- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- 'ગોફણિયો ઘા એક મારો, ગુરુજી મને ગોફણિયો ઘા એક મારો, છૂટી જાયે જન્મારો, ગોફણિયો ઘા એક મારો.'
પોતીકી અનુભૂતિની તાજગી અને ખુદ્દારીથી ઓપતા સર્જક સ્વ. લલિત વર્માની આ પંક્તિઓ, જીવનને સાધના માનતા દરેકે ડાયરીનાં પ્રથમ પાને નોંધવા જેવી છે :
'લે તપાસી તું જરા તારી ભીતર શક્ય છે;
તુજ સ્વરૂપ તારા થકી મુઠ્ઠી ઊંચેરૂં નીકળે !'
અંદરનાં ઉચ્ચતમ શિખર પરથી બાળસૂર્યને પ્રગટતાં નિહાળવો એ અદ્ભુત ક્ષણ હોય છે. - અલ્મોડા-કૌસાની માં તમે 'સદ્ભાગી હો', 'નિશાચર' ન હો, બ્રાહ્મમુહૂર્તમાં પથારી છોડવા મન ધક્કો મારે, યોગ્ય દિશામાં બારી મળી હોય, તો તમારા રૂમમાં બેઠાં સૂર્યોદય કરવાની એ ક્ષણ તમે કદી ભૂલી ન શકો. બહુ વિરલાને આ અવર્ણનીય આનંદ માણવાની શક્તિ જાગૃત થઈ હોય છે.
પથારીની મીઠી ઊંઘ છૂટે એ સંક્રાન્તિની ક્ષણો કાંઈ એટલી આનંદદાયી હોતી નથી, પીડા થાય છે, પણ બરાબર આ મુદ્દે સમજવા જેવું છે કે આ ક્ષણ-માત્ર સદ્ભાગીને મળે છે. આ સદ્ભાગ્ય છે, કમનશીબી નહીં.
હા, શરત દ્રષ્ટિની છે, દર્શનની છે.
તીર્થંકરોનાં પરમ પવિત્ર નામસ્મરણ સાથે જૈન સ્તવન-સૂત્ર 'લોગસ્સ'માં કોઈ દુન્યવી માગણી નથી, ત્યાં તો પ્રકાશ ઓળખનારી દ્રષ્ટિ માટેની ઝંખના- વ્યક્ત થઇ છે. અંદર, હૈયાભીતર બાળસૂર્ય ઉદય તો પામે જ છે, પણ દર્શન કરવા ઊઠે છે કોણ ? (ફરી- હિમાલય-યાત્રામાં પણ મોડે સુધી ઊંઘનારા અભાગિયા યાદ આવ્યા. વરસ વચ્ચે યાત્રાના આનંદ પૂરતું એક દિવસ પણ વહેલા ઊઠવું આ નિશાચરોને ગમે નહીં)
એકવાર હૈયાંમાં સૂર્યોદયનાં દર્શન થાય એટલે - દુનિયા બદલી જાય : તમે દુનિયા સાથે તમારી જાતને પણ અલગ રીતે જોવા લાગો. તમે નવો જન્મ પામો. તમે 'દ્વિજ' બનો. દિગમ્બર જૈન દાર્શનિકો આ અનુભૂતિને 'ભેદજ્ઞાાન' કહે છે. આ કોઈ નવરાની ફિલસુફી નથી. આ પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરતું - આપવા-લેવાનું 'ગોખણિયું' જ્ઞાાન નથી. આ તો - જિંદગીમાં સદભાગીને મળતો 'ગોફણિયો ઘા' છે. યાદ છે પેલી પંક્તિઓ : 'ગોફણિયો ઘા એક મારો, ગુરુજી મને ગોફણિયો ઘા એક મારો, છૂટી જાયે જન્મારો, ગોફણિયો ઘા એક મારો.'
અને બ્રાહ્મમુહૂર્તનું ભળભાંખળું, અંધારઘેરૂં વાતાવરણ, સૂર્યોદય પહેલાંની પેલી ક્ષિતિજ પરની કેસરી ઝાંય - આ બધી તો અનિવાર્ય પૂર્વશરતો છે. સૂર્યોદયદર્શનના આનંદ માટેની પૂર્વશરતો ! સુવર્ણ કદી સીધે સીધું ના મળે, એ ધૂળમાં ભળેલું હોય. ઘણા જાણે રસ્તે જતાં સિંગદાણાનાં ફોતરાં ફેંકતા હોય, ખારેકના ઠળિયા ફેંકતા હોય એમ 'જ્ઞાાન-વાણી' ફેંકે !
'બધું છોડીને આત્મા તરફ જુઓ.' આ 'આત્મ-વેવલા'ની બહુ મોટી જમાત છે. એમને માટે 'આત્મા'ની વાતો એટલે ઘાટકોપર-વાલકેશ્વરના સુખી લોકોનો 'મુખવાસ' છે. આ લોકોને કોણ સમજાવે કે 'આત્મ-દર્શન' એ દુકાનના શોકેસમાં રાખેલી વસ્તુઓમાંથી પસંદ કરવા જેવી સસ્તી વાત નથી. 'આત્મ-રમણ' કાંઈ કાછિયા પાસે જઈને રીંગણાં બટેટા ખરીદવા જેવી પ્રક્રિયા નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39M7wt0
ConversionConversion EmoticonEmoticon