- 5 એપ્રિલ, નેશનલ મેરિટાઈમ ડે વિશેષ
- ભારતનો સમુદ્રી વેપાર ઇતિહાસ અતિ સમૃદ્ધ છે. 'નેશનલ મેરીટાઈમ ડે' નિમિત્તે એ સમૃદ્ધ ઇતિહાસમાંથી કેટલાક જાણ્યા-અજાણ્યા પ્રકરણો...
- ત્રિકોમાલી (ઉપરની તસવીર) બીજું સૌથી જૂનું જહાજ છે. અમેરિકાનું યુએસએસ કોન્સ્ટિટયૂટશન આજેય તરતું હોય એવુ સૌથી જૂનું જહાજ છે. બાંધકામ વર્ષ 1797.
- સમયાંતર-લલિત ખંભાયતા
- બોમ્બે નામ ધરાવતા એવા અહીં કુલ 11 જહાજો બન્યા છે. એમાંનું સૌથી લેટેસ્ટ અને છેલ્લું જહાજ આઈએનએસ મુંબઈ છે. 2001થી સક્રિય લેટેસ્ટ આઈએનએસ મુંબઈ એ નૌકાદળનું મહત્ત્વપૂર્ણ યુદ્ધજહાજ છે, ગાઈડેડ મિસાઈલ સહિતના આયુધોથી સજ્જ છે. સૌથી પહેલું બોમ્બે નામક જહાજ 1739માં બન્યું હતું. 1828માં બનેલા એચએમએસ બોમ્બેમાં 84 તોપ ફીટ થયેલી હતી. ડોક યાર્ડના ઈતિહાસમાં બનેલું એ સૌથી વધારે તોપ ધરાવતું જહાજ હતુ. એ પછી 84 તોપ ધરાવતા કેટલાક જહાજો બન્યા હતા.
એચએમએસ મિન્ડેન
બે સદી પહેલાનું અમેરિકા આજના જેવું જમાદાર ન હતું અને જગતમાં તો શું તેની પોતાની ભૂમિ પર પણ તેનો દબદબો ન હતો. દબદબો જો કોઈનો હોય તો યુરોપના દેશોનો હતો અને એમાંય ખાસ તો બ્રિટનનો. જ્યાં જ્યાં ખાલી જમીન દેખાઈ ત્યાં બ્રિટને પોતાનું શાસન સ્થાપી દીધું હતું. ૧૮૧૨માં બ્રિટન અને આર્યલેન્ડે મળીને અમેરિકા પર હુમલો કરી દીધો. અમેરિકી પ્રદેશ તાબામાં લેવાનો ઈરાદો હતો.
સામે પક્ષે અમેરિકાએ પણ યુદ્ધ જાહેર કર્યું. બન્ને દેશો વચ્ચે ૧૮૧૫ સુધી જંગ ચાલ્યો.
એ દરમિયાન સપ્ટેમ્બર ૧૮૧૪માં બાલ્ટિમોરના કાંઠે બન્ને દેશો વચ્ચે ભીષણ જંગ ખેલાયો. અમેરિકી સૈન્ય બાલ્ટિમોરના ફોર્ટ મેકહેનરી કિલ્લામાં હતું. કિલ્લા માથે અમેરિકાનો ધ્વજ ફરફરતો હતો.
સામે સમુદ્રમાં બ્રિટિશ નૌકા કાફલો તૈનાત હતો. એ કાફલામાં એચએમએસ (હિઝ મેસેસ્ટિસ શિપ) મિન્ડેન નામનું ૭૪ તોપ ધરાવતું શક્તિશાળી જહાજ હતું. એ જહાજ પર અમેરિકી કર્નલ જોન સ્કીનર સહિતના કેટલાક નાગરિકો કેદ હતા. એમને છોડાવવા બ્રિટન-અમેરિકા વચ્ચે વાટા-ઘાટો ચાલતી હતી. વાટા-ઘાટો માટે બાલ્ટિમોરના રહેવાસી વકીલ ફ્રાન્સિસ સ્કોટ કીને મોકલાયા હતા.
