- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- દર વર્ષે 80-90 ક્રુ-મેમ્બર્સ જીવ ગુમાવે છે અને સરેરાશ 25 જહાજો ગુમ થઈ જાય છે
- સુએઝ નહેરમાં ફસાયેલું જહાજ એવરગ્રીન તો આખરે નીકળી ગયું, પરંતુ એ અકસ્માતે દુનિયાનું ધ્યાન શિપિંગ ઈન્ડસ્ટ્રી તરફ દોર્યું છે
મા ર્ગ અને હવાઈ અકસ્માતો પર દુનિયાનું જેટલું ધ્યાન રહે છે એટલું શિપિંગ ઈન્ડસ્ટ્રીના અકસ્માતો પર પડતું નથી. એવિએશન કન્સલ્ટન્ટ કંપની ટુ૭૦એ થોડા સમય પહેલાં અહેવાલ આપ્યો ત્યારે દાવો કર્યો હતો કે ૨૦૨૦માં દુનિયામાં ૪૦ વિમાની અકસ્માતો થયાં અને એમાં ૨૯૯ મુસાફરોનાં મોત થયા હતા. ૨૦૧૯માં ૮૬ વિમાની અકસ્માતો થયા હતા, જેમાં ૨૫૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
દુનિયામાં ૨૦૦૦ કરતાં વધુ એરલાઈન્સ કાર્યરત છે અને ૨૩૦૦૦ વિમાનો આકાશમાં ઉડાઉડ કરે છે. વર્ષે ૨૦૦ કરોડ લોકો એરલાઈન્સનો ઉપયોગ કરે છે. વર્ષમાં લગભગ ત્રણ કરોડ ફ્લાઈટ્સ ઉડે છે. સાડા ત્રણ ટ્રિલિયન ડોલરની એવિએશન ઈન્ડસ્ટ્રી પર ઘણાં બિઝનેસનો આધાર છે. આ અકસ્માતો ટાળવાની દિશામાં પણ પગલાં લેવાઈ રહ્યાં હોવા છતાં વર્ષે સરેરાશ ૫૦થી ૯૦ અકસ્માતો તો થાય જ છે, પરંતુ એક સમયે વર્ષે એક હજાર લોકોનો ભોગ લેવાતો હતો. ૨૦૦૫માં હવાઈ અકસ્માતોમાં ૧૦૧૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એવિએશન ઈન્ડસ્ટ્રીએ કોકપિટ રીસોર્સ મેનેજમેન્ટની મદદથી છેલ્લાં દોઢ દશકામાં અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર ઘટાડી છે.
માર્ગ અકસ્માતો દુનિયા માટે માથાનો દુ:ખાવો છે એ હકીકત છે. માર્ગ અકસ્માતોમાં વર્ષે ૧૩-૧૪ લાખ લોકોનાં મૃત્યુ થાય છે અને બેથી પાંચ કરોડ લોકો ઈજાગ્રસ્ત બને છે. ભારતમાં માર્ગ અકસ્માતોના કારણે દર વર્ષે ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે. માર્ગ અકસ્માતો બધા દેશો સામે મોટો પડકાર છે.
આ બંને તરફ જેટલું ધ્યાન જાય છે એટલું શિપિંગ ઈન્ડસ્ટ્રી તરફ નથી જતું. શિપિંગ ઈન્ડસ્ટ્રી પ્રમાણમાં લોપ્રોફાઈલ છે. આયાત-નિકાસમાં તેનો મોટો અને મહત્વનો ફાળો હોવા છતાં એ તરફ ખાસ ધ્યાન જતું નથી. સુએઝ નહેરમાં એવરગ્રીન જહાજ એક સપ્તાહ સુધી ફસાયેલું રહ્યું તેના કારણે શિપિંગ ઈન્ડસ્ટ્રી તરફ દુનિયાનું ધ્યાન ખેંચાયું છે.
