- રસીનાં આગમન બાદ વધતા જતા કોરોનાના કેસ અને અમેરિકાના વિખ્યાત પ્રોફેસર સામ પેલ્ટઝ્મેનની જગવિખ્યાત થિયરી
- વિવિધા-ભવેન કચ્છી
- પેલ્ટઝ્મેન કહે છે કે સીટ બેલ્ટ, એન્ટી બ્રેક લોક સીસ્ટમ, હેલ્મેટ અને સુરક્ષા કવચ આપતા ગેજેટ્સને લીધે ચાલકો અને ખેલાડીઓ વધુ જોખમ ઉઠાવતા થયા અને અકસ્માતોનું પ્રમાણ વધ્યું : તબીબી જગતની પ્રગતિ જોઇને પણ નાગરિકો જીવનશૈલીમાં બેફામ બનતા જાય છે
દે શમાં કોરોના સામે રક્ષણ આપવા માટે જ્યારથી રસીકરણની શરૂઆત થઇ છે ત્યારથી જ જોગાનુજોગ કોરોનાના કેસનો રાફડો ફાટયો છે. આપણે જેને કોરોનાની બીજી લહેર તરીકે ઓળખીએ છીએ તે માટે દેશવ્યાપી રસીકરણ અભિયાનને લીધે નાગરિકોની માનસિકતા અને વર્તનનું જે ઘડતર થયું છે તેને પણ જવાબદાર ઠેરવી શકાય કે કેમ તે અંગે અભ્યાસ થઇ રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં આ ટ્રેન્ડ જોવા મળે છે કે રસીકરણની જાહેરાત અને તે પછી તેનું અમલીકરણ થયું તે સાથે જ કેસો ચિંતાજનક રીતે વધવા માંડયા છે.
પેલ્ટઝ્મેનનો સિદ્ધાંત સમજવા જેવો છે
નિષ્ણાતો આ સ્થિતિ માટે પેલ્ટઝ્મેનનો સિદ્ધાંત બંધબેસતો ગણે છે.અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગોના અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિષયના જગવિખ્યાત પ્રોફેસર સામ પેલ્ટ્ઝમેને તેમના નામથી ઓળખાતી એક થિયરી આપી છે. તેમણે જુદા જુદા કેટલાયે અભ્યાસ અને સર્વે હાથ ધરીને એવું પ્રસ્થાપિત કર્યું છે કે 'જ્યારે નાગરિકોના સમુહને જોખમ સામે સુરક્ષા બક્ષતી કોઈ સીસ્ટમ, ટેકનોલોજી કે સંશોધન પ્રાપ્ય બને તે પછી અગાઉ જયારે કોઈ જ પ્રકારની સુરક્ષા નહતી તે કરતા ઉલટા અકસ્માત, બીમારી, ઈજા અને મૃત્યુના આંક વધે છે. આનું કારણ એ છે કે નાગરિકો એવા આત્મવિશ્વાસમાં રાચે છે કે મુસીબતની વેળા આવશે તો હવે તો આપણી પાસે સુરક્ષા માટેના ગેજેટ્સ, સીસ્ટમ, ઈમરજન્સી સારવાર, સંદેશા વ્યવહાર અને શોધ સંશોધનો હાથવગા છે જ ને. જેટલું માથા પર જોખમ અને ઉપાય માટેની લાચારી હતી ત્યારે ડર પણ રહેતો અને પ્રત્યેક ક્ષણ તકેદારી પણ રાખવામાં આવતી. એક ભૂલ અને જીંદગી યાતનાપૂર્ણ બની જવાનો ધ્રાસકો અને મોતનાં મુખમાં સરી જઈશું તેવી ફડક પણ રહેતી. પણ હવે સુરક્ષા અને વળતો હુમલો કરવાનું શસ્ત્ર અને ઢાલ પણ સાથે જ છે તેમ માની જોખમ અને 'પડશે તેવું દેવાશે'ની માનસિકતા કેળવતી જાય છે.' પેલ્ટઝમેન આ સાથે ઉમેરે છે કે સુરક્ષા, ટેકનોલોજી અને સંશોધનને પાકટ અભિગમ સાથે લેવામાં ન આવે તો માનવજગત બેદરકાર અને જીવલેણ પુરવાર થાય તેમ વર્તન કરવા માંડતો હોય છે.