જહાજ પર વાટા-ઘાટો કરતાં રાત પડી. બ્રિટિશરોએ સ્વભાવ મુજબ દગો કર્યો. યુદ્ધ વિરામ હોવા છતાં ફોર્ટ મેકહેનરી પર તોપમારો શરૂ કર્યો. સવાર પડી ત્યાં સુધીમાં કિલ્લાનો ઘણો ભાગ ધ્વસ્ત થયો, પણ માથે તારા ચિતરેલો અમેરિકી ધ્વજ ફરકતો હતો. જહાજ પરના અમેરિકી પ્રતિનિધિ ફ્રાન્સિસ વ્યથિત થયા. પોતાની વ્યથા તેણે કવિતા દ્વારા કાગળ પર ઉતારી. કેમ કે વકીલ ઉપરાંત એ પાર્ટ-ટાઈમ કવિ પણ હતા.
ફ્રાન્સિસે જે કાવ્ય લખ્યું એ 'સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર...' તરીકે ઓળખાય છે અને તેનાથી વિશેષ ઓળખ એ છે કે ગીત હવે અમેરિકાનું રાષ્ટ્રગીત છે. પ્રમુખ વુડ્રો વિલ્સનના કાર્યકાળમાં ૧૯૧૬માં તેને નેશનલ એન્થેમ જાહેર કરવામાં આવ્યું હતું. એ યુદ્ધ અમેરિકા માટે તો યાદગાર રહ્યું, પણ ભારતના મેરિટાઈમ (દરિયાઈ) ઈતિહાસમાં તેની અમર નોંધ લખાઈ. કેમ કે જે મિન્ડેન નામના જહાજ પર અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું એ જહાજ મુંબઈના જહાજવાડામાં બન્યું હતું!
૧૫મી સદી પછી યુરોપના દેશો દુનિયાભરમાં જ્યાં-ત્યાં પોતાનું શાસન સ્થાપવા દોડાદોડી કરતા હતા. પણ દોડાદોડી માટે એક જ રસ્તો હતો સમુદ્રી માર્ગ. શાસન સ્થાપવું હોય કે બીજા દેશો સાથે વેપાર કરવો હોય જહાજો અનિવાર્ય હતા. એટલે જેમની પાસે જહાજીવિદ્યાની જાણકારી હોય એમનો દબદબો જળવાય એ પણ સ્વાભાવિક હતું.
સદ્ભાગ્યે જહાજ બાંધકામ કરવામાં ભારતીયોની બોલબાલા હતી. મુંબઈના કાંઠે લવજી નસરવાનજી વાડિયા ૧૭૩૫થી જહાજો બાંધતા હતા. વાડિયાની ગણતરી માસ્ટર શિપબિલ્ડર્સમાં થતી હતી અને આજેય થાય છે. ટાપુ હોવા છતાં બ્રિટિશરો પોતાની જરૂર પ્રમાણેના જહાજો બાંધી શકતા ન હતા. એટલે તેમના ઓર્ડર મુંબઈમાં વાડિયાઓને મળતા હતા. બ્રિટિશ 'રોયલ નેવી (શાહી નૌકાદળ)'ના ઓર્ડર મુજબ ૧૮૦૮માં જહાજ તૈયાર કરી દીધું. જહાજને રોયલ નેવીએ નામ આપ્યું હતું 'એચએમએસ (હિઝ મેજેસ્ટીસ શિપ) મિન્ડેન.'
બ્રિટિશરો ૧૭૫૯માં જર્મનો સામે મિન્ડેન નગરના પાદરમાં લડયા હતા. એ યુદ્ધની યાદગીરી રૂપે જહાજને નામ અપાયું હતું. અગાઉ 'ઈસ્ટ ઈન્ડિયા કંપની' તરફથી તો ઘણા જહાજનો ઓર્ડર મળ્યા હતા, પણ બ્રિટિશ નૌકાદળે બંધાવ્યું હોય એવુ પહેલું જહાજ મિન્ડેન હતું. પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને નૌકાદળ માટે હોવાથી તેના પર ૭૪ તોપ ફીટ થયેલી હતી. વજન ૧૭૨૧ ટન હતું અને લંબાઈ લગભગ પોણા બસ્સો ફીટ.
