કોરોનાની વિકટ સ્થિતિમાં આણંદ શહેરમાં સાંઈબાબા ટ્રસ્ટ દ્વારા ફરી ટિફિન સેવા શરૂ


આણંદ : આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના બેકાબુ બન્યો છે અને એપ્રિલ માસના પ્રથમ ૧૦ દિવસમાં જ ૨૪૬ કેસો નોંધાતા તંત્રની ચિંતા વધવા પામી છે. હાલ કોરોના સંક્રમણ વધતા કેટલાક પરિવારોને કોઈ કરવાવાળુ ન હોવાથી અનેક હાલાકીઓ વેઠવી પડી રહી છે ત્યારે આણંદ શહેરના સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ આવા પરિવારોની વ્હારે આવ્યું છે અને આજથી તેઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઈ છે. જેમાં હાલ ૧૦૦ જેટલા પરિવારોને બે ટાઈમ નિઃશુલ્ક ઘરેબેઠા ટિફિન સેવા પુરી પાડવામાં આવે છે.

ગત માર્ચ માસ દરમ્યાન કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલી બનાવાયું હતું ત્યારે સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ દ્વારા પ્રતિદિન ૨૦૦૦ જેટલા ટિફિનની નિઃશુલ્ક હોમ ડીલીવરી કરવામાં આવતી હતી. પરંતુ ધીમે-ધીમે પરિસ્થિત સુધરતા લોકડાઉન પૂર્ણ થતા ટિફિન સર્વિસ બંધ કરવામાં આવી હતી. જો કે ગત માર્ચ માસથી પુનઃ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોના પુનઃ બેકાબુ બનતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. એપ્રિલ માસ દરમ્યાન અત્યાર સુધીમાં ૨૪૬ પોઝીટીવ કેસો નોંધાયા છે. સાથે સાથે આણંદ જિલ્લામાં હાલ એક્ટીવ દર્દીઓને સંખ્યા ૨૧૧ ઉપર પહોંચી છે તો સાથે સાથે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા પણ વધવા પામી છે જેથી સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં રાત્રિના ૮ઃ૦૦ થી સવારના ૬ઃ૦૦ કલાક દરમ્યાન રાત્રિ કરફ્યુ અમલી બનાવાયું છે. હાલ કેટલાક પરિવારના સભ્યો કોરોનાના કારણે હોમકોરોન્ટાઈન થતા તેઓને જમવાની હાલાકી સતાવી રહી હતી ત્યારે આ સમસ્યાના નિવારણ અર્થે સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા આવા પરિવારો માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા કાર્યકર જીતુભાઈ રાસધારીએ જણાવ્યું હતું કે, હોમ કોરોન્ટાઈન થયેલ પરિવારોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. હાલ ૧૦૦ જેટલા ટિફિન બે ટાઈમ મોકલવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મો.નં.૯૮૯૮૫૪૪૨૫૬ અને ૯૮૨૪૨૭૪૫૦૭ ઉપર ફોન આવતા અમો પરિવારોને નિઃશુલ્ક બે ટાઈમ ટિફિન સેવા પુરી પાડીએ છીએ. આ સમસ્યાને લઈ તકલીફ ભોગવતા લોકોને ધ્યાનમાં રાખી આગામી સમયમાં અંદાજિત ૧૫૦૦ થી ૨૦૦૦ ટિફિન સેવા પુરી પાડવાનો નિર્ધાર તેઓએ  વ્યક્ત કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3258tsf
Previous
Next Post »