
- માણસનાં આંકડાં ને આંકડાંનો માણસ
- વિદ્યાર્થી કોમ્પ્યુટરથી ચઢિયાતો છે, તે આંકડાંમાંથી માણસ અને માણસમાંથી આંકડાંની ફાંકડી આકૃતિ ઊભી કરી શકે છે
- આંકડાં તમારો પીછો નહિ છોડે. શાળામાં દાખલ થાવ ત્યાંથી ડોસાદાદા બનીને જીવો (કે મરો) આંકડાં તમારી આગળ રહેશે અને પાછળ પડેલાં રહેશે
આંકડાં છે ફાંકડાં
આંકડાં છે ઢાંકણાં,
આંકડાં છે ટાંકણાં,
આંકડાં છે માંકડાં.
શૂન્યની શોધ ભારતે કરી.
આંકડાંઓની શોધ પણ ભારતે કરી.
પણ જ્યારથી માણસ આંકડાંના સાંકડાં પિંજરમાં ફસાયો છે, ત્યારથી તે ગણતરીમાંથી ઊંચો જ નથી આવતો!
અલ્યા કેટલા વરસનો થયો?
તમને કેટલો પગાર મળે છે?
તમારા ગામની, નગરની, શહેરની વસ્તી કેટલી? મહાભારતનું યુધ્ધ કઈ સાલમાં થયું હતું? જલિયાંવાલાં બાગમાં જનરલ ડાયરે કેટલા લોકોની હત્યા કરી હતી?
ત્યારે ચા એક આનામાં મળતી હતી, આજે ચા કેટલી કિંમતે મળે છે? કેટલી મળે છે?
ગણે જાવ, ગણગણે જાવ! આંકડાં તમારો પીછો નહિ છોડે. શાળામાં દાખલ થાવ ત્યાંથી ડોસાદાદા બનીને જીવો (કે મરો) આંકડાં તમારી આગળ રહેશે અને પાછળ પડેલાં રહેશે.
પણ અમારા ટિંગુ-પિંગુને તો દરેક વાતમાં રમત જ સૂઝે. આંકડાં એટલે જ તેમની 'મન-કી-બાત.'
એક વખત એ બન્ને બાળકો રમતે ચઢ્યા. આંકડાં આમ ગોઠવે અને તેમ ગોઠવે. ઉપર મૂકે, નીચે મૂકે, ચીનની દીવાલની જેમ લંબાવે રાખે.
કોઈ આકૃતિ બને છે?
ટિંગુ કહે : પિંગુ.
પિંગુ કહે : ઓ.
ટિંગુ કહે : માણસ આંકડાં સાથે રમે છે કે આંકડાંઓ માણસને રમાડે છે?
પિંગુ કહે : અરસ-પરસ.
ટિંગુ કહે : એટલે?
પિંગુ કહે : બન્ને એક બીજાને રમાડે છે. માણસને માટે આંકડાં, એ છેવટની રમત છે.A FINAL GAME. અને આંકડા માટે માણસ એક કાયમી રમત છે : A PARMANENT GAME.
ટિંગુ કહે : તો એમ જ કહેને કે આંકડાં સાથે રમતાં રમતાં માણસ જ આંકડાંનો બની ગયો છે.
પિંગુ કહે : એમ જ.
ટિંગુ કહે : પણ આંકડો તો વીંછીને હોય!
પિંગુ કહે : એટલે જ માણસમાં થોડાક વીંછીનાં ગુણો આવ્યા જ છે. તે ડંખ રાખે છે, ડંખ મારે છે, ડંખ ઊજવે છે.
ટિંગુ કહે : ઓહોહોહો! તું તો જબરો મોટો ફિલસુફ બની ગયો. આંકડાં-શાસ્ત્રી કે આંકડાંમિસ્ત્રી કે આંકડાંઈસ્ત્રી!
પિંગુ કહે : આંકડાંઓનું કોમ્પ્યુટર જ કહેને!
ટિંગુ કહે : તે કેવી રીતે?
પિંગુ કહે : કોમ્પ્યુટરની તાકાત છે કે તે આંકડાંઓનો માણસ બનાવે છે, અને માણસને આંકડામાં ફેરવી દે છે.
ટિંગુ કહે : ચગડોળની જેમ.
પિંગુ કહે : આપણે ALICE IN FIGURELANDની રમત ભણ્યા છીએ ને?
ટિંગુ કહે : ભણવાની રમત? કે રમતનું ભણતર?
પિંગુ કહે : ભણવાનું જ્યારે રમતમાં રૂપાંતર થશે ત્યારે જ ભણતર સાવ સહેલું થઈ જશે.
ટિંગુ કહે : રમતાં રમતાં ભણો
ભણતાં ભણતાં રમો
ભણી ગણીને રમો
રમી રમીને ભણો.
પિંગુ કહે : ચાલ હવે અમલમાં મૂકીએ. આંકડાંઓને જ આપણે ટીચર બનાવી દઈએ. આંકડાં એવી રીતે ગોઠવીએ કે આંકડાંનો જ માણસ બની રહે.
ટિંગુ કહે : આંકડાંઓનો ટીચર કહે.
પિંગુ કહે : ટીચર બરાબર છે. ટીંચર ના કહેતો! કેટલાક ટીચર પણ ટીંચર જેવા હોય છે ને?
ટિંગુ કહે : ટીચર જ માત્ર ટીંચર નથી હોતા, કેટલાક શિક્ષણકાર કે શિક્ષણમંત્રી ય ટીંચર જેવા હોય છે.
પિંગુ કહે : ના રાજકારણમાં નથી જવું. ચાલ આપણે સર્જન કરીએ. આંકડાનો માણસ બનાવીએ. તે ભલે ટીચર હોય કે વિદ્યાર્થી હોય, ડૉક્ટર હોય કે પ્લીડર હોય, કે પછી ડમડમીયો વાજાવાળો હોય!
બંને મિત્રો આંકડાંઓ ગોઠવતાં થઈ ગયા. ગોઠવતાં જ રહ્યા, ગોઠવતાં જ રહ્યા અને એક કરતાં વધારે માણસ બનાવી દીધા. અહીં એક એવો આંકડાં-માનવ રજૂ કરે છે ટિંગુ-પિંગુ.
બીજા તમે બનાવજો.
બનાવશોને?
તા.ક. હર પ્રકારના 'માણસ' બનાવી શકશો. સાથમાં પશુ, પંખી, સ્કૂલબસ, શાળા, સેટેલાઈટ જેવા કંઈક પ્રયોગો કરી શકો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wEiuuF
ConversionConversion EmoticonEmoticon