મેરિટાઈમ ઈન્ડસ્ટ્રી આયાત-નિકાસ માટે ખૂબ જ મહત્વની છે. શિપિંગ ઈન્ડસ્ટ્રી વગર વિશ્વવેપાર શક્ય નથી. અંદાજે ૧૨ ટ્રિલિયન ડોલરનો વેપાર મેરિટાઈમ ઈન્ડસ્ટ્રીના માથે છે. મેરિટાઈમ ઈન્ડસ્ટ્રી દર વર્ષે ચાર ટ્રિલિયન ડોલરની જીવનજરૂરી ચીજવસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. દુનિયાભરના બંદરોમાં વર્ષે ૯૦ કરોડ કન્ટેઈનરની આપ-લે થાય છે. જીવનજરૂરી ચીજવસ્તુઓનો ૧.૮૩ અબજ મેટ્રિક ટનનો જથ્થો જહાજોની મદદથી એક દેશમાંથી બીજા દેશમાં પહોંચે છે. આ આંકડાં પરથી અંદાજ લગાવી શકાય કે શિપિંગ ઈન્ડસ્ટ્રી કેવડી મોટી જવાબદારીનું વહન કરે છે.
શિપિંગ ઈન્ડસ્ટ્રી પર આટલો મોટો આધાર હોવા છતાં એની સુરક્ષા તરફ ખાસ ધ્યાન અપાયું નથી. એવિએશન ઈન્સ્ટ્રીએ જે રીતે છેલ્લાં દોઢેક દશકામાં અકસ્માતો ઘટાડયા એ રીતે શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ ન થયુ. માર્ગ અકસ્માતો પાછળ તો વધતા વાહનોની સંખ્યા પણ જવાબદાર છે, પરંતુ મેરિટાઈમ ઈન્ડસ્ટ્રીમાં એવો મુદ્દો નથી. શિપિંગ ઈન્ડસ્ટ્રી ધારે તો એવિએશન ઈન્ડસ્ટ્રીની જેમ પગલાં ભરીને સુધારો કરી શકે છે, પરંતુ એવું થયું નહીં.
સુરક્ષાના અભાવે વર્ષે કેટલાય જહાજો ગુમ થઈ જાય છે. વીમા કંપની ઈન્સ્યોરેર એલિઆન્ઝનું માનીએ તો ૨૦૧૯માં ૪૧ માલવાહક જહાજો ગુમ થઈ ગયા હતા. ૨૦૧૮માં ૪૬ જહાજો લાપતા થયા હતા. છેલ્લાં દશકામાં સરેરાશ ૧૦૦ મોટાં જહાજો ગુમ થઈ જાય છે. આ જહાજો અકસ્માતોનો ભોગ બનીને સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે. જળસમાધિ લેનારા આ જહાજોની કે તેના સભ્યોની પછીથી કોઈ જ ભાળ મળતી નથી. ૨૦૧૧થી ૨૦૧૮ સુધીમાં ૨૩૦ જહાજો ગુમ થઈ ગયા હતા.
યુરોપિયન મેરિટાઈમ સેફ્ટી એજન્સીના અહેવાલ પ્રમાણે દર વર્ષે સરેરાશ ૩૦૦૦ જહાજો અકસ્માતનો ભોગ બને છે. ૨૦૧૮માં અકસ્માતોની ૩૧૭૩ ઘટના બની હતી. જેમાં ૫૩નાં મોત થયા હતા. ૯૫ને ગંભીર ઈજા થઈ હતી. ૯૪૧ને નાની-મોટી ઈજા થઈ હતી. ૨૫ જહાજો ગુમ થયા હતા કે અકસ્માતના કારણે ભંગારમાં ફેરવાઈ ગયા હતા. આ અકસ્માતો ૩૫૧૫ જહાજો વચ્ચે થયાં હતાં.
