ફોટો સ્ટોરી- ઝવેરીલાલ મહેતા


ભૂતકાળમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે મજૂર મહાજન સંઘ મકાનની પાડોશમાં આવેલી ગલીમાં જવાનું થયેલું ત્યારે જોયું કે ઓહો અહીં તો સદાકાળ આ નાનકડા વિસ્તારમાં મહારાષ્ટ્ર વસી રહ્યું છે. મરાઠાકાળમાં ગણેશબારીથી છેક વિઠ્ઠલમંદિર અને આજના હોમગાર્ડસ પરેડ ગ્રાઉન્ડ સુધી એક રસ્તો સળંગ જતો હતો, જે લાલદરવાજા સાથે સંકળાયેલો હતો. આ રસ્તા પર સામસામે બંને બાજુ મંદિરો આવેલા હતા પરંતુ આજે તો આસપાસ એવા બાંધકામો થઇ ગયા છે કે મૂળ રસ્તો દબાઈ ગયો કે જ્યાં પંચમુખી મહાદેવ, હનુમાનજીનું મંદિર, ગણપતિ મંદિર, રામજી મંદિર, બદરીનારાયણ, લક્ષ્મીનારાયણ, મારૂતિ, કૃષ્ણ, વિઠ્ઠલ મંદિર, એવા એ કાળમાં બંધાયેલા મંદિરો હતા. આ લોકેશનમાં સાબરમતી નદીના પટમાં ઉતરવાના પગથિયા છે. અહિંથી નદીમાં સ્નાનવિધિ બાદ ધાર્મિક લોકો સીધા મંદિરોમાં પૂજા કરવા જતા હતા. આ મંદિર કૃષ્ણમૂર્તિથી પૂજનીય છે. મંદિર એના તલમાનમાં ગર્ભગૃહ અંતરાલ મંડપ તથા શણગાર ચોકી અને ઉર્ધ્વમાનમાં પીઠ મંડોવર અને શિખર ધરાવે છે. શિખર પિરામિડ ઘાટનું ત્રણ છાદ્યો ધરાવતું કળશયુક્ત છે. ગર્ભગૃહની અંદર ગઈ સદીમાં ઘડાયેલી શ્રીકૃષ્ણની મૂર્તિનાં દર્શન થાય છે. મંડપ પરનું છાપરું કુબ્ઝપૃષ્ઠાકાર છે ને વરસાદનું પાણી નીચે ઊતરી જવા માટે બંને લાંબી બાજુ નાના નાના નળોની રચના કરી છે. મંડપની અંદર છત સપાટ છે. તેને કાષ્ટકોતરણીથી મઢી દીધેલ છે. મંદિરના પ્રવેશદ્વાર પર શ્રી ગણેશ અંતરાલમાં કાચબાની આકૃતિ જોતાં મૂળ આ મંદિર શિવાલય હોવાનું અને પાછળથી કૃષ્ણાલયમાં રૂપાંતરિત થયેલું છે. આ વિઠ્ઠલમંદિર મ્યુનિસિપલ સ્નાનાગરની ઉત્તરે આવેલું છે. આ મંદિર ઇ.સ. ૧૭૬૭માં ગોસ્વામી યાદવ બાવા ભાગવતે બંધાવેલું છે. અમદાવાદ શહેરમાં આવા અનેક અનેક મંદિરો બંધાયા છે પણ સુધારા વધારા અને જીર્ણતાને લઇને મુળ સ્વરૂપ ગુમાવી બેઠાં છે. દા.ત. બાલાહનુમાન જવાના રસ્તા પર અમૃતલાલની પોળ સામે આવેલું વિસનગરા નાગરોના હાટકેશ્વર મહાદેવનું મંદિર એના બંધાવનાર અમૃતલાલ તુલજારામ મહાદેવના નામે ઓળખાય છે આ મંદિર મરાઠાકાળનું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sWUNLL
Previous
Next Post »