- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આખરી સલામ આવે અચાનક એ પહેલાં જીવી લીધું એ જ આપણી ખરી મૂડી!
- ગમે તેટલી ફિલસુફી ને પ્રાર્થનાસાધના કરી લો, મોત એક અકળ કોયડો છે જેનો તાગ સરખો સમજાતો નથી એટલે તો જીવન રહસ્યમય રંગીન બની રહે છે
જે જાણે તે જાણે:
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.
મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથીત
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.
મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિત
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.
મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટયા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.
જયંત પાઠકની આ કવિતા મૃત્યુ પરના વિશ્વશ્રેષ્ઠ કાવ્યોની હરોળમાં ગોઠવાઈ હોત જો અંગ્રેજીમાં હોત તો! કવિતા એ ચોટદાર વાક્યોના કવોટેશન્સ પણ નથી અને સરખા પ્રાસવાળા જોડકણા ય નથી. એ તો છે, બારીક ઓબ્ઝર્વેશન અને પછી સાવ અલગ રૂપક કે ઉપમાથી ઉઘડતું ને એના લેયર્સના સળમાં ચબરાકીથી છુપાતું દર્શન! જેમકે, તાંબાના પતરાંમાં કોતરણી એ વાત સામાન્ય રીતે અફર સત્ય માટે કહેવાતી હોય. પણ તાંબાને ય લીલો કાટ તો લાગે. એક સોનું જ એવું બેશકીમતી છે જેને કદી કાટ જ ન લાગે! અફરમાં ય એક્સ્ટ્રા અટલ. એના પર લખાયેલું છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે જન્મેલા છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. ગમે એટલા ઝડપથી સસલાની જેમ જિંદગીમાં દોડી દોડી બધું ભેગું કરીએ, આખરે તો રેસ જીતવાનો છે મોત નામનો કાચબો. સબ ઠાઠ પડા રહ જાયેગા જબ લાદ ચલેગા બંજારા! જે પરફેક્ટ ડિસીપ્લીનથી મધમાખી મધપુડો રચે એક એક દીવાલ બીજાને સ્પર્શે એવા ષટકોણ 'સેલ્સ'નો એમ જીવનની એકેએક ઘટનાઓની એકમેકમાં ચપોચપ ડિઝાઈન એક જ કથા રચે છે : મોત! જે શું છે એની ખબર એના અનુભવ વગર કોઈને સરખી થતી નથી ને એ પછી એનું શેરિંગ કદાપિ શક્ય નથી.
'મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે, કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું.' હરીન્દ્ર દવેની આ પંક્તિઓ વારંવાર કોઈની વિદાયવેળાએ ટાંકવામાં આવે છે. કોરોનાકાળમાં અમેરિકા બેસીને ભવન્સ માટે ઓનલાઈન સુંદર કાર્યક્રમો કરનાર એમના સુપુત્ર દીપક દવે આમ જ સ્મરણો બધાના હૈયે બિછાવી થોડા સમય પહેલાં અચાનક 'મોટા ગામતરે' ચાલી નીકળ્યા. (એમ જ ભવન્સ મુંબઈમાં એવી જ કામગીરી કોરોનાકાળમાં ઓનલાઈન કરનાર કમલેશ મોતા પણ ગયા. અને ઉત્પલ ભાયાણી કે મનહર ગઢિયા પણ) ત્યારે યાદ આવી ગઈ હતી એમની જોડે જ ન્યુયોર્કની એક ઢળતી સાંજે ચર્ચેલી વાત :
હરીન્દ્ર દવે આપણી ભાષાના સંવેદનશીલ સાહિત્યકાર. કૃષ્ણથી ગાલિબ સુધીના ગહન વિષયોના મરમી. ઉચ્ચ કક્ષાનું આધ્યાત્મિક ચિંતન ધરાવે, મૃત્યુ જેવા વિષયો પર પ્રવચન આપે... એક નવલકથાનું નામ જ 'મોક્ષ'! આવા હરીન્દ્રભાઈ ગંભીર બિમાર થઈ મરણ પથારીએ પડયા. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય, એમાં મોતની લગોલગ પહોંચીને બચી ગયા. હોસ્પિટલના બિછાનેથી લેખ લખ્યો... એમાં સ્પષ્ટપણે એ મતલબનું લખેલું કે ''એક વાર મોતની કરીબ આવ્યા પછી મોત, આત્મા, મોક્ષ વગેરે અંગેનું સઘળું ચિંતન ફિક્કુ લાગે છે. આ સ્થિતિમાં જો વિચાર વ્યક્ત કરી શકો, તો બધી આધ્યાત્મિકતા... ઈશ્વરશ્રદ્ધા વગેરે ખરી જતી લાગે! આપણે ધાર્યું હોય તેવું કશું જ ન થાય... અને કોઈ રીતે સમજાવી ન શકાય એવો આ અનુભવ હોય છે. જો જીવન મળ્યું તો હવે મોત વિશે સાવ જુદી જ દ્રષ્ટિથી વિચારતો થઈ જઈશ.''
