આકાશી નગરી અધ્ધર નગરી ત્રિપૂરા


- ત્રણે ફરતી નગરી એક હરોળમાં આવે તો જ તેને નિશાન બનાવી શકાય!

- શિવે મંદાર પર્વતનું ધનુષ બનાવ્યું. વાસુકી નાગની પણછ સાંધી. ત્રિશૂળ લાંબું લાંબું કરીને તીર બનાવ્યું

- આ ચમત્કાર કથાને આપણે વિજ્ઞાાનકથા કહીશું?

ત પ કરો એટલે વરદાન મળે. આકરૂં તપ કરો એટલે ધાર્યા વરદાન મળે. જૂના જમાનાનો એવો રિવાજ હશે. ફળતાંય હશે કદાચ. તપ કરવાનો બધાંને અધિકાર. જેટલો દેવોને તેટલો જ દાનવોને.

બળિયા દાનવોએ બ્રહ્માજીનું તપ આદર્યું. દાનવ એટલે છેતરામણી. તેમણે બ્રહ્માને કહી દીધું : ''અમારી વાત જો નહિ સાંભળો તો અમે અમારા પ્રાણ ત્યજી દઈશું.''

હવે ભલા દાનવો પ્રાણ ત્યજે તે તો સારું જ ને! અને દાનવો તો પ્રાણ લેનારા રહ્યાં, કંઈ પ્રાણ આપે ખરા?

તેમ છતાં બ્રહ્મા ભરમાયા. ખુશ થયા. પૂછ્યું : ''શું જોઈએ છે તમારે?''

દાનવ બે હતા. બન્ને કહે : ''આકાશી નગર. અધ્ધર નગરી. એક બે અને ત્રણ.''

''તમે બે છો,'' બ્રહ્માએ પૂછ્યું, : ''ત્રણને શું કરશો?''

દ્વિ-દૈ-ત્ય કહે : ''એક એનું, એક મારું, એક અમારા બન્નેનું.'' એટલું જ નહિ ઉપરથી ઘણી બધી સગવડો માગી. કોયડાથી ગૂંથ્યા.

બ્રહ્માજીએ કહી દીધું : 'તથાસ્તુ.'

આકાશમાં ઝૂલતાં ત્રણ નગર દાનવોને મળી ગયાં. એક સુવર્ણપૂર, બીજું ચાંદીપૂર, ત્રીજું તામ્રપૂર.''

પૂર એટલે રેલ. ધસમસતા પ્રલયના પાણી. પૂર એટલે ગામ, નગર, શહેર. ત્રણ પૂર દાનવોને મળ્યા. ચગ્યા દાનવો. તેઓ કહે : ''આપણે એક અમૃત-કુંડ બનાવીએ, અમૃતસર. એ સરોવરનું અમૃત પીએ કે અમર થઈ જઈએ. પછી લડીશું એ દેવલાઓ સાથે.''

ત્રણ અધ્ધર નગરી, ઉપરથી અમૃતનું સરોવર. રાક્ષસો કૂદી કૂદીને અમૃતકુંડમાં પડવા લાગ્યા. એટલા તાકાતવાળા થઈ ગયા અસૂરો કે દેવલાં-દેવલીઓને ઝૂડવા જ લાગ્યા. દેવો તેમને મારે પણ તેઓ મરે જ નહિ. મરવાના થાય કે પડે અમૃતકુંડમાં.

ડોલ્યું. સ્વર્ગના રાજા ઈન્દ્રનું સિંહાસન ડોલ્યું. દેવલાઓ પોકાર કરવા લાગ્યા : ''બચાવો! બચાવો!?''

બ્રહ્મા કહે : ''હવે હું ન બચાવી શકું. તમે શિવશંકરને પ્રાર્થના કરો!!''

દેવો એવા, આપીને છૂટી જાય.

દેવસમૂહે મહાદેવને પકડયા : ''બચાવો, શિવજી, નહિ તો આતંકનું જ રાજ ફેલાઈ જશે.''

શિવજીએ વિવાદનો અભ્યાસ કર્યો. મુખ દસ્તાવેજ ચકાસ્યો. બ્રહ્માજીએ ઊતાવળમાં મૌખિક દસ્તાવેજમાં સહી કરી દીધી હતી. હવે વાત વાળવી અઘરી હતી. પણ શિવ કોને કહ્યાં છે?

એક શરત એવી હતી કે ત્રિપૂરા નગરી ઊડતી નગરી હતી. આકાશમાં ઊડતી જ રહે. ઊડતી રકાબીની જેમ. ફરતી પૃથ્વીની જેમ. એ ત્રણેય પૂરી એક હરોળમાં આવે તો જ તેનો સંહાર થઈ શકે. તે ક્ષણ સુધી રાહ જોવી પડે.

બીજુ સામાન્ય અસ્ત્ર-શસ્ત્રથી તેનો વિનાશ થાય નહિ.

શિવે બ્રહ્મા સાથે તમામે તમામ દેવલાંઓને પલોટયા.

તેમણે મંદાર પર્વતનું ધનુષ બનાવ્યું.

નાગરાજ વાસુકીની પણછથી તેને સાંધ્યું. અને પોતાના ત્રિશૂળનું લાંબું લાંબું તીર બનાવ્યું.

એ ત્રિશૂળના એક શૂર પર ભગવાન વિષ્ણુને સ્થાપિત કર્યા. બીજા શૂળ પર વાયુદેવને સ્થાન આપ્યું.

વિશ્વકર્મા દ્વારા બનાવેલ પીઠ પર ઊભા રહ્યા.

ઘડી-પળની રાહ જોઈ. જેવી તક આવી કે છોડયું નિશાન. એકસાથે ત્રણે નગરી વીંધાઈ ગઈ. પ્રલય સ્ફોટ થયો. વિધ્વંશ એવો થયો કે બ્રહ્માંડ હચમચી ગયું.

- હરીશ નાયક



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fZhNWW
Previous
Next Post »