માનવજગતની લાચારીથી રસી બહાર પડી છે
કોરોના માંડ કાબુમાં આવ્યો તે સાથે જ કોરોનાની રસીને ટ્રાયલના છેક સુધીના તબક્કામાંથી પૂર્ણ કર્યા વગર અને મહત્તમ અસરકારકતા સુધી સંશોધનને લઈ જવાનો સમય આપ્યા વગર રસીકરણ માટે મંજૂરી આપવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને જે તે દેશની ડ્રગ કંટ્રોલ ઓથોરિટીએ નિર્ણય લેવો પડયો. જો આમ ન કર્યું હોત તો વિશ્વમાં મૃતદેહનાં દફન માટે જગ્યા ન રહેત અને વિશ્વનું અર્થતંત્ર ફરી બેઠા જ ન થઇ શકાય તેવું બેહાલ થઇ જાત. આત્મહત્યા, લુંટફાટ, બેકારી અને અરાજકતા તેમજ વૈશ્વિક કટોકટી સર્જાઈ હોત. ખરેખર તો ૯૯ ટકા અસર કરે તેવી રસી બને પછી જ મંજૂરી મળતી હોય છે, માત્ર અસરકારકતા જ નથી જોવાતી પણ ટ્રાયલમાં ભાગ લેનારાઓને રસી મૂકીને વર્ષાે સુધી તેમના બોડીમાં શું અસર થાય છે તે જોવા માટે દસેક વર્ષ આંતરિક સિસ્ટમના ફેરફારના નિયમિત પરીક્ષણો થતા રહે છે. આ બધા સ્ટેજ પછી ફુલપ્રુફની નજીક અને ન્યુનતમ આડઅસર ધરાવતી રસી બહાર પડતી હોય છે. દાયકાઓના સંશોધનો છતાં એઈડ્ઝ સહિતની ઘણી બીમારીઓ સામે હજુ વિજ્ઞાાન રસી શોધી નથી શક્યું. જે રસીઓ શોધાઈ છે તે માટે સરેરાશ દસ વર્ષ લાગ્યા હતા. કોરોનાની રસી માનવ ઈતિહાસની સૌપ્રથમ રસી છે જે આ રીતે આટલા ટૂંકા ગાળામાં બહાર પાડવા માટે આપણે લાચાર બન્યા છીએ. કોરોનાની આ રસી સંકટ સમયની સાંકળ જરૂર પુરવાર થઇ શકે તેમ છે. જો કે નાગરિકોએ ગંભીર ભૂલ કરી રહ્યા છે કે રસી આવવાથી કોરોના પર આપણે વિજય મેળવી લીધો છે. કોરોનાની રસી ઓરી, અછબડા, શીતળા, હડકવા, ધનુર, ડીપ્થેરિયા, કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, પોલીયો અને બાળ રોગની રસીની જેમ દાયકાઓના પરીક્ષણ બાદ બહાર આવેલી નથી.