એ લેખ એમનો પ્રગટ થયેલો અંતિમ લેખ બની રહ્યો. મૃત્યુએ એમને તો પોતાની પહેચાન કરાવી દીધી, પણ દુનિયાને મૃત્યુની પહેચાન કરાવવાની તક એમને ન મળી! મોત વિષય જ એવો છે! જગતના પ્રતિષ્ઠિત સામયિકો વારંવાર એના પર કવરસ્ટોરી કરે છે. મૃત્યુની લગોલગ પહોંચીને ચમત્કારિક રીતે બચી ગયેલા કે ઝઝૂમી રહેલા ઘણા માણસોએ મોતની વ્યાખ્યા કરતા પુસ્તકો લખ્યા છે. કોઈને કાળો ડિબાંગ ઓળો દેખાય છે... કોઈને શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ દેખાય છે... કોઈ સપ્તરંગી દીવાનો પ્રકાશ જૂએ છે... કોઈને જીવડાઓ તો કોઈને પક્ષીઓ પણ દેખાય છે. કોઈને શ્લોક સંભળાય છે, તો કોઈને ચીસો! મનોવિજ્ઞાાનની દ્રષ્ટિએ આ એકેય અનુભવ સંપૂર્ણ વિશ્વસનીય ન ગણી શકાય. કારણ કે મોટે ભાગે 'નીઅર ડેથ સિચ્યુએશન'માં માણસ નશો કરેલા બંધાણીની જેમ 'ટ્રાન્સ' યાને તંદ્રાની સ્થિતિમાં પહોંચી જતો હોય છે. એ વખતે સ્વપ્નની જેમ એને ન સમજાય એવું દેખાય છે... ન વ્યક્ત થાય એવી અનુભૂતિઓ થાય છે.
ઘણીવાર એક જ ક્ષણમાં જીવનમાં બની ગયેલી બધી મહત્વપૂર્ણ ઘટનાઓ રિવાઈન્ડ થાય છે તો ક્યારેક ચિરપરિચિત અવાજો સંભળાય કે બચપણના બનાવો દેખાય છે. આ બધાના આધારે મોત પર માણસો લેખમાળાઓ લખી કાઢે છે... પણ બધું જ હવામાં ગોળીબાર કે અંધારામાં તીર જેવું! કશું ય ચોક્કસ નહિ... કશુંય છાતી ઠોકીને કહી શકાય તેવું નથી હોતું! મોત પર વાંચવા- લખવાની મજા જીવતા માણસોને જ આવે છે, એટલે જ મૃત્યુ કદાચ પ્રેમ પછીનો બીજો એવો સબ્જેકટ છે કે જેમાં એકદમ ધારદાર અને ચોટદાર વાક્યો મહામહાવિચારકોએ સમાજને મમળાવવા માટે આપ્યા છે.
