- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- મોટાભાગની વ્યક્તિઓના મગજ રીસીવર જેવા થઇ ગયા છે, તેમના વિચારોના બ્રોડકાસ્ટર્સ તો કો'ક બીજા જ છે ! ધીરે ધીરે લોકો વિચારવાની પ્રક્રિયાનું આઉટ સોર્સીંગ કરી રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગમાં તમે બેધ્યાન રહ્યા તો તમારું આખેઆખું મગજ કોઈ તફડાવી જશે અને તમને ખબર સુધ્ધાં નહીં પડે !!
હ મણાં એક વડીલે બળાપો કાઢ્યો કે ઓનલાઈન અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણા બેન્ક એકાઉન્ટસ સુરક્ષિત નથી રહ્યા, ગમે ત્યારે 'હેક' થઇને પૈસાની ઉઠાંતરી થઇ જાય !
મેં હસતા હસતા કહ્યું આજે આખેઆખા મગજ હેક થઇ ગયા છે ત્યારે કોઇપણ એકાઉન્ટ હેક થાય એમાં શું નવાઈ ?! એકાઉન્ટ હેક થાયતો મોડી-વહેલી ખબર પણ પડે, જ્યારે મગજના કિસ્સામાં તો વ્યક્તિઓને તેની જાણકારી'ય નથી હોતી કે કોણ એમનું મગજ-વિચારો મચડી રહ્યું છે, મેનિપ્યુલેટ કરી રહ્યું છે !'
એમને કંઇ મારી વાતમાં ખાસ રસ ના પડયો, આમ પણ મગજ તો મફતમાં મળ્યું છે, મફતિયા વસ્તુઓની શું ચિંતા ? ! મહેનતે કમાયેલ પૈસા કસકસરથી વાપરવા પડે, લાંચમાં મળેલા પૈસા ખરચવામાં શું હિસાબ હોય ?!! પરંતુ મારી વાત મહત્ત્વની એટલા માટે હતી કે ઓનલાઈન ઠગાઈ કરનારા; પહેલા તમારું મગજ ગૂંચવણમાં નાખીને પછી જ તમને ખંખેરતા હોય છે ! આ સમજાતું હોય તો સમજાશે કે આજે વિવિધ ધંધાદારીઓથી માંડી મીડિયા, એપ્સ, ઇન્ફોટેનમેન્ટ પ્લેટફોર્મ્સ વગેરે બધા જ તમારી જાણબહાર તમારું મગજ ઉઠાવી જાય છે અને એને પડાવીને સતત પોતાની પાસે રાખવાની પેરવીમાં હોય છે ! તમારા વિચારો, પસંદગીઓ, દ્રષ્ટિકોણ વગેરેને એ પોતાની રીતે પ્રભાવિત કરતા રહે છે અને તેમાં મહદઅંશે સફળ પણ છે. કંઇક અંશે આ જાણતી-સમજતી વ્યક્તિઓ પણ પોતાનું મગજ તેમને આપીને જુદા જુદા સ્તરે તેમની ચાલાકીઓનો શિકાર થતી રહે છે ત્યાં બિલકુલ અજાણ વ્યક્તિઓની તો વાત જ શું કરવી ?! સાવ સાચી વાત તો એ છે કે આજકાલ એવો માહોલ છે કે મોટાભાગની વ્યક્તિઓના મગજ રીસીવર જેવા થઇ ગયા છે, તેમના વિચારોના બ્રોડકાસ્ટર્સ તો કો'ક બીજા જ છે ! બીજા શબ્દોમાં કહું તો ધીરે ધીરે લોકો વિચારવાની પ્રક્રિયાનું આઉટ સોર્સીંગ કરી રહ્યા છે. પોતાના વિચારો પ્રત્યે જાગૃત રહેવા માટે જરુરી સતર્કતા કે વિચારોને કેળવવા જરુરી ચિંતન-મનનો સમય કાઢવો એના કરતા રેડીમેડ મળી જ જતું હોય તો પકડી લો, 'વોટ્સ-એપ યુનિવર્સિટી' એમ જ કંઇ થોડી ફૂલીફાલી છે ?!
મગજમાં સીધેસીધા ડાઉનલોડ કરેલા વિચારોને ચકાસ્યા, સમજ્યા કે વિચાર્યા વગર જ ચગળ્યા કરતો કે પોતાની વાતોમાં વાગોળ્યા કરતો એક વર્ગ છે. એમાં કેટલાક તો એ હદે વિચારોને વાગોળી નાખે કે જડત્વની અવસ્થામાં પહોંચી જાય. હમણાં આવા જ મોટિવેશનલ વિડીયોમાંથી સીધેસીધા વિચારો ડાઉનલોડ કરીને જડતાપૂર્વક પકડી બેઠેલા, સ્નેહી મળી ગયા. કોઈ મારી સાથે નેગેટિવ વિચારો વિષે વાત કરી રહ્યું હતું અને એમાં તેમણે વચ્ચે ઝંપલાવ્યું 'નકારાત્મક વિચારો કરવાના જ નહી મને તો ક્યારે'ય નેગેટિવ કે નબળા વિચારો આવતા જ નથી' મને તરત જ રિએક્ટ કરવાનું મન થયું કે વિચારો કરવાના હોય તો નકારાત્મક વિચારો કોણ કરે ?! વિચારો કરવાના નથી હોતા, આવતા હોય છે અને એ પણ તમારા મનની સ્થિતિ મુજબ ! તમે આનંદમાં હોવ કે મૂડમાં હોવ તો પોઝિટિવ વિચારો આવતા હોય છે અને તમે દુખી, હતાશ કે ભયગ્રસ્ત હોવ તો નકારાત્મક વિચારો આવતા હોય છે. મહત્વનું એ નથી કે તમને નકારાત્મક વિચારો આવે છે, મહત્ત્વનું એ છે કે એ વિચારોને તમે કેવી રીતે હેન્ડલ કરો છો. વિશ્વના ઘણા ઉચ્ચતમ સર્જનો સર્જકની નકારાત્મક મનોદશામાં થયેલા છે.
