ઘનકચરો સાફ કરવા માટે બેટરી સંચાલિત વાહન બિનઉપયોગી હોવાની ફરિયાદ


ગળતેશ્વર : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામમાં ઘનકચરો સાફ કરવા માટે બેટરીસંચાલિત  ત્રિચક્રી વાહન બિનઉપયોગી નિવડશે તેવી ફરિયાદ ઊઠી છે. કોતરોવાળા વિસ્તારમાં આવું વાહન કચરો ઊંચકી નહીં શકે તેવી ગ્રામજનોનું કહેવું છે.

ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામમાં આશરે ૧૨ પરા આવેલા છે. આ તમામ પરા કોતરવાળા વિસ્તારો છે. આ વિસ્તારોમાં ઘન કચરા ઊંચકવા માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના અંતર્ગત બેટરીસંચાલિત ત્રિચક્રી વાહન ફાળવવામાં આવ્યું છે. આ અંગે ગામના સરપંચે જણાવ્યા પ્રમાણે આવા કોતરવાળા વિસ્તારોમાં આ વાહન બિનઉપયોગી છે. ફાળવણી પહેલાં તંત્ર દ્વારા તેની તપાસ થવી જોઈએ. આવા વિસ્તારોમાં આ વાહન ઘન કચરો ભરીને ઊઠાવી શકશે નહીં. પરિણામે ગામમાં આ વાહન પડયું રહેશે અને સરકારના પૈસા તેમ જ સાધન વેડફાશે, તેનો ઉપયોગ થઈ શકશે.

ગ્રામજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ ગ્રામજનો અને સરપંચ દ્વારા કચરો ઉપાડવા આ વિસ્તારને અનુરૂપ ટ્રેક્ટરની માગણી કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ તે સ્વીકારી નહોતી. અંતે ગ્રામજનોએ પોતે ટ્રેક્ટર લાવવું પડયું હતું, જે હાલ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત સરકારી યોજના મુજબ અંગાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક એમ્બ્યુલન્સની ફાળવણી મંજૂર થઈ એક વરસ વીતવા આવ્યું હોવા છતાં તે હજી મળી નથી તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.

આ બાબતે સંબંધિત અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ તપાસ કરશે. ગામના સરપંચ કે કોઈની રજૂઆત આવી હશે તો તેમની સાથે વાત કરીને ઘટતી કાર્યવાહી કરશે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PVPjlZ
Previous
Next Post »