મિન્ડેન ૧૮૧૧માં મુંબઈથી મદ્રાસ રવાના થયું અને પછી ત્યાંથી આગળ ઈન્ડોનેશિયા (જાવા) જવા રવાના થયું. સફર દરમિયાન ડચ (નેધરલેન્ડ્સ) અને ફ્રેન્ચ નૌકા સૈનિકો સાથે મિન્ડેનની લડાઈ થઈ. વિજેતા થઈ જહાજ આગળ વધ્યું અને યુનાઈટેડ કિંગડમની દિશા પકડી. એ વખતે બ્રિટિશરોની અમેરિકા સાથે લડાઈ ચાલતી હતી. મિન્ડેન અમેરિકાના કાંઠે એ લડાઈમાં શામેલ થયું. છેવટે એ જહાજ પર જ રાજદ્વારી સબંધો સ્થાપવા આવેલા ફ્રાન્સિસ સ્કોટે ગીત સર્જન કર્યું. જહાજ, ગીત અને કવિ ત્રણેય ઈતિહાસમાં અમર થયા. જહાજ વર્ષો પછી ૧૮૬૧ નિવૃત્ત થયું અને વિસર્જન પામ્યું.
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ભારતીય નૌકાદળનું ભવ્ય ડોકયાર્ડ આવેલું છે. આમ આદમીને ત્યાં પ્રવેશ નથી. પણ પ્રવેશ મળે તો બાંધકામનું વર્ષ વાંચીને શરીરમાં ઝણઝણાટી થાય. કેમ કે નેવલ ડોકયાર્ડ ૧૭૩૫માં બનેલું છે. એટલે કે અત્યારે એ યાર્ડ ૨૮૬માં વર્ષમાંથી પસાર થઈ રહ્યું છે. દોઢ દાયકા પછી ત્રણ સદી પુરી કરશે. ભારતીય સમુદ્રી ઇતિહાસનું એ ગૌરવપૂર્ણ પ્રકરણ છે. અહીં અઢી-પોણા ત્રણ સદી જૂના અનેક બાંધકામો છે, તો આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ જહાજો પણ છે. સમગ્ર વિસ્તાર ભારતીય નૌકાદળના તાબામાં છે અને માટે ભારે સુરક્ષા હેઠળ છે. અહીં મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પણ છે. ૧૯૭૮માં સ્થપાયેલું એ મ્યુઝિયમ ભારતનો શહસ્ત્રાબ્દીઓ જૂનો નૌકા વારસો સાચવીને બેઠું છે.
બેશક નૌકા બારાની શરૂઆત ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. અહીં સુરતથી વાડિયા પરિવાર આવીને વસ્યો અને પછી જહાજો બાંધવાની શરૂઆત કરી. એ પૈકીનું એક જહાજ મિન્ડેન હતું. પણ મિન્ડેન એકમાત્ર ઐતિહાસિક જહાજ ન હતું. મુંબઈના ડોક યાર્ડમાં બનેલા અને ઈતિહાસમાં અમર થયેલા બીજા કેટલાક જહાજો...
એચએમએસ ત્રિકોમાલી
બ્રિટનના હાર્ટલપૂલ બંદર ખાતે નૌકાદળનું મ્યુઝિયમ આવેલું છે. સામાન્ય રીતે મ્યુઝિયમની સામગ્રી ચાર દીવાલ વચ્ચે પ્રદર્શિત થઈ હોય. પરંતુ અહીં કેટલાક પુરાતન જહાજો છે, જેને ખુલ્લામાં પ્રદર્શિત કરાયા. કેપ્ટન જેક સ્પેરોનું જહાજ હોય એવો દેખાવ ધરાવતા જહાજમાં સઢ માટે સંખ્યાબંધ થાંભલા અને આડા-ઉભા ટેકાનો પાર નથી, દોરડા, વાયર, બન્ને તરફ ગોઠવાયેલી તોપ અને એવી તો અસંખ્ય સાજ-સજ્જા જહાજને જૂના-પુરાણા તરીકે ઓળખાવી દે છે.