કોરોના, નાગરિકો અને પેલ્ટ્ઝમેનની થીયરી
રસી મુકવાની જાહેરાત અને રસીકરણની પ્રક્રિયા પ્રારંભાઈ તે સાથે જ નાગરિકોનું વર્તન પેલ્ટઝમેનની થિયરીને ખરી ઠેરવતું થતું ગયું અને કેસ વધવા માંડયા. વિજ્ઞાાનીઓએ કોરોનાને કચકચાવીને કચડી નાંખવાની દિશામાં સફળતા મેળવી હોય તેમ આપણે મદમાં મહાલવા માંડયા. રસીનો ઉપચાર હવે હાથવગો છે અને ક્રમશ તમામ નાગરિકોએ આજ નહીં તો કાલ રસી મળવાની જ છે તેવી હૈયાધારણ અનુભવી. આ દરમ્યાન કોરોનાના નામે ધંધો કરનારાઓએ એવો ધૂમ પ્રચાર કર્યો કે કોરોનાની સારવાર ઘેર બેઠા જ થઇ શકે છે. અમે તે પેકેજ આપીશું. આયુર્વેદ અને ઘરગથ્થું ઉપચારથી જ કોરોનાથી સાજા થઇ જવાય છે તે પણ સોશિયલ મીડિયા પર છેલ્લા મહિનાઓથી ફરતું થયું. મૃત્યુ દર તો હવે એક દોઢ ટકા માંડ છે અને મેડિકલ જગતે પણ હવે કોરોનાનાં પડકારજનક કેસ પર કાબુ કેમ મેળવવો તે સારવાર પેટર્ન, દવાઓનો રોડ મેપ હાંસલ કરી દીધો છે. વેપાર, ધંધા અને રોજી રોટી માટે પણ કોરોનાનો સામનો કરી લઈશું. કોરોના થશે ત્યારે ૧૨ દિવસ ઘેર રહી નાંખવાનું જેવી માનસિકતા કેળવા માંડયા અને બહોળા વર્ગે માસ્ક અને સેનેટાઈઝરને તિલાંજલિ આપી દીધી. પ્રવાસ, પીકનીક આને કુટુંબી, મિત્રોના ખાણીપીણીનાં મેળાવડા પણ શરુ થયા. ઓફીસના કર્મચારીઓ ગ્રુપમાં નાસ્તાની જયાફત ઉડાવતા થઇ ગયા. આ તો રોજનું થયું જેવી બેફીકરાઇ જોવા મળે છે. કોરોનાને લીધે મૃત્યુ પામતા કરતા સાજા થયાના આંકડા ૯૮ ટકા હતા તે બધાને દેખાવા માંડયા. કોરોના થાય તો પેરાસીટામોલની દવા, ઇન્જેક્શન, નસ્ય અને ૧૨ -૧૪ દિવસનો એકાંત બસ આટલું જ કરવાનું હોય છે તેમાં આ હદે બંધનમાં શું રહેવાનું. આપણને ક્યા સિવિયર ડાયાબીટીસ, બ્લડ પ્રેશર કે ફેફસા, કિડનીની તકલીફ છે તેમ કહેતા મોટાભાગના નાગરિકો કોરોના સામે લડવાનો રસ્તો અને ઉપચાર મળી ગયો છે તેમ માની બેદરકાર બની રહ્યા છે અને કેસ વધવા માંડયા.
