એક વાઘા દોડ, એક વિઘ્ન દોડ એક જોખમી દોડ


- લંગડી ઘોડી લાલ લગામ : 9

મ હેફિલ જામી હતી. સંગીતકારોની નહિ, સંગીતના વાદ્યોની. સંગીતના વાજિંત્રોની આમ તમે ગણત્રી કરો તે સેંકડોં નહિ, હજારોમાં થાય.

ફૂંકના વાજાંઓ, હાથના વાજાઓ, ઠોકાઠોકથી વાગતાં વાજાંઓ, ડાંડિયાથી વાગતાં વાજાઓ! દરેક પ્રકારના વાજાંઓનો પોતપોતાનો ભાવ અને પ્રભાવ.

પુરાણકાળથી, મહાભારત રામાયણના સમયથી, શિવજીના સમયકાળથી વાજાંઓ જ વાજાંઓ જ વાજાંઓ. અરે વૃક્ષમાંથી વાયુ પસાર થાય તો ય પાંદડાંઓ સંગીત વહાવે.

પણ એ બધાંમાં તંતૂ વાદ્યના વાજિંત્રોથી તો દવા જ જુદી. તંતૂવાદ્ય એટલે ધાતુના તારથી વાગતાં વાજિંત્રો.

અહીં એ બધાં તારીયા કે તારાંકિત વાજિંત્રોની જ મિજલસ જામી હતી. સિતાર અને ગિટાર, એકતારો અને તંબૂરો, વીણા અને હૃદયવાણી. એકલી વીણાના જ એટલા પ્રકારો કે ગણ્યા જ કરો. નારદવીણા અને સરસ્વતી વીણા, વિચિત્ર વીણા અને કલ્યાણ વીણા, રિમઝિમ વીણા અને બુલબુલ વીણા, હરિદાસ વીણા અને તાનસેન વીણા, પાર્વતી વીણા અને લક્ષ્મી વીણા!

વળી સંતૂર, તંતૂર, દંતૂર જેવા તો કેટલાય તૂર. બધાં અલગ અલગ રાગ છેડે. એક સાથે મિશ્ર રાગ, વહાવે ત્યારે તો તલ્લીન થઈ જવાય!

આ બધાં તંતૂવાદ્યોને વગાડવા માટે તંતૂ જોઈએ. એટલે કે તાર જોઈએ. એકથી માંડીને અનેક હાથાથી. એ અર્ધ વક્રાકાર હાથાને ય વળી કંઈક તંતૂઓ જોડેલા હોય!

સૌરાષ્ટ્રનો રાવણહથ્થો અને બંગાળના બાઉલ વાદ્યની તો લહેર જ જુદી. કાશ્મીર, અફઘાનીસ્તાન, નેપાળ, ભૂતાન, આસામ, અરુણોદય વગેરે પ્રદેશના વાજિંત્રો પણ અનેરા. પણ બધાંને જરૂર તંતૂની. તંતૂ એટલે તાર, વાયર, ધાતુની પાતળી દોરી.

એ બધી થઈ પછીની દુનિયાની શોધ. પણ તે પહેલાં માત્ર ઘોડાના વાળથી જ તંતૂવાદ્યો વાગતા. ઘોડાના વાળ સિવાય સંગીત નહિ. તંતૂવાદ્યના અશ્વ-તંતૂ.

એ ખ્યાલ પાછો અશ્વિનિએ જ આપ્યો. આપણી લંગડી ઘોડીએ. માણસને વાંદરો બનાવ્યો. માણસ લંગડી ઘોડીના બધાં તાર કાતરી ગયો. લંગડી બાંડી થઈ ગઈ. ગરદનથી ખાંડી થઈ ગઈ. તે ય સ્ત્રીજાતિ તો ખરી જ. તેનું બધું સૌંદર્ય ગયું. વાળ વગરની વનિતા કદી જોઈ છે?

અત્યારે તંતૂવાદ્યોની જે વિધાનસભા મળી હતી. એ તંતૂની શોધ માટે જ મળી હતી. 

વિજ્ઞાાનનો આસરો લઈ વાજિંત્રોએ ઘણાં તાર અજમાવી જોયા તાંબાનો તાર, પિત્તળનો તાર, ચાંદીનો તાર, મિશ્રતાર! અરે તમામ ધાતૂઓના મિશ્રણ કરી સિન્થેટિક તાર બનાવ્યા. વાગ્યા. સારી રીતે વાગ્યા. સારા વાગ્યા.

પણ ઓરિજિનલ તે ઓરિજિનલ. નકલ એટલે નકલ. બનાવટ એટલે બનાવટ. ક્યાં અશ્વ-તારની નૈસર્ગિકતા અને ક્યાં ધાતુઓની કૃત્રિમતા?

બીજું ધાતુઓના તારના પ્રયોગો કરવા પડે. પૈસા ખરચવા પડે, રાહ જોવી પડે, સફળતા નિષ્ફળતાની ખાત્રી નહિ. આ ઘોડાના વાળ તો હાજરાહજૂર. સફળતા પૂરવાર જ થયેલી.

જેવી વાજિંત્રોની દ્રષ્ટિ અશ્વતાર પર પડી કે લંગડી-બાંડી ત્યાંથી જ પસાર થઈ. તે એકલી ન હતી, તમામ ઘોડાઓનું ધણ હતું. લંગડી ઘોડીએ અશ્વસમૂહને ચેતાવી દીધા. ભાગો, દોડો, થાવ પલાયન નહિ તો અશ્વજાતિ વાળ વિહિન, તારવિહિન, બાંડી બની જશે!

દોડયા. તમામે તમામ અશ્વો અને અશ્વિનિઓ દોડયા. આગળ લંગડી ઘોડી, પાછળ વિરાટ અશ્વજાતિ.

અશ્વોને પકડવા વાજિંત્રો દોડયા, વાજિંત્રોને પકડવા વાદકો દોડયા. આવી દોડની કલ્પના ય કરી છે કદી?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2RXPB
Previous
Next Post »