એ જહાજ જૂનું છે, પુરાણું છે અને એનાથીય વિશેષ ઐતિહાસિક છે. જહાજનુ નામ એચએમએસ ત્રિકોમાલી અને બાંધકામનું વર્ષ ૧૮૧૭ છે. બ્રિટિશરોએ પોતાના તાબાના શ્રીલંકાના બંદર ત્રિકોમાલી પરથી તેને નામ આપ્યું હતું. મુંબઈના નૌકા યાર્ડમાં કુલ તો ૩૮૦ જહાજો બંધાયા. પણ એમાંથી ત્રિકોમાલી અલગ એટલા માટે પડે છે કે આજેય તરતું હોય એવુ એ દુનિયાનું બીજું સૌથી જૂનું જહાજ છે. હાર્ટલપૂલના બારામાં તરે છે, એટલું જ નહીં ત્યાંથી બહાર કાઢવામાં આવે તો સમુદ્ર પર સડસડાટ ચાલી પણ શકે એમ છે.
૩૮ તોપ ધરાવતું આ જહાજ મલબાર ટીકના મજબૂત લાકડામાંથી બન્યું એ પણ તેના ટકાઉપણાનું એક કારણ ખરું. બ્રિટિશ નૌકાદળે તો વપરાશ કર્યા પછી ૧૮૯૭માં જહાજને ભંગારના વેપારીને વેચી દીધું હતું. પણ ત્યાંથી વળી કોઈ વેપારીએ તાલીમ માટે આ જહાજ ખરીદી લીધું. છેક ૧૯૮૭ સુધી જહાજ પર તાલીમની પ્રવૃત્તિ ચાલતી રહી પણ એ પછી તેના ઘણા ભાગોને નુકસાન થયું હતું. સમય પારખીને ૧૯૮૭માં બ્રિટિશ નૌકાદળે ફરી જહાજ પોતાના કબજામાં લીધું, ૫૫ હજાર પાઉન્ડના ખર્ચે રિપેર કર્યું અને તરતું મુકી દીધું.
કોર્નવોલિસ
ચીન અત્યારે હોંગ કોંગ પર કબજો જમાવવા માટે રોજ નવા નવા કાયદા-કાનૂન કાઢી રહ્યું છે. કારણ એટલું કે ઈતિહાસ પ્રમાણે હોંગ કોંગ ચીનનો પ્રદેશ હતો. પણ બ્રિટિશરો સાથે ચીને ૧૮૪૨માં 'ટ્રિટિ ઑફ નાનકિંગ' નામે સમાધાન કર્યું. એ સમાધાન પેટે હોંગ કોંગનો વપરાશ કરવાનો પરવાનો બ્રિટનને મળ્યો. એ સંધિ બ્રિટિશ નૌકાદળના જહાજ એચએમએસ કોર્નવોલિસ પર થઈ હતી. કોર્નવોલિસનું બાંધકામ મુંબઈમાં ૧૮૧૨માં થયું હતું. અમેરિકા સામેના યુદ્ધ વખતે ૧૮૧૩માં છેલ્લો તોપગોળો પણ કોર્નોવોલિસે છોડયો હતો. પછી બન્ને દેશો ઠંડાં પડયાં હતા.
પંજાબ
ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ૧૮૫૪માં ૧૮૦૦ ટનનું જહાજ બન્યું, નામ અપાયું 'એચસીએસ પંજાબ'. ઈંગ્લેન્ડથી રવાના થયા પછી એ જહાજ ધરતીના સામા છેડે ઑસ્ટ્રેલિયા પહોંચ્યુ ત્યારે સફર ૮૩ દિવસમાં પુુરી કરી હતી. સઢવાળા જહાજ દ્વારા થયેલી એ સૌથી ઝડપી સફર હતી. જહાજે સફર દરમયિાન રોજના સરેરાશ ૫૮૦ કિલોમીટરની સફર કરી હતી, જહાજની એવરેજ સ્પીડ ૧૫ નોટિકલ માઈલ (૨૭ કિલોમીટર) હતી, જે આજે પણ વિશ્વ વિક્રમ છે.