ચેતીશું નહીં તો પરિણામ ભોગવવું તૈયાર રહેવું પડશે
રસીના આગમનથી તો રહીસહી લક્ષ્મણ રેખા પણ ઓળંગવા માંડયા છીએ. યાદ રહે ગુજરાતની વાત કરીએ તો આપણને જે કોવિશીલ્ડ રસી આપવામાં આવે છે તેની અસરકારકતા ૬૨ ટકા જ છે. રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યા પછી જ આપણે હવે તો કોરોના સામે પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થઇ ગઈ તેવી ભયંકર ગેરસમજ ધરાવીએ છીએ. માસ્ક અને અન્ય તકેદારી રાખવામાં હળવા કે નિશ્ચિંત બની જઈએ છીએ.ખરેખર તો એન્ટી બોડી બનવાની દરેક વ્યક્તિની તાસીર જુદી જુદી હોય છે. રસી ટ્રાયલ્સની રાહ જોયા વગર બહાર પડાઈ હોઈ અમુક વિજ્ઞાાની એમ કહે છે કે પ્રથમ ડોઝના વીસેક દિવસ પછી તો બીજો મત એવો છે કે બીજા ડોઝના વીસ દિવસ પછી. આ સમયગાળા પછી પણ કેટલા મહિનાઓ માટે આપણને તે રક્ષણ આપી શકે તે પરીક્ષણ નથી થઇ શક્યું. એટલે જ ભારપૂર્વક કહેવાય છે કે બંને ડોઝ મુકાવ્યા હોય તો પણ માસ્ક અને અન્ય નિયમનો તો જાણે રસી મૂકાવી જ નથી તેમ માનીને જ્યાં સુધી કોરોનાની ફૂલપ્રૂફ ટ્રાયલ બાદની રસી કે ટેબ્લેટ ન શોધાય ત્યાં સુધી જ પડશે. હા, એટલી મનોમન ધરપત લઇ શકાય કે બે ડોઝ પછીના વીસ દિવસ પછી માની લો કે કોરોના થાય તો પણ ગંભીર કે જીવલેણ ન બની શકે. જો કે આ તારણ પણ ૧૦૦ ટકા નથી જ. મૂળ વાત એ છે કે રસીના આગમન બાદ પ્રથમ ડોઝ પછી જ આપણે ભયમુક્ત બની ગયા તેની કિંમત ચૂકવી રહ્યા છીએ અને હજુ આવું જ વર્તન રહેશે તો ખતરનાક પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
હેલ્મેટ અને સીટ બેલ્ટ પછી અકસ્માત વધ્યા
પેલ્ટઝ્મેનની થિયરીના આધારે જે તારણો નીકળ્યા છે તે રસપ્રદ છે. જ્યારે હેલ્મેટ નહોતી ત્યારે રસ્તા પરનો બાઈક ચાલક જ નહીં પણ રેસિંગમાં ઉતારનારા પણ અકસ્માત કે મોતના ડરથી તુલનાત્મક રીતે ધીમી ગતિથી બાઈક કે રેસર કાર ચલાવતા. જેને લીધે અકસ્માત અને મૃત્યુ ઓછા થતા પણ હેલ્મેટ અને પ્રોટેક્ટીવ કીટ આવી તે પછી ચાલકો હવે તો અમને ઈજા થવાની સંભાવના ઓછી છે તેમ માનીને જીવ સટોસટના ખેલ કરવા માંડયા. હવે અકસ્માત ન થાય તેવા રસ્તા સાથે ગ્રીપ ધારણ કરી લે તેવા ટાયરની જાહેરાત જોઈને ચાલકો પુરઝડપે વાહન હંકારી શોર્ટ બ્રેક લગાવે છે જેને લીધે પણ અકસ્માત અને મૃત્યુના આંક વધતા જાય છે. વાહનોમાં એન્ટી લોક બ્રેક સીસ્ટમ આવી ત્યારથી પણ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. કારમાં સીટ બેલ્ટ બાંધવાથી સલામતી પ્રાપ્ત થઇ છે તેમ માની ચાલકો વાહન અગાઉ કરતા વધુ ઝડપથી હંકારે છે. વધુ સલામતીની વ્યવસ્થા અને વધુ બેદરકારી અને જોખમ ખેડવાની માનસિકતાનો સિદ્ધાંત આ રીતે પણ લાગુ પડે છે. એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કે સ્કાય ડાઈવીંગ, હેન્ડ ગ્લાઇડીંગ, સ્કૂબા, આઈસ સ્કીઈંગ, પર્વતારોહણમાં સુરક્ષાના ગેજેટ્સ વધ્યા તેમ ખેલાડીઓ વધુ સાહસ લેતા થયા અને અકસ્માત પણ વધતા ગયા છે.