તમામ સલામતી ઉપકરણોનું સંશોધન નકારાત્મક વિચારોને લીધે જ થયું હશે ને ?! 'નકારાત્મક વિચારો કરવાના જ નહીં', 'હું તો નકારાત્મક વિચારો કરતો જ નથી' વગેરે સીધેસીધું ક્યાંકથી ડાઉનલોડ કરેલું પોપટીયું જ્ઞાાન છે અને તે દરેકને અનિવાર્યપણે આવતા હોય છે. હા, એ જુદી વાત છે કે બધા આ બાબતને સહજતાથી સ્વીકારી શક્તા નથી હોતા, જેમ આ સ્નેહીએ કહી દીધું કે મને તો ક્યારે'ય નકારાત્મક વિચારો આવતા જ નથી ! વાસ્તવમાં તો આ મનની સ્વબચાવની ક્રિયા છે. જ્યાં વાતનો સ્વીકાર કે સામનો કરવાથી મન ડરતું હોય ત્યાં તે અજાગ્રત સ્તરે જ પોતાને બચાવી લેતું હોય છે. જ્યારે પણ કોઇનું મન આવી સ્વબચાવની પ્રવૃત્તિમાં લાગેલું હોય ત્યારે તેની સામે કોઈપણ દલીલો કરવી વ્યર્થ હોય છે, મેં પણ આમાંની કોઈપણ વાતો દ્વારા એમની સાથે ચર્ચામાં ઉતરવાનું માંડી વાળ્યું.
આ તો તાજેતરમાં બનેલી વાત મેં તમારી સાથે શેર કરી, પણ મારી મૂળ વાત તો એ હતી કે આપણી જાણ બહાર જ આપણાવતી કો'ક બીજું વિચારી રહ્યું છે અને તેમને જે આપણા મગજમાં ગોઠવવું છે તે સ્માર્ટલી ગોઠવી રહ્યું છે ! મીડિયા, જાહેરાતની કંપનીઓ, ઇન્ફોટેનમેન્ટ પ્લેટફોર્મસ, સોશિયલ મીડિયા, માર્કેટિંગ કંપનીઓ વગેરે બધા જ પોતપોતાની રીતે લોકોના મગજ મચડવા માટે નિતનવા નુસખા અજમાવતા રહેતા હોય છે.
આ બાબતનો બરાબર ખ્યાલ આપણને હોવો જ જોઇએ નહીંતર તમારા મગજને 'હેક' થતા વાર નહી લાગે અને તમને ખબર પણ નહી હોય એવી રીતે દોરવાતા જશો. એમની ઇચ્છા મુજબના નિર્ણય લેતા જશો ! ગૂગલમાં ખાલી કરવા ખાતર સ્પોર્ટસ શૂઝ સર્ચ કરજો, પછી જુઓ તમારી દરેક ઓનલાઈન પ્રવૃત્તિ અને દરેક ગેજેટ્સના સ્ક્રીન પર સ્પોર્ટસ શૂઝની જાહેરાતો જ મંડરાતી રહેશે, કારણ ?! તમારી પસંદગી મચડવા અને તમને એમની ઇચ્છા મુજબનો માલ થમાવવા ! સેલિબ્રિટીઓ કે જેમના ફોલોઅર્સ વધારે છે એવા લોકોને તમારી પસંદગીઓ અને વિચારો મચડવાના ઢગલો રુપિયા મળતા હોય છે.
સોશિયલ મીડિયા પર આવા લોકો અમથા થોડા પોતાના ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં રહેતા હોય છે ?! રાજકીય પક્ષોના આઇટી સેલ પણ આ જ ધંધો કરે છે. આ બધો જ ખેલ મોટાભાગનાની જાણ બહાર જ થતો હોય છે પરંતુ જેની જાણમાં છે તે પણ આ બાબતને લઇને એટલા સંવેદનશીલ કે ગંભીર નથી ! જો તમે ઇચ્છતા હોવ કે તમારા મગજના વિચારો કોઈ બીજાના ના હોય અથવા એને કોઈ બીજા નિયંત્રિત ના કરે, તો આ બાબત પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઇશે. બાકી, અત્યારે માહોલ એવો છે કે ટેકનોલોજીના ઉપયોગમાં તમે બેધ્યાન રહ્યા તો તમારું આખેઆખું મગજ કોઈ તફડાવી જાય અને તમને ખબર સુધ્ધાં ના પડે !!
પૂર્ણવિરામ :
મગજ અને મોબાઈલ જોડે ના વાપરી શક્તી વ્યક્તિઓથી આઘા રહેવું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dEg32v
ConversionConversion EmoticonEmoticon