૧૮૫૭ની ક્રાંતિ પછી રાજકીય સંજોગો બદલાયા, બ્રિટિશ સરકારની આર્થિક ક્ષમતામાં પણ ઘસારો થયો, ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ થયો.. એમ વિવિધ કારણોસર મુંબઈના ડોકયાર્ડમાં બનતા જહાજોની સંખ્યા ઓછી થતી ગઈ. છેલ્લું જહાજ ૧૯૩૨માં બન્યું. પણ યાર્ડ બંધ નથી થયું, તેનો રોલ બદલાઈ ચૂક્યો છે. હવે ભારતીય નૌકાદળનું મહત્ત્વપૂર્ણ મથક છે અને નૌકાદળના જહાજો અહીં અવિરત રિપેર થતાં રહે છે.
ઈંગ્લેન્ડ અને ભારતમાં બનતા જહાજોમાંથી શ્રેષ્ઠ કોણ?
ઈંગ્લેન્ડમાં ઑકના વૃક્ષમાંથી જહાજો બનતા હતા, જેનું સરેરાશ આયુષ્ય ૧૨ વર્ષ ગણાતુ. મુંબઈમાં વાડિયાઓ ટીકવૂડમાંથી જહાજ બનાવતા જે ૩૦ વર્ષ સુધી ચાલતા અને એ પછીય રિપેરિંગ કરીને ૫૦-૬૦ વર્ષ સુધી કામ આપી શકતા. ઈંગ્લેન્ડમાં ઑકના જહાજ બનાવતી વખતે લાકડાનો ટનદીઠ ખર્ચ ૧૭ પાઉન્ડ આવતો, ભારતમાં એ કામ ટીકવૂડમાં ૧૪ પાઉન્ડમાં થતું. ભારતીય જહાજનો સૌથી મોટો લાભ તોપમારા વખતે મળતો. તોપ ફૂટે ત્યારે આઘાત બહુ ઓછો વરતાતો જેથી જહાજ અને જહાજીઓને ઓછું નુકસાન થતું. ઑકના વૃક્ષમાં એ આઘાતનું પ્રમાણ વધી જતું. એ બધો હિસાબ-કિતાબ બરાબર સમજતા બ્રિટિશરો એટલે જ પોતાના ઉત્પાદકોને પડતા મુકી હજારો કિલોમીટર દૂર મુંબઈમાં જહાજ બાંધવાનો ઑર્ડર આપતા હતા.
મેરિટાઈમ દિવસ શા માટે?
૧૯૧૯ની ૫મી એપ્રિલે ભારતના કાંઠેથી 'એસએસ લોયલ્ટી' જહાજ મુંબઈથી લંડન જવા રવાના થયું હતું. મૂળ એ બ્રિટિશ જહાજ હતું અને તેનું નામ આરએમએસ એમ્પ્રેસ હતું. ૧૮૯૦માં બનેલું જહાજ ૧૯૧૫માં ગ્વાલિયરના મહારાજાએ ખરીદી લીધું. ૧૯૧૯માં તેની પાસેથી દુરંદેશી ધરાવતા બિઝનેસમેન વાલચંદ હિરાચંદે ખરીદ્યું. ભારતથી બ્રિટનની સફર કરનારું એ પ્રથમ આધુનિક જહાજ હતું, જેની સંપૂર્ણ માલિકી કોઈ ભારતીયની હતી. એ પ્રસંગના સન્માનમાં ૧૯૬૪થી દર વર્ષે પાંચમી એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે તરીકે ઉજવાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wnPaZ9
ConversionConversion EmoticonEmoticon