' હું કરું, હું કરું' એ જ અજ્ઞાાનતા .


એ ક ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં બેસવાની સીટો ભરાઈ ગઈ હતી. ત્યારે એક મુસાફર પોતાનો બગલ થેલો ખભે ભરાવી બેગ હાથમાં પકડી ઉભો હતો. આ જોઈને ઘણાએ કહ્યું કે ભાઈ, બેગ અને થેલો નીચે મુકી દો. પણ એ માનવા તૈયાર નો'તો. હું મારા સામાનનો ભાર ટ્રેન ઉપર મૂકવાની શી જરૂર ? ટ્રેન ચાલી રહી છે. ગતિમાં છે. સૌને લઈ જઈ રહી છે. સૌનો બોજ ઉપાડી રહી છે. પણ એ મહાશય પોતાનો બોજ ખભેથી ઉતારવા જ તૈયાર નથી.

જિંદગી દોડી રહી છે. અને એક મુસાફરની માફક આપણે આપણો ભાર જાતે ઉંચકી રહ્યાં છીએ. જે બોજ આપણે સહેલાઈથી ઉતારી શકીએ છીએ તે માથેથી ઊતારવા જ તૈયાર નથી. મુસાફરે ઉઠાવેલો બોજ સૌને દેખાય છે. પણ આપણા મન ઉપર ઉઠાવેલો બોજ આપણને દેખાતો નથી. શ્રી વલ્લભાચાર્યે લખેલા શ્રી કૃષ્ણાશ્રયમાં એક શબ્દ છે.' અપરિજ્ઞાાનનષ્ટેપુ' પરિસ્થિતિનું સાચું, યથાર્થ જ્ઞાાન ન હોવાથી આવું થાય છે. આપણો ભાર, આપણો બોજો આપણને દેખાઈ જાય , તેનું જ્ઞાાન થઈ જાય, ભાન થઈ જાય તો આસાનીથી એ કારણ વગરનો ભાર ઉતારીને હળવા થઈ જવાય. કોઈપણ કારણ વગર આવો બોજ ઉપાડીને માણસે જિંદગી ભારે કરી દીધી છે. માણસ પોતાના મનને ઠેસ વાગે એવી વાતોનો ભાર કદી ભૂલાતો નથી. કોઈએ અપમાન કર્યું, ગાળ આપી. દગો કર્યો, અન્યાય કર્યો, પીઠ પાછળ ઘા કર્યો, નિંદા કરી કે ટોણો માર્યો.. આવો નકારાત્મક વ્યવહાર તેના હૃદયમાં જીવનભર અંકાઈ જાય છે. ખરેખર આ બધી વાતો ભૂતકાળ થઈ જાય છે છતાં તેનો ભાર વર્તમાનમાં પણ માણસ અનુભવે છે. જીવનની ગાડી દોડી રહી છે ભવિષ્ય તરફ અને આવી નકારાત્મક વાતોની સ્મૃતિ ખેંચે છે. ભૂતકાળ તરફ. હવે યાદ કે સ્મૃતિ મજબૂત હોય છે કારણકે ઠેસ વાગેલી હોય છે. માણસ જેટલું યાદ રાખે છે તેને શક્તિ મળે છે. ભવિષ્ય કોમળ હોય છે. ફૂલ જેવું અને સ્મૃતિ ભારે હોય છે.   જે થઈ ગયું તે થઈ ગયું એનો ભાર ક્યાં સુધી ખેંચવો ? એને અલવિદા કહેવી જોઈએ. નકામો ભાર છોડીને હળવા થઈ જીવવા જેવું છે. આનાથીય મોટો ભાર હું પણાનો છે.

