- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ
શ રૂ થઈ ગયું. પૂજારીએ પડદો ખોલ્યો અને અમારી, સહુ કોઈ આવે તેને દર્શન આપવાની ડયુટી શરૂ થઈ ગઈ.
લાંબા થઇને ભૂમિને પોતાનું મસ્તક અડાડીને મારા દર્શન કરતા આ શ્રીમાનનો ભક્તિભાવ મને પ્રસન્ન કરે છે.
બેત્રણ મિનિટ પછી ભક્તિ ભાવમાંથી બહાર આવી એ ઉભા થઈને વળી પાછા બે હાથ જોડીને પગે લાગે છે અને માગે છે - શું માગે છે ?
'હે દેવાધિદેવ, હે પર દુ:ખભંજન, હે દયાના સાગર !'
મારે માટે એ ભક્તજન મઝાનાં વિશેષણો પ્રયોજે છે. હું એમની ભક્તિ પર પ્રસન્ન થાઉં ત્યાં તો એ ઉચ્ચરે છે .. 'હે ભગવાન, ધનદોલતના ભંડાર છે, ધંધામાં જાહોજલાલી છે. આપનાં દર્શન માટે વારા ફરતી બધાં મંદિરોમાં લટાર લગાઉ છું. ઘણાં ઘણાં દાનપુણ્ય કરું છું. દયાળુ ભગવાન, બધી વાતે પુરણ સુખી છું. માત્ર એક સંતાનની ખોટ છે. હે દયાનિધિ, જીવનમાં એક માત્ર લાલસા રહી છે. મને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ.'
ફરી વાર એ બની શકે એટલું મસ્તક નીચું નમાવીને મારી વિદાય લઇ ગયા.
હું મૂંઝવણમાં છું. આ અઠવાડિયામાં બે મહિલાઓ પણ ખોળો પાથરીને કાલાવાલા કરતી ગઈ - હે ભગવાન, મારે બીજું કશું જોઈતું નથી. મને માત્ર એક, ખોળાનો ખુંદનાર આપ. બે બે વાર મને દીકરીઓ જ મળી. મને એની સાથે બદનામી મળતી જ રહી છે. ભગવાન, મારી અભાગણીની એક પ્રાર્થના હવે રહી છે. મને કુળ ઉજાળનાર એક દીકરાની લહાણ કર. મને બદનામીથી બચાવ.
એ મહિલાની, એને દીકરો નહિ થવાથી કપાળે બદનામી ચોંટતી રહી છે.
હું સહુની પ્રાર્થના સાંભળતો રહું છું. પણ મારે ત્યાં કાંઇ દીકરાઓનો સ્ટોક ભરેલો છે ? બધાને દીકરો જ જોઈએ.
દીકરીની કશી જ કિંમત નહિ ?
દીકરીઓ વિના જગતનો ક્રમ ચાલશે કેમ ?
બીજા એક ભક્ત દરવાજામાંથી જ ભક્તિભાવે બે હાથ જોડતા આવ્યા. છેક પાસે આવીને મસ્તક નમાવ્યું. થોડીવાર મૌન પછી કરગરતા અવાજે પ્રાર્થના કરવા લાગ્યા : 'હે દયાનિધિ ! તું જ મારો આધાર છે. હું દર વાર તહેવારે તારાં દર્શન કરવા આવું છું. મોટા તહેવારે કશોક પ્રસાદ પણ ધરાવું છું. મારાં પત્ની પણ તારાં ભક્ત છે. ધર્મિષ્ઠ છે. અમે બંને પ્રસંગોપાત સાથે તારાં દર્શન માટે આવીએ છીએ. અમારે એક દીકરી છે. પણ એનાથી અમને પૂરો સંતોષ છે.
ભગવાન જે કંઇ ભેટ આપે તે પ્રેમથી સ્વીકારી લેવી એવું અમે માનીએ છીએ. અમારી આપને માત્ર એક જ પ્રાર્થના છે કે અમારી પુત્રી ઉંમરલાયક થઈ ગઈ છે. પણ એને લાયક કોઇ સારો વર મળતો નથી. એ દેખાવે મધ્યમ છે, સુશિક્ષિત છે, કામકાજમાં પારંગત છે. છતાં ન જાણે કેમ એને લાયક કોઇ વર મળતો નથી. અમારી આપને એક જ આરઝુ છે કે અમને એક સારો, એને લાયક જમાઇ મળે એટલી કૃપા કર.
સમાજના લોકો એના લગ્ન થતાં નહિ હોવાથી ભાતભાતની અટકળો ચલાવે છે. અમારે નતમસ્તકે એ સાંભળી લેવી પડે છે. અમે કેટલાય જાણીતા જોશીઓનાં ઊંબરાં ઘસ્યાં, એમના સધિયારા ય મળ્યા, પણ હે પ્રભુ ! આપની કૃપા વિના બધું બેકાર છે એ વાત અમને સમજાઇ ગઇ છે.
અમારી દીકરીનાં લગ્ન થશે કે તરત અમે દીકરી જમાઇને આપનાં દર્શન માટે લાવીશું. આપના મંગલદર્શન પછી જ એમનો સંસાર શરૂ થશે.
વારંવાર નમસ્કાર કરીને એ વિદાય થયાં.
એમને જમાઇ જોઇએ છે.... આ બધાં મને જ સર્વ કર્મનો આધાર માને છે. પુરાણી પરંપરા છે. આરતીનો સમય થવા આવ્યો છે. પૂજારી હવે મને થોડીવારમાં જ પડદા પાછળ ઢાંકી દેશે. પણ થોડીક જ વાર પહેલં એક ભાઇ હાંફતા હાંફતા આવ્યા. પડદો બંધ થતા પહેલાં જ મારી પાસે ધસી આવ્યા.
'હે ભગવાન ક્ષમા કરો. ક્ષમા કરો. હું આપના દર્શન માટે સમય ફાળવી શકતો નથી. માટે સમય પાછળ દોડવું પડે છે. નોકરીમાં સમયચૂક થાય તો મિજાજી બોસનો ઠપકો અને મેમો તૈયાર જ હોય નિરાંતે દર્શન પણ કરવા દેતો નથી. હે પ્રભુ, મારી આ બે અદબી માફ કરજો મારી ભાવના તો છે જ પણ કર્તવ્ય દૂર રહી જાય છે. એ માટે આપની ક્ષમા ચાહું છું. પૂજારીએ પડદો પાડી દીધો.
ભક્તજનોની ભાવભીની પ્રાર્થનાઓ કાલાવાલાં રોજેરોજ પણ મારું તો કોઇ સાંભળો. કશું જ મારા હાથમાં ક્યાં છે ? મેેેં તો ચરખો ફરતો મૂકી દીધો છે. કર્મ પ્રમાણે નિયતી વધાય છે. હું ક્યાં કશું કરું છું. બધાને માટે એજ કહેવું છેકે મારું તો કોઇ સાંભળો ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OpReP1
ConversionConversion EmoticonEmoticon