ડેથ ઈઝ એ ગ્રેટ લેવલર- એ સુપ્રસિદ્ધ સુવાક્ય છે. મૃત્યુ સંપૂર્ણપણે સેક્યુલર છે... એણે જીસસ ક્રાઈસ્ટ અને મોહમ્મદ પયગંબરને પણ છોડયા નથી... રામ અને ગુરૂ નાનક પણ એનાથી દૂર ગયા નથી., કહેવાતી ૨૧મી સદીનું ઓપનિંગ જ યાદ કરો. ૨૦૦૧નું વર્ષ. એ મોતની સદી બની રહે, એવા પ્રલયકારી એંધાણ હતા. યુદ્ધ, ત્રાસવાદ, ભૂકંપ, ઝંઝાવાત, હત્યા, હુલ્લડ... દિવસે દિવસે અકાળ અને અણધાર્યું મૃત્યુ ભરજુવાન વયના માણસોને રોગ કે અકસ્માતમાં કોળિયો કરી જાય છે. વાત નિરાશાની બિલકુલ નથી વાસ્તવિકતાની છે.
મૃત્યુ અંગે આત્મા-પરમાત્માની ઘણી સૂફિયાણી વાતો ચાલે છે. કાચની બંધ પેટીમાં પૂરાયેલો માણસ ગુજરી જાય તો પેટીમાં તડ પડે એવી ઘણી હમ્બગ અને વાહિયાત 'સત્યઘટનાઓ'(?) પણ પ્રચિલત છે. સેકન્ડના સોમા ભાગ પહેલા ધબકતું, હૂંફાળુ, ચેતનવંતુ શરીર તત્કાલ કેવી રીતે બર્ફીલુ, જડ, શૂન્ય બની જાય છે, એનો તાગ કોઈ પામી શકયું નથી. પામી શકવાનું નથી, કુદરત પાસે મોત એ માનવને હંફાવવાનું અમોઘ અને અંતિમ બ્રહ્માસ્ત્ર છે. કદાચ એ સિક્રેટ માણસને જણાવવાનું આખરી રહસ્ય હશે! એને પામી લીધા પછી કોઈ ભેદ, કોઈ લાગણી કોઈ સિઘ્ધિ... અરે! કોઈ ધર્મને પણ ઓળખવાની જરૂર નહીં રહે! કારણ કે, દરેક ધર્મ કે ભકિત માર્ગ હરી ફરીને મોતના ઓઠા હેઠળ જ ચાલે છે. મોત સુધારવા કે મોત પછી અગોચર યાત્રા (જો હોય તો)માં પરમ આનંદની પ્રાપ્તિ કરવા કે આત્માનો ઉદ્ધાર કરવા માટે જ માણસ, ઈશ્વરભકત બને છે. મૃત્યુ પછી શું છે એ કોઈ જાણી શકયું નથી. એ અજ્ઞાાન ભય અને વિસ્મય પેદા કરે છે. એના ધાર્યા જવાબો શોધવા યુગોથી મહામનીષીઓ મથે છે. કોઈ સિદ્ધાર્થ વૈરાગી બનીને બુદ્ધ-થાય છે, તો કોઈ આઈન્સ્ટાઈન સાપેક્ષવાદના સહારે એનું કોકડું ઉકેલવાનો પ્રયત્ન કરે છે. બુદ્ધ પણ ગયા, આઈન્સ્ટાઈન પણ ગયા! મૃત્યુ હજી મોજૂદ છે!
જિંદગીને એ ઉપરવાળાની ઉધારી કહી એ ઉઘરાણી કરે ત્યારે પાછી આપવી પડશે એવું માનતા સ્વ. કવિ મનોજ ખંડેરિયાએ લખેલું : શ્વાસના ધારદાર ચપ્પુથી, આ હવા મારું હોવું છોલે છે. અને જોશ મલીહાબાદીએ લખ્યું : જીતની બઢતી, ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ' એકેએક દિવસ આપણે એ ઉધારી ચૂકતે કરીએ છીએ, છેલ્લો હપ્તો જીવનની સાંજ સાથે હિસાબ પૂરો ન કરે ત્યાં સુધી જન્મ પછીની દરેક સવાર મોતના ખાતે જમા થાય છે!