ખેલાડીઓમાં સુરક્ષા બાદ સ્પોર્ટ્સ ઇન્જરી વધી
સ્પોર્ટ્સ ઇન્જરી વધવાનું કારણ ખેલાડીઓ હેલ્મેટ કે હાથ, છાતી, સાથળ, ગોઠણ અને એબ્ડોમેનને રક્ષણ આપતા આવરણ પહેરીને ઉતરે છે તે પણ બહાર આવ્યું છે. ખેલાડી વધુ આક્રમક અને જોખમી અભિગમ કેળવી રમે છે અને સાધનો
હોવા છતા ઈજા તો પામે જ છે કેમ કે સાહસને લીધે જર્ક કે ફટકો વધુ ઘાયલ કરનારો હોય છે.
મેડીકલ સાયન્સે આપણને બેદરકાર બનાવ્યા
મેડીકલ સાયન્સ, બાયોટેકનોલોજી, કૃત્રિમ અંગો તેમજ સર્જરી એ હદે એડવાન્સ બની છે તે જાણીને નાગરિકો ભયમુક્ત બની બેફામ જીવનશૈલી વિતાવતા થયા છે. મેદસ્વી બનીશું તો બેરીયાટ્રીક સર્જરી કરાવી લઈશું. રોજેરોજ પિત્ઝા આરોગીશું અને કોલેસ્ટેરોલ જમા ન થાય તે ટેબ્લેટ લઇ લઇશું. દરેક ઉપચાર, દવા, અંગો ઉપલબ્ધ છે જેને લીધે બેદરકાર બન્યા અને હોસ્પિટલમાં શાક માર્કેટ જેવી ભીડ જોઈ શકાય છે. મૃત્યુ દર ઘટયો પણ સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા કથળી છે.
કોન્ડમનો પ્રસાર વધવા છતાં ગર્ભપાત પણ વધ્યા
બીજો એક અભ્યાસ એ થયો કે સલામત સેક્સ માટે કોન્ડમનો પ્રસાર અને પ્રચાર થયો પણ સેક્સની સાથે ગર્ભપાતની માત્રા પણ વધી કેમ કે કોન્ડમ નિષ્ફળ જાય કે પછી કોન્ડમ છે તેમ માની સેક્સ માટે આગળ વધે અને તે જ વખતે તે ન હોય કે તેનો ઉપયોગ કરવાની ધીરજ ન હોય. કોન્ડમનો મૂળ આશય અને શોધ પતિ પત્ની અને કુટુંબ નિયોજન માટે હતો કોઈની પણ જોડે મુક્ત સલામત સેક્સ માટે નહતો. હવે તો કોન્ડમ છે તેમ માનીને મુક્ત સેક્સ સંબંધમાં સરકતા જ તેને કોઈ વખત વધુ આનંદના આશયથી ઉપયોગમાં ન લેવાય તેને લીધે જ એઈડ્ઝના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ પેલ્ટઝ્મેનની થિયરીને સાબિત કરતા સર્વે થયો હતો.
રસી કરતાં માસ્ક વધુ અસરકારક તે સમજીએ
કોરોનાની હાથવગી સારવાર, મૃત્યુ દર બે ટકા જ છે તેવું દોઢ ડહાપણ અને હવે તેનાથી પણ આગળ રસીકરણ બાદ કેસ વધશે જ કેમ કે સમજ્યા વગર જાણે આપણે સલામતીનું કવચ ધારણ કરી લીધું હોય તેવા ભ્રમમાં રાચીને બેદરકારી કે કેદમાંથી છૂટયા જેવી મુક્તિનો એહસાસ માણીએ છીએ. રસી જો ૬૨ ટકા અસરકારક મનાતી હોય તો માસ્ક તો સિત્તેર ટકાથી વધુ રક્ષણ પૂરું પાડે છે. રસી કોરોનાથી આપણને મુક્તિ નથી આપતી કદાચ તેની ઘાતકતાથી મુક્તિ આપે છે તેમ સમજવું જોઈએ. ચાલો, આપણે તકેદારી રાખીને પેલ્ટઝ્મેનની થિયરીને ખોટી પાડીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cSTXtI
ConversionConversion EmoticonEmoticon