૨૦૧૧થી ૨૦૧૮ની વચ્ચે મધદરિયે ૨૫,૬૧૪ જહાજો વચ્ચે ટક્કર થઈ હતી. કુલ ૨૩,૦૭૩ એક્સિડેન્ટ થયા હતા. અકસ્માતોમાં માલવાહક જહાજોનો હિસ્સો ૪૩.૮ ટકા અને પેસેન્જર્સ શિપ્સનો હિસ્સો ૨૩.૭ ટકા હતો. કાર્ગો શિપ્સ સૌથી વધુ અકસ્માતોનો ભોગ બને છે. એમાં સ્પીડ અને બેદરકારી સૌથી મોટું કારણ ગણાયું છે. મોટાભાગના દરિયાઈમાર્ગમાં કે નહેરોમાં જહાજો માટે સ્પીડ નિયત કરેલી હોવા છતાં એનું પાલન સખ્તાઈથી થતું નથી. કરોડોનો સામાન લદાયો હોવા છતાં એ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી નથી.
૨૦૧૧થી ૨૦૧૮ની વચ્ચે થયેલાં અકસ્માતોમાં ૬૯૬ લોકોએ જીવ ખોયો હતો. એમાં ૫૬૬ તો ક્રુ મેમ્બર્સ હતા. દર વર્ષે શિપિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ૮૬ લોકો મધદરિયે જીવ ગુમાવે છે. આ આંકડા માત્ર માલવાહન અને પેસેન્જર્સ જહાજોના છે. એમાં માછીમારી દરમિયાન થતાં અકસ્માતોના આંકડાનો સમાવેશ નથી થયો. માત્ર આયાત-નિકાસ સાથે સંકળાયેલાં જહાજો વચ્ચે થતાં અકસ્માતોના જ આ આંકડા છે.
હવાઈ અને માર્ગ અકસ્માતોની સરખામણીએ મૃત્યુઆંક ઓછો લાગતો હોવા છતાં એ પણ યાદ રાખવું જરૂરી છે કે હવાઈ અને માર્ગ પરિવહનની સરખામણીએ દરિયાઈ માર્ગમાં એટલો ટ્રાફિક નથી. વળી, એનો ઉપયોગ મોટાભાગે સામાનની હેરફેર માટે જ થાય છે. આવી સ્થિતિમાં આ આંકડો ઘણો ગંભીર કહેવાય.
આ સ્થિતિ સુધારવા માટે શિપિંગ ઈન્ડસ્ટ્રીએ એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીની તર્જ પર એક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી હતી, પરંતુ એનો અમલ અસરકારક રીતે થયો નહીં. એ પદ્ધતિનું નામ હતું : બ્રિજ રીસોર્સ મેનેજમેન્ટ.
બ્રિજ રીસોર્સ મેનેજમેન્ટ એ કોકપિટ રીસોર્સ મેનેજમેન્ટની કોપી હતી. એવિએશન ઈન્ડસ્ટ્રીએ ૧૯૮૦ પછી અકસ્માતો ઘટાડવા, અપહરણના વધતા બનાવો કાબૂમાં લેવા માટે કોકપિટ રીસોર્સ મેનેજમેન્ટની પદ્ધતિ અમલી બનાવી હતી. આ પદ્ધતિ પ્રમાણે બધા જ ક્રુ મેમ્બર્સને ખાસ તાલીમ મળતી હતી. હ્મુમન એરર શક્ય એટલી નિવારી શકાય તે આ સિસ્ટમનો મૂળ હેતુ હતો.
રોયલ એરફોર્સના પાયલટ ડેવિડ બીએટીએ પુસ્તક લખીને પ્રથમ વખત ૧૯૬૯માં આવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ એવી હિમાયત કરી હતી. એ પછી એક દશકામાં બીજા ઘણાં સંશોધનો થયા હતા અને ૧૯૭૮થી થોડીક એરલાઈન્સે તેનો અમલ શરૂ કર્યો હતો. એમાં વિવિધ પ્રકારની ભૂલોના સંભવિત વિકલ્પો ચકાસવામાં આવ્યાં હતાં. કુદરતી કે માનવસર્જિત મુશ્કેલી વખતે વધારેમાં વધારે સાવચેતી રાખી શકાય તેવું આ મેનેજમેન્ટમાં શીખવવામાં આવતું હતું.