મૂળ તો 'મોત પછી શું?'નો પ્રશ્નાર્થ એવો ગૂઢ છે કે એ મોટા ભાગના માણસોને 'માણસ' રાખે છે! પછીના કર્મબંધનના કે કયામતના ડરથી પાપભીરૂ માણસ સદાચારી અને પૂણ્યશાળી બને છે. મોતનો માહોલ સંતાનો સુધારે એવા ડરથી મા-બાપ એમને ઘણીવાર સાચવે છે. એ જ હેતુથી ઘણા આસ્થાવાનો પોતપોતાના પ્રભુજી કે ગુરૂજીની સેવાપૂજા કરે છે! જો મોતની માયાજાળ કાઢી નાખો, પછી જુઓ મજા! ટીચરની ગેરહાજરીમાં જેમ સ્ટુડન્સ ધમાલ મચાવે, એવી ધાંધલખોર દુનિયા થઈ જાય! માટે જ મોત પરનો પડદો ખરેખર તો જીવનનું જતન કરે છે. વિજ્ઞાાન જન્મની પ્રક્રિયાથી વાકેફ છે. ગર્ભાધાનથી પ્રસવ સુધીની સાંકળના એકેએક અંકોડાને આજે ખુલાસાવાર સમજી શકાય છે.
પણ મૃત્યુની બાબતમાં એક લાલકાળો (રેડ એન્ડ બ્લેક) અંધારપટ છે. મૃત્યુ થવાના કારણોની સમજૂતી મળે છે. પણ મૃત્યુની સાચી સમજૂતી હજુ સુધી માને પેટે જન્મેલા એકેય સજીવ પ્રાણીએ આપી નથી!
કોને ખબર? ડિઝની પિક્સારની કોરોના ઈયરમાં આવેલી 'ધ સોલ' ફિલ્મની જેમ કે કોરિયન ફિલ્મ ૪૯ ડેઝની જેમ ડેથ પછી આફ્ટરલાઈફનું આખું એક મેનેજમેન્ટ ધમધમતું હોય અદ્રશ્ય સર્જનહારના શ્વેતપ્રકાશથી જાનીવાલીપીનારા ફેલાવતું. કે કદાચ મોત પછી કશું જ ન હોય... બસ, સ્વીચ 'ઓન' અને 'ઓફ' કરો એમ જસ્ટ શૂટ, ફિનિશ્ડ એન્ડ ઓલ ઓવર! એક નિરંતર, નિરાકાર, નિર્ગુણ નિર્લય શૂન્ય જ હોય... કહાસે આયે, કહાં ગયે કુછ પતા નહી! કે પછી મોત એ એક પરિમાણ (ડાયમેન્શન)માંથી બીજા પરિણામમાં જવાનું દ્વાર છે? જેમ લોખંડનું ટેબલ ઓગળી, ગઠ્ઠો થઈ, ફરી ખુરશી બને તેમ! સમંદર સમાના બૂંદ મેં, પરપોટો ફૂટી ફરી હવા બને? સારા માણસોની ઉપર પણ જરૂર છે ને પાછલા જન્મના કર્મો ને વસ્ત્રો બદલાવવા જેવી ક્રિયાનો નિર્લેપભાવ એ બધું ક્યારેક માત્ર આપણે ભાંગી ન પડીએ એ માટે લોજીકથી જીવતાઓને આશ્વાસન આપવાનું લોજીક જ લાગ્યું છે. મોતનું મેજિક એમાંથી પકડાતું નથી!
