ગળતેશ્વર ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે તંત્રને રજૂઆત


ગળતેશ્વર : ગળતેશ્વર તાલુકામાં કોરોનાના વધતા કેસો સામે લડવા તાલુકા સ્તરે કોવિડ સેન્ટર તૈયાર કરવાની માગ પ્રબળ બનતી જાય છે. આજે એક સામાજિક સંસ્થા દ્વારા  મામલતદારને આવેદનપત્ર આપીને તાલુકામથક સેવાલિયામાં કોરોનાની સારવાર માટે સરકારી વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી છે.

ગળતેશ્વરના મામલતદારને આજે સમન્વય ગુ્રપ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોનાની પરિસ્થિતિ તાલુકામાં વણસી રહી છે. સારવાર માટે દર્દીઓએ ખર્ચાળ ખાનગી હોસ્પિટલમાં જ દાખલ થવું પડે છે. તાલુકામાં કોરોના માટે સરકારી સારવાર કેન્દ્રની સુવિધા નથી. આવેદનપત્રમાં સેવાલિયામાં બની રહેલા સામુહિક આરોગ્ય કેન્દ્રને કોવિડ સેન્ટર તરીકે તૈયાર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ગળતેશ્વર તાલુકાના તાલુકામથક સેવાલિયા અને આસપાસનાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોના માટે સરકારી સારવાર કેન્દ્ર ન હોવાથી ગરીબોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાનગી ધોરણે સારવારનો ખર્ચ બધા વર્ગના લોકોને પરવડી શકે તેમ ન હોવાથી ઘણા લોકો અત્યારે પડતા પર પાટું વેઠી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

આશરે ૯૫,૦૦૦ની લોકવસ્તી ધરાવતા તાલુકામાં આશરે ૮૦ ગામ આવેલાં છે. 

કુલ કેસોનો આંકડો કેટલે પહોંચેલો હશે તે સરકાર પાસેથી જાણવા મળતું નથી. આશરે ૧૮,૦૦૦ની વસ્તી ધરાવતા તાલુકામથક સેવાલિયામાં જ ૩૦૦ જેટલા એક્ટિવ કેસો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તમામે ખાનગી રાહે સારવાર કરાવવી પડતી હોવાથી તેવા દર્દીઓના આંકડા સરકારી ચોંપડે નોંધાઈ ન રહ્યા હોવાનું પણ સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tc7JO5
Previous
Next Post »