ભ્રાતૃભાવ બેમિસાલ છે. તેમણે સર્વ પ્રથમ તો લક્ષ્મણને યુવરાજપદે સ્થાપિત કરવાનો આગ્રહ કરેલો. એ રીતે ભરતને પણ પિતાની આજ્ઞાા પાળી અયોધ્યાનું શાસન કરવા સમજાવ્યો હતો.  ભરતે પણ એની સામે એવો પ્રેમ દર્શાવી એમની ચરણ પાદુકાઓ માંગી એના પર પવિત્ર તીર્થજળનો અભિષેક કરી તેને રાજગાદી પર પ્રસ્થાપિત કરી પોતે નંદીગ્રામમાં રહી એની સેવા અને શુશ્રૂષા કરી હતી. ભગવાન શ્રીરામ આદર્શ રાજા હતા. તેમણે લોકાનુરંજન વ્રત ધારણ કર્યું હતું. તે પરિપૂર્ણ કરવા તેમણે પોતાની પ્રિય પત્નીનો પણ ત્યાગ કર્યો હતો.

ભગવાન શ્રીરામ પ્રપન્ન પારિજાત છે. સર્વના પૂજનીય અને પરમ ફલપ્રદાતા છે. 'પ્રીયતે સતતં રામઃ સહિ બ્રહ્મ સનાતનઃ । આદિ દૈવો મહાબાહુર્હરિ નારાયણઃ પ્રભુઃ ।। રામ અને રામનું નામ ભવભયભંજનનો પ્રતાપ ધરાવે છે. રામકથા પાપનાશક છે. એટલે જ કહેવાયું છે - 'ચરિતં રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ । એકૈકમક્ષરં પુંસાં મહાપાતકનાશનમ । । ભગવાન શ્રીરામના ચરિત્રનો વિસ્તાર સો કરોડ રીતે પ્રસાર પામેલો છે.

તેનો પ્રત્યેક અક્ષર માનવીના મહાપાપનો નાશ કરનાર છે.'' ભગવાન શ્રીરામ વાલ્મીકિ રામાયણમાં કહે છે - 'સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે । અભયં સર્વભૂતેભ્યો દદામ્યેતદ્વતં મમ।। એકવાર પણ મારા શરણે આવીને જે 'હું તમારો છું'' એમ કહે છે તેને હું બધા પ્રાણીઓના ભયમાંથી છોડાવી અભય આપું છું તે મારું વ્રત છે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gchvM8
Previous
Next Post »