એ ખરું કે મૃત્યુ એક ચિરનિદ્રા કે ધ એન્ડ હોય, તો પણ કોઈને સ્વીકારવું ગમતું નથી. આત્મહત્યા કરનારાઓને ય કંઈ મોત વહાલું નથી હોતું, જીંદગીથી કંટાળીને પરાણે એ બધા મૌત કા ચુમ્મા લેવા જતા હોય છે! કયારેક માણસ એટલા માટે પોતાનું મોત માંગે છે, કે બીજાના મોતે એની જીંદગી હરામ કરી નાખી હોય છે. અંગ્રેજી કથા 'રિપ વાન વિંકલ'માં બૂઢો રિપવાન સેંકડો વર્ષો સુધી મોતના આગોશમાં સૂતેલો હોય છે. બે સદી પછી એ ગામમાં અચાનક જીવતો થઈને પાછો ફરે છે, પણ ત્યાં સુધીમાં તો ગામ સમૂળું બદલાઈ ગયેલું! રિપ વાનનો પરિવાર તો હતો, પણ એ તો એના પ્રપૌત્રોના પ્રપૌત્રો હતા! બે ય પક્ષે કોઈ કોઈને ઓળખે નહીં... ઓળખાણ વગર આત્મીયતા હોય નહિ! નગરનો નકશો અને રિપ વાનના દોસ્તો બધા કાળના ગર્ભમાં સ્વાહા થઈ ગયેલા! જો તમને ચાહનારાઓ અને તમે જેને ચાહો છો એ લોકો ન રહ્યા હોય, તો પછી તમારી જીંદગી એ જ મોત છે! છેલ્લી જોન રેમ્બો ફિલ્મ બે વર્ષ પહેલા આવેલી એમાં ડાયલોગ હતો : 'આઈ હેવ લિવ્ડ ઇન એ વર્લ્ડ ઓફ ડેથ ઓલ ધ વન્સ આઈ હેવ લવ્ડ આર નાઉ ઘોસ્ટસ. બટ આઈ વિલ ફાઈટ ટુ કીપ ધેર મેમરી ફોરએવર!'
આફટરઓલ તમારી સફળતા, તમારૂં ઐશ્વર્ય, તમારો ઠાઠ આ બધાનો આધાર બીજા ઉપર છે. એટલે જ એવું લાગે કે સ્વજનોના મૃત્યુને લીધે માણસ સ્વયંના જીવનમાં મૃત્યુ જેવી અસાધારણ આતંકમય દુર્ઘટના સ્વીકારતો થાય છે. કાળક્રમે માણસ કયારેક પોતાના મા-બાપ, મિત્રો, ભાઈ - બહેન, ગુરૂજન ઈત્યાદિમાંથી કોઈને ગુમાવે છે. પછી એને પોતાના મૃત્યુનો ખાસ ડર નથી રહેતો. એ સુષુપ્ત રીતે મોત સ્વીકારવા તત્પર બને છે. કારણ કે, ઉંડે ઉંડે એને ઝંખના રહે છે કે મોત પછી આ પૃથ્વીના સ્વજનોથી દૂર જવાનું દુ:ખ મળશે, પણ પહેલેથી હંમેશ માટે વિખૂટા પડી ગયેલા સ્વજનો તો કદાચ કાયમી મેળાપ થવાથી સુખ પણ મળશે!
રોબિન વિલિયમ્સની એક અંગ્રેજી ફિલ્મ 'વ્હેર ડ્રીમ્સ કમ ટ્રુ'માં પત્ની અને બાળકોને ખૂબ પ્રેમ કરતો વ્યસ્ત નાયક સ્વાભાવમાં આકરો છે. વારંવાર ખીજાઈ જાય. ભાંગફોડ અને રાડારાડ કરે. એક સવારે આવી જ ધમાલ પછી એ ઓફિસે જાય છે. વિચારે છે કે સાંજે કુટુંબમાં બધાની માફી માંગી લઈશ. પણ ઘેર પરત આવે એ પહેલાં એક અકસ્માતમાં પરિવાર સાફ થઈ જાય છે. પસ્તાવો ન કરી શકવાનો પશ્ચાતાપ કરતો નાયક અંતે ડિપ્રેશન અન નર્વ્સ બ્રેકડાઉનને લીધે આપઘાત કરે છે, એ તમન્ના સાથે કે મર્યા પછી કુટુંબના સભ્યો મળશે અને માફી માંગી શકાશે! એની એક જ ઈચ્છા હોય છે: ના, અમરત્વની નહીં, પણ એકવાર વીતેલો સમય ફરીથી રિવાઈન્ડ કરવાની... જેથી જિંદગી બહારના કોઈ ટેન્શન કે દોડધામ વિના આત્મીયજનો અને કુટુંબ સાથે ભરપૂર જીવી શકાય, જો એવું કર્યું હોય તો પછી મોત માત્ર આંચકો આપી શકે, અપરાધભાવ નહીં! શોક આવે, પણ ગિલ્ટ નહિ!
