
ઠાસરા : ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસેનો પુલ અત્યંત ભયનજક, જર્જરિત અને સાંકડો હોવાની ફરિયાદો ઊઠી છે. પુલ જોખમી હોવાની ચેતવણી પણ વંચાય નહીં તેવા અક્ષરોમાં પુલ પાસે લખી હોવાની રાવ પણ સ્થાનિકો કરી રહ્યા છે.
ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસેથી પસાર થતી મહીકેનાલનો પુલ અત્યંત સાંકડો અને ભયજનક હોવાની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આ પુલ સાંકડો છે તેવી ચેતવણીનું બોર્ડ પુલની એકદમ નજીક મૂકવામાં આવ્યું હોવાથી તે નકામું બન્યું હોવાની ફરિયાદો સ્થાનિકોમાં ઊઠી છે. રોજિંદા વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે ચેતવણીનું બોર્ડ ૧૦૦ ફૂટ જેટલા અંતરે પુલમાં પ્રવેશતાં અગાઉ અને મોટા અક્ષરે હોવું જોઈએ તો વાહનચાલક આગળ જતાં થોભી શકે. લોકોના જણાવ્યા પ્રમાણે વાહન ચલાવતી વખતે વાહનચાલકને દૂરથી તો એ બોર્ડ દેખાતું જ નથી અને દેખાય તેમાં વંચાતું નથી. પુલની એકદમ પાસે પહોંચ્યા પછી બોર્ડ પાસે જઈએ ત્યારે જ વાંચી શકાય છે કે પુલ સાંકડો અને ભયજનક છે. આવી ચેતવણીનો શો અર્થ તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. પુલ ભયજનક અને સાંકડો હોવાની ચેતવણીનું બોર્ડ પુલ પહેલાં ૧૦૦ ફૂટ જેટલા અંતરે મૂકવાની માગણી લોકો કરી રહ્યા છે.
થોડા સમય પહેલાં જ એક ગાડીને ટક્કરે બાઈકચાલક યુવાન આ પુલ પરથી ઉછળીને કેનાલમાં ખાબકી મોતને ભેટયો હતો. અવારનવાર આ પુલ પર અનેક અકસ્માતો સર્જાતા હોવાનું જાણવા મળે છે. પુલ પરનો રસ્તો પણ જર્જરિત અને ખાડાવાળો થઈ ગયો હોવાની ફરિયાદો ઊઠી છે.
મહી કેનાલ પુલ પાસે ભૂલથી બોર્ડ નજીક મૂકાયા હશે : તંત્ર
ડાકોર આર.એન.બી.ના એન્જિનિયરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યા પ્રમાણે બાધરપુરા મહીકેનાલ પુલ પાસે જે બોર્ડ મૂકાયા છે તેમાં ભૂલથી ખૂબ નજીક મૂકાયા હોઈ શકે છે. પણ હવે પુલની બન્ને તરફ, ઠાસરા અને અંબાવ તરફ ચેતવણીના બોર્ડ પુલથી દૂર મૂકાવી દેવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QjTO9N
ConversionConversion EmoticonEmoticon