વિરપુર : મહીસાગર જિલ્લાના વિરપુર નગરમાં નાગરિકો ગંદકીને લીધે ત્રાહિમામ પોકારી રહ્યા છે. કોરોના મહામારી સામે લડવા તંત્ર દ્વારા સાવચેતીનાં પૂરતાં પગલાં ન ભરાતા હોવાનો રોષ પહેલેથી જ ફેલાયો છે, ત્યાં અત્યારના રોગચાળાના સમયમાંં શહેરમાં ઠેરઠેર વધતી જતી ગંદકીને કારણે લોકો બૂમરાણ મચાવી રહ્યા છે.
વિરપુર શહેરના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે નગરમાં સોસાયટીઓ અને સંકુલોની આસપાસ જાહેર વિસ્તારોમાં ખૂબ ગંદકી જોવા મળે છે. અનેક ગટરો ઊભરાતી રહે છે અને અનેક ખૂણે કચરાના ડુંગરા સર્જાયેલા છે. તંત્ર દ્વારા જાહેર જગ્યાઓને નિયમિત સાફ ન કરાતી હોવાની ફરિયાદો લોકોએ અનેકવાર કરી છે. હાલમાં પણ નગરમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટી સામે કેટલાય દિવસોથી ગટર ઊભરાઈ રહી છે અને આખો જાહેર માર્ગ ગંદા પાણીના સરોવર જેવો થઈ ગયો હોવાની બૂમો પડી રહી છે. આસપાસના લોકો દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્યમાં જેમતેમ દિવસો કાઢી રહ્યા છે તો વાહનચાલકો અકસ્માતની ભીતિ વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં બીજો રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ વિરપુરવાસીઓને સતાવી રહ્યો છે.
જાગ્રત નાગરિકો દ્વારા આ બાબતે તંત્ર અને પ્રતિનિધિઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને રજૂઆતો કરવામાં આવી છે. બે-ચાર દિવસમાં સમારકામ થઈ જશે તેવા વાયદા મળતા હોવા છતાં હજી સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ ન હોવાનું જાગ્રત નાગરિકો જણાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wB3SvV
ConversionConversion EmoticonEmoticon