મૂળભૂત રીતે પીડા મોત નથી આપતું, જે-તે વ્યકિત સાથેની મોહબ્બત આપે છે. આ મોહબ્બતનું સ્વરૂપ ગમે તેવું હોઈ શકે છે. પ્રિયતમ-પ્રેમિકા, બાપ-દિકરી, ભાઈબંધી, મા-દીકરો.... પણ એ તો ઉપરની ફરસ છે. નીચેની માટી યાને સંવેદનોની તીવ્રતા યથાવત જ રહે છે. આત્માનો મોક્ષ, અપેક્ષાઓની વિરક્તિ, લાગણીનો નિર્લેપભાવ... આ બધી ચીજો સમજવી સહેલી છે, અપનાવવી.... વેલ, પૂછો તો જાનો! ના ગાતી હૈ, ન ગુનગુનાતી હૈ, મૌત જબ આતી હૈ તો દબે પાંવ ચલી આતી હૈ!
ચિનુ મોદીએ લખેલું : ગમે તે ક્ષણે આવતું આ મરણ, મને સરખેસરખું એ સજવા ન દે! બસ, છેલ્લા કેટલાક સમયથી આમ જ મૃત્યુ આસપાસ જાણે શિકારે ચડયું છે. વસમી વિદાય ને આવજો મનમાં જ કહેવું પડે એવી લાચારી. મધુરા સંબંધ અધૂરા રહી જાય એ ખાલીપાની ફાંસ ભોંકતી કણસ (કોન્સ્ટન્ટ સ્લો પેઈન) સાથે. માર્ચ પૂરો થાય એટલે આખા વર્ષના હિસાબોના જમાઉધારનું ઓડિટ પૂરું થાય. ગયા માર્ચમાં કાળઝાળ કોરોનો 'ગુડાણો' આપણી લાઈફ ચેન્જ કરતો એને એક વરસ થયું. એમાં કેટકેટલા જીવો એ ગાળામાં કોવિડ કે અન્ય કોઈ કારણથી ગુમાવ્યા એની યાદી તો અધૂરી જ રહેવાની. ઈરફાન, રિશી, સુશાંત, ક્રિસ્ટોફર પ્લમર, શોન કોનેરી, ચાડવિક બોઝમેન,કોબે બ્રાયન્ટ, રાજીવ કપૂર, આસિફ બસરા, ચિત્રા, સેજલ શર્મા, સમીર શર્મા, એસ.પી.બાલાસુબ્રમણ્યમ, સરોજ ખાન, નિશીકાંત કામત, બાસુ ચેટરજી, મેરેડોના, વાજીદ, વેન્ડલ રોડ્રિકસ, ફરાઝ ખાન, અકબર પદમશી, રૂથ જીન્સબર્ગ, બેજન દારૂવાલા, નયા રિવેરા, જગદીપ, કેલી પ્રેસ્ટન, કિર્ક ડગ્લાસ, લેરી કિંગ, લેરી ફ્લીન્ટ, તાન્યા રોબર્ટસ, બીવર્લી ક્લેરી, સાગર સરહદી, પંડિત જસરાજ, બુટાસિંહ, નગીનદાસ સંઘવી, મુકુંદ મહેતા, માધવસિંહ સોલંકી, મૃદુલા સિંહા, અહેમદ પટેલ, કેશુભાઈ પટેલ, અભય ભારદ્વાજ, કુંદનિકા કાપડિયા, હસુ યાજ્ઞિાક, પન્ના અધ્વર્યુ, કૌમુદી મુનશી, એન.કે.પરીખ, જયંત મેઘાણી, જયેશ સોલંકી...