દરેક માણસ સૃષ્ટિમાં પોતાને કેન્દ્ર સ્થાને માને છે. દરેકને એવું જ લાગે છે કે હું જ બધુ કરું છું. 'હું'ના હોઉં તો આ ઘર કોણ ચલાવે ? હું ના હોઉં તો ઘરને વ્યવસ્થિત રાખી. રાંધીને કોણ ખવડાવે ? હું ના હોઉં તો આ સોસાયટીનું આ શહેરનું આ રાજ્યનું, આ દેશનું અરે, આ દુનિયાનું શું થાય ? એ તો ખેદાન-મેદાન થઈ જાય !! રામાયણનો એક પ્રસંગ છે. યુધ્ધના ચોથા દિવસે મેઘનાદે માયાવી પ્રયોગ કરી રામને નાગપાશથી બાંધી દીધા. દેવોને ચિંતા થઈ. તેમણે ગરૂડજીની મદદ માગી. ગરૂડજીએ શ્રીરામને નાગપાશમાંથી છોડાવ્યા. આ ઘટના પછી ગરૂડજીને 'હું' પણાનું અભિમાન થયું. હું -ના હોત તો શ્રી રામનું શું થાત ? ગરૂડજીનું આ ગર્વખંડન થવું જોઈએ. એટલે ગરૂડજીને રામાવતારની કથા સમજાવવામાં આવી કે અત્યારે શ્રી રામ જે કરી રહ્યા છે તે તેમની લીલા છે. નાગપાશનું માન રાખવા ભગવાન સ્વયં તેમાં બંધાઈ ગયા હતા. તમે તેમને છોડાવ્યા ખરા, પણ તમે તો નિમિતીમાત્ર હતા.

 એક ચક્રવતી રાજાને  વિચાર આવ્યો. પૃથ્વી ઉપર મારા જેવો કોઈ નથી. હું માત્ર એક જ છું. તે વૃષભાચલ પર્વતની ટોચ પર પહોંચી ગયો. તે વૃષભાચલ પર્વતના શિખરે પોતાનું નામ અંકિત કરી અમર થવા માંગતો હતો. પણ શિખર પર પહોંચીને તે આશ્ચર્ય પામ્યો. પર્વત પર એટલાં નામો લખેલાં હતાં કે પોતાનું નામ લખવાની જગ્યા જ નો'તી. હવે શું કરવું ? છેવટે તેણે એક નામ ભૂંસીને ત્યાં પોતાનું નામ લખી નાખ્યું. રાજપુરોહિતને આ વાતની ખબર પડી. બીજા દિવસે સભાના અંતે રાજપુરોહિતે કહ્યું - ' રાજન ! આ તમે શું કર્યું ? તમે તો નામ અમર રાખવાનો આધાર જ ખોઈ નાખ્યો !! હવે તો તમે બીજાનું નામ હટાવી ભવિષ્યમાં ત્યાં પોતાનું નામ લખવાની પરંપરા શરૂ કરી દીધી. આજે નહિ તો કાલે કોઈ તમારું નામ પણ હટાવી પોતાનું નામ જરૂર લખશે !!

જૈનધર્મમાં એક શબ્દ છે ' અકર્તૃત્વ ભાવ' એટલે પોતાના મનમાં 'હું કરું છું' એવા કર્તા-ભાવનો અભાવ.   નરસિંહ મહેતાએ એક કાવ્યમાં આ સંદર્ભે કહ્યું છે. 

હું કરું હું કરું એ જ અજ્ઞાાનતા

શક્ટનો ભાર જેમ શ્વાન તાણે.

શ્રીમદ્ ભગવતગીતામાં સ્પષ્ટ કહ્યું છે ( અધ્યાયઃ૩ શ્લોક ૩૭) સર્વ કર્મો પ્રકૃતિના ગુણોના આધારે થાય છે. છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો માણસ હું કર્તા છું. એમ માને છે. જ્યારે હું કરું નો અહમ્ ખરી પડે ત્યારે જિંદગીમાં શાંતિ મળી જાય છે. આપણા ભાગે આવેલા કર્મો કરવાના જ છે. પણ તે મારાથી મારા વડે જ થાય છે એ ભાવ પણ ત્યજવાનો છે. આપણી 'મોટાઈ'નો ઢોલ પીટવાની જરૂર નથી. 'બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ,

હીરા મુખ સે ના કહે, લાખ ટકા મેરો મોલ.'

- સુરેન્દ્ર શાહ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cWoqqL
Previous
Next Post »