- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
- શહેરોનો કહેવાતો વિકાસ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. તેની પાસે જે થોડું-ઘણું છે તે પણ છીનવી લે છે. પહેરવા એક કપડું અને માથું ઢાંકવા છાપરું હોય તે પણ નથી રહેતું
લોગઇન:
નર્મદા નદીના કાંઠેથી
એની દીકરી ભરતી'તી બેડું પાણી
એ ગલમાં પરોવી અળસિયું
છેતરતો'તો માછલીઓને
અચાનક ટપક્યો વોચમેન
બેડું ને ગલ થઈ ગયાં જપ્ત
દીકરી દોડીને જતી રહી ઘેર
અને એ
ચાલી નીકળ્યો નર્મદાના કાંઠે કાંઠે
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
માઈલોના માઈલોના
માઈલોના માઈલોના
એ જગ્યાએ પહોંચ્યો
જ્યાં ભૂખ-તરસ
સમગ્ર અસ્તિત્વ
ભળી જતુ'તું સમુદ્રનાં ખારાં જળમાં
આમ જ નિરર્થક
કોઈ કહે છે
એણે જળસમાધિ લીધી'તી
કોઈ કહે છે
એ બાવો બની ગયો છે
કોઈ કહે છે
એ પાછો ફરતો'તો ત્યારે
એના ખભે બંદૂક હતી
એ નક્સલવાદી બની ગયો છે.
કાશ, એને આદિવાસી રહેવા દીધો હોત!
- જયેશ જીવીબેન સોલંકી
આ કવિતા રચનાર કવિનું અકાળે અવસાન થયું. કહે છે કે ડિપ્રેશને તેનો ભોગ લીધો. આ કવિને તળના માણસની વેદના, પીડિતની કથાવ્યથા પોતાની કવિતામાં રજૂ કરવી સવિશેષ ફાવતી. તેની કલમ ભૂખનો ચિત્કાર સાંભળી શકતી. છીનવાયેલા અધિકારનો આર્તનાદ આલેખી શકતી. આંદોલનના નાદને પોતાની સંવાદ બનાવી શકતી. પણ તેનો દીવો અકાળે બુઝાઈ ગયો. એક આશાસ્પદ કવિ ગુજરાતી સાહિત્યએ ગુમાવ્યો.
ઉપરની કવિતામાં એક આદિવાસીને આદિવાસી ન રહેવા દેતા શું શું બનાવી દેવાય છે તેની વાત ખૂબ સરસ રીતે કહેવાઈ છે. ઘણી વાર શહેરોનો કહેવાતો વિકાસ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. તેની પાસે જે થોડું-ઘણું છે તે પણ છીનવી લે છે. પહેરવા એક કપડું અને માથું ઢાંકવા છાપરું હોય તે પણ નથી રહેતું. જંગલ અને ટુકડો જમીનમાંથી ઉપજતી રોજીરોટી તેના સંસારનું ગાડું ગબડાવ્યે રાખે છે. આટલાથી તેને સંતોષ છે. તેને નથી મોટા બિઝનેસ એમ્પાયર ઊભાં કરવાં, નથી કરોડો એકરની જમીનમાં આશ્રમો ખોલવા, નથી પોતાની જરૂર કરતા વધારે મેળવવાના ધખારા. એને તિજોરી ભરવામાં નહીં, પણ પેટ ભરવામાં રસ છે. આવા સાદા માણસની દીકરી નદીમાંથી બેડું પાણી ભરી લાવે છે. પોતે નદીના ગલ નાખીને માછલીઓ પકડે છે. આમ દિવસો વીતે છે. અને જિંદગી ચાલ્યા કરે છે. પણ અચાનક એક દિવસ કોઈ આવીને તેની દીકરીનું બેડું અને તેનો ગલ છીનવી લે છે. પોતાની જે હતી એ મૂડી જતી રહે છે. પોતાની ભૂમિમાંથી જ તેને હડસેલી દેવાય છે. આવા સમયે તેની પાસે કરવા માટે વિદ્રોહ સિવાય કશું રહેતું નથી.
આપણે પ્રગતિ કરી. શહેરો મોટા કર્યાં. જંગલો સુધી બિલ્ડિંગો પહોંચ્યાં. કન્સ્ટ્રકશનકાર્યના વિકાસે ઘણાના આકાશ સાંકડા બનાવ્યા. રાતોરાત જમીન ઉચાપત થઈ જવાના કિસ્સાઓ આપણે ત્યાં ઓછા નથી. અને ઘણીવાર અભણ પ્રજાને એ પણ ખબર નથી હોતી કે મારી વસ્તુ છીનવાઈ ગઈ છે. શા માટે એક આદિવાસી કે તેના જેવા પીડિત વ્યક્તિઓ જળસમાધિ લઈ લે છે, શા માટે બધું છોડીને ક્યાંક ચાલ્યા જાય છે, શા માટે બંદૂક ઉપાડી નક્સલવાદી બની જાય છે? પોતાના હકનું છીનવાય ત્યારે માણસ આંદોલન પર ઉતરી આવે છે. ખેડૂતોને લાગ્યું કે જો ખેતીનું ખાનગીકરણ થઈ જશે તો વ્યવસાયીઓની સીધી તરાપ ખેતર પર પડશે. તેમના હક છીનવાશે. જગતના તાત ગણાતા ખેડૂતના હૈયામાં ઉત્પાત ઊભો થયો. આંદોલન એનું જ તો પરિણામ છે! આવા ટાણે ઘણા આંદોલનને નામે પોતાના અંગત રોટલા શેકવા પણ આવી પહોંચે છે. પોતાનો હક છીનવાઈ જવાની ઘટના મનમાં બહુ મોટા વાઢિયા પાડી દેતી હોય છે. પ્રજાની જિંદગી પર પડેલા વાઢિયામાં વળી પાછા મોંઘવારી અને ભાવવધારાના મીઠાં-મરચાં ભભરાવાય. આવી સ્થિતિમાં લાય ન લાગે તો શું થાય?
લોકડાઉનના સમયમાં માણસે ઘણી વિકટ પરિસ્થિતિ જોઈ છે. ઉમેશ સોલંકીએ 'લોકડાઉન' શીર્ષકથી કાવ્યસંગ્રહ રચ્યો છે અને લોકોએ વેઠેલી વ્યથાકથાની વાત પોતાની કવિતા દ્વારા કરી છે. તેમની જ એક કવિતાથી લોગાઉટ કરીએ.
લોગઆઉટ
લાગી લાય
થાય
હાથની પાંખ કરું
દાંતની ચાંચ કરું
ગીધ બનું
ગગનમાં ઊંચે ચડું
સંસદની ટોચે ફરું
બેસું
ચરકું
ફરફરતા ઝંડાના ન ફરતા ચક્કરને ચીરું-ફાડું
ફરફરતા ઝંડાના ન ફરતા ચક્કરને ચીરું-ફાડું
થાય
વાઢિયામાં લાગી લાય...
- ઉમેશ સોલંકી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PSwwb9
ConversionConversion EmoticonEmoticon