આ તો સેમ્પલ્સ છે, બહુ મોટી યાદી થાય. અને કેટલાક અંગત અંગત નામો આ કટાર ને કટારચીને પ્યાર કરતા ય ઓગળી ગયા ધૂપની ધુમ્રસેર બનીને! બચપણ જેણે જોયું હોય નાકના શેડા લુછવાનું ને જેમના આંગણે જઈ રમવાનું એવા વ્હાલા વડીલો ગિરીશભાઈ વછરાજાની, જ્યોતિષભાઈ દેવયાનીબહેન બૂચ, મધુબહેન સરૈયા બધા આગળ સ્વર્ગસ્થ લાગી ગયું! જમણા કાંડાનું ફ્રેકચર જોડી પૂર્વવત કરી દેનાર સર્જન ડો. સમ્રાટ બુદ્ધ અકાળે કાળની ગર્તમાં ભસ્મીભૂત થયા અને અમેરિકામાં લાડ કરનાર કૃષ્ણપ્રેમી પત્રકાર રાજેશ શાહ પણ આમ જ આંચકો આપી જતાં રહ્યા! આસ્થાવાન શ્રેષ્ઠી બજોરીયાજી, પરમારસાહેબ, દાવડાસાહેબ કે સુહદ સજ્જન મનોજ ભટ્ટ ચિરનિદ્રામાં પોઢી ગયા.
અને તાજેતરમાં જ એક સપ્તાહમાં ગયા ગુજરાતી તખ્તા માટે હિન્દી ફિલ્મો અને ટીવી સીરીયલોનો ગઢ છોડીને પોતાનો કોમેડી કિલ્લો સર્જનાર પ્રેરણાના અગાધ ધોધ સમા લેખક-નિર્માતા-દિગ્દર્શક ઈમ્તિયાઝ પટેલ! વિશ્વ રંગભૂમિ દિને જ એક્ઝીટ. ભેટમાં ભાવ નહિ, ભાવના જુઓ કહેનાર અને ખુદ ખોલીમાં રહી બારમામાં ફેઈલ થયા હોય પછી હમ પાંચ થકી બીજાના કિસ્મતના તાળા ખોલી દીકરી રહોડ્સ સ્કોલરશિપ અમેરિકામાં મેળવી એવી જીવતી યશગાથાનો જયજયકાર કરતો ખાનદાન ઇન્સાન ઊંઘ માટે ફાઈવ સ્ટાર હોટલમાં પોતાનું જુનું ઓશીકું લઈને જાય અને આ દુનિયામાં આપણે જ આપણને એપ્રિલ ફૂલ બનાવીને જાતને છેતરીએ છીએ બાકી એક દિવસે તો ઉપરના દરબારમાં બધાએ જવાનું છે એવો બોધ આપતા. આનંદ ફિલ્મના હીરોની માફક આ પાસાદાર હીરો જિંદગીના સફરના વળાંકે બીજાને હસાવતો પોતાનું દર્દ છુપાવતો માટીમાં ભળી ગયો! છોડી ગયો એ માટીમાં ઉગતા સ્મૃતિના ફૂલોના રંગ ને સુગંધ.
ગુજરાત સરકારના અધિકારી અને સ્પોર્ટ્સવુમન શ્વેતાબહેન મહેતાએ તો તરુણીઓને સમજણ અને સ્નેહ આપતું પુસ્તક ખીલતી કળીને વ્હાલ લખેલું. પોતે ફિટ અને બીજાને કોરોનાથી સાવચેત રહેવા કહે. સરસ સાહિત્યિક વાંચે ને સરળ અને રસાળ ભાષામાં સચોટ લખે. એમની પહેલી જ પ્રેગ્નન્સી અને સાત મહિનાના ગર્ભસ્થ શિશુને કોરોનામાં ગુમાવ્યા બાદ એ કોમ્પ્લીકેશન્સમાં માતાએ ભરજુવાનીમાં અપાર શક્યતાઓ નંદવીને કારમી વિદાય લીધી. ખીલે એ પહેલા જ કળી અને ડાળી મુરઝાઈ જતા એક વાસંતી ઉપવન જાણે હોળીની ઝાળમાં ભડભડ બળતું હોય એવો કાળજે દવ લાગ્યો!