એ તર્જ ઉપર શિપિંગ ઈન્ડસ્ટ્રી માટે બ્રિજ રીસોર્સ મેનેજમેન્ટની ડિઝાઈન તૈયાર થઈ હતી. અણધારી પરિસ્થિતિમાં જહાજની સુરક્ષા માટે અને ક્રુ મેમ્બર્સના બચાવ માટે કેવાં કેવાં પગલાં ભરવા જોઈએ તેની સમજ આ મેનેજમેન્ટ અંતર્ગત અપાતી હતી. સંપર્ક, ટીમવર્ક, નિર્ણયશક્તિ, ઝડપ નિયંત્રણ, પરિસ્થિતિને કાબૂમાં લેવાની સમજણ જેવી બાબતો પર ખાસ ભાર મૂકાતો હતો. મેનેજમેન્ટની સિસ્ટમ બરાબર હતી, પરંતુ તેનો ખાસ અમલ થયો નહીં.
એવિએશન ઈન્ડસ્ટ્રીએ કોકપિટ રીસોર્સ મેનેજમેન્ટને ગંભીરતાથી અમલી બનાવીને પરિણામ મેળવ્યું, પરંતુ એ જ સ્ટાઈલથી તૈયાર થયેલા બ્રિજ રીસોર્સ મેનેજમેન્ટનું પરિમાણ મળ્યું નહીં. એવિએશન ઈન્ડસ્ટ્રીના અકસ્માતો દુનિયાભરમાં ભારે ચર્ચાસ્પદ બનતા હોવાથી કદાચ એ ક્ષેત્રે મેનેજમેન્ટ અમલી બન્યું હશે. બીજી તરફ શિપિંગ ઈન્ડસ્ટ્રીના અકસ્માતોની એટલી ચર્ચા થતી ન હોવાથી બ્રિજ રીસોર્સ મેનેજમેન્ટ તરફ ધ્યાન અપાયું નહીં.
એવિએશન ઈન્ડસ્ટ્રીએ કોકપિટ રીસોર્સ મેનેજમેન્ટમાં સાડા ત્રણ દશકામાં ઘણાં ફેરફારો કર્યા છે. બીજી તરફ શિપિંગ ઈન્ડસ્ટ્રીએ એક વખત બ્રિજ રીસોર્સ મેનેજમેન્ટ લાગુ કર્યા પછી એમાં ખાસ ફેરફાર કર્યો નહીં. સ્માર્ટફોનમાં અમુક સમયે સિસ્ટમ અપડેટ થાય છે એમ બધે જ સિસ્ટમ અપડેટ કરવી પડે છે. પરિવર્તનનો સાદો નિયમ શિપિંગ ઈન્ડસ્ટ્રીએ અપનાવ્યો નહીં. એના કારણે એવરગ્રીન જહાજ જેવા અકસ્માતો વર્ષે દહાડે થતાં રહે છે.
સુએઝ નહેરમાં એવરગ્રીન જહાજ ફસાયું પછી દુનિયાભરના નિષ્ણાતોએ શિપિંગ ઈન્ડસ્ટ્રીની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. સુએઝ નહેરમાં જહાજ ફસાયું તેના કારણે એક જ સપ્તાહમાં ૫૦૦ અબજ ડોલરના બિઝનેસને અસર થઈ હતી. જો આ રીતે દરિયામાં અકસ્માતો સર્જાતા રહે તો વૈશ્વિકવેપારને મોટું નુકસાન થઈ શકે છે. ભવિષ્યના નુકસાનને રોકવા માટે શિપિંગ ઈન્ડસ્ટ્રીને અપડેટ કરવાની જરૂરિયાત ઉપર ખાસ ભાર મૂકાઈ રહ્યો છે.
સુએઝ નહેરમાં એવરગ્રીન જહાજ ફસાયું તેણે આખી શિપિંગ ઈન્ડસ્ટ્રીને સફાળી જગાડી દીધી છે. ઈન્ડસ્ટ્રી ફરી પોઢી જાય એ પહેલાં સુરક્ષિત થઈ જાય એ વિશ્વના હિતમાં હશે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pw9Kpz
ConversionConversion EmoticonEmoticon