અને પહેલી જ યુરોપ ટ્રીપમાં ૧૫ વર્ષ પેહેલાં જર્મન લોકો જોડે રહેવા ઓન મેરિટ સિલેક્ટ થયેલા એક લાજવાબ કૃષિવિજ્ઞાાની હરેશભાઈ ધડૂકને ગુમાવ્યા એ તો આખા દેશના ચોપડે મંડાયેલો માર્ચ એન્ડિંગનો લોસ. જગતની કોઈ પણ યુનિવર્સિટી જેમના માટે લાલ જાજમ બિછાવે એવા ખંતીલા સંશોધક. જૂનાગઢ મોતીબાગમાં કામ કર્યા બાદ આણંદ કૃષિ યુનિ.ના વિભાગીય વડા થયા. પ્યોર રિસર્ચર. ધુનકી લાગે એટલે કલાકો વનસ્પતિની તપસ્યા કરે એવો લાજવાબ બોટનિસ્ટ. કોવિડકાળમાં તુલસી પર સંશોધન કરી એની અસરોમાં ખુંપેલા હતા એ વાઈરસને ના ગમ્યું ને એક દુનિયામાં પોલિટીકલ ટાંટિયાખેંચ અને અંગ્રેજીની બોલબાલા ન હોય તો જેમના પેપર્સ વંચાઈ શકે એવો મૌલિક એગ્રોસાયન્ટીસ્ટ ને બેહદ સંવેદનશીલ શિસ્તબદ્ધ મુલ્યનિષ્ઠ માનવી એવા ધડુકસાહેબ એમને ગમતી લીલોતરીમાં ભળી ગયા જાણે!
સુરતના દિલીપભાઈ ભક્ત અને વડોદરાના પ્રતાપભાઈ પંડયા તો સમાજઘડતરના શિલ્પીઓ, જેટલું જીવે એટલું બીજાને જીવાડે એવા ઉત્તમ ગાંધીજનો પણ ગીતાજ્ઞાાની થઇ મહાપ્રયાણ કરી ગયા. પુસ્તકોભરી ચાલતું પ્રતાપી મસ્તક અગ્નિના ખોળે પોઢી ગયું જાણે. શ્વેત ખાદીએ મેઘધનુષ સમાવી લીધું ને બની ગયું અંતરના અજવાળાનું પ્રકાશકિરણ!
આ બધા ખરી પડેલા ટહુકાઓનો શોર પજવ્યા કરશે એ આપણું નવા ફાઈનાન્સિયલ ઇયરનું ઉધાર ને એમની અધુરી કહાનીમાં છુટેલી મધુરી સ્મૃતિઓ એ જમા. બાકી ઓશો કહેતા એમ કોઈનું મૃત્યુ આપણા એકાકીપણાને આયનો બતાવી દે છે! ( શીર્ષક : સૈફ પાલનપુરી)
ફાસ્ટ ફોરવર્ડ
આ થાશે, તે થાશે, શું થાશે?
થવાનું હશે એ તો થાશે ને
પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આપણે જ અંધારું બોગદું ને
એમાંથી આપણે જ સોંસરવું જાવુંત
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં,
પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો
પછી આપણી સોંસરવો યે વાશે.
આપણા ખભા પરથી શ્વાસોનો બોજ
કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત,
કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને
તમે, મોત એટલું જ તમને સમજાશે.
(રમેશ પારેખ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wiYE7Q
ConversionConversion EmoticonEmoticon