નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુની અમલવારી વચ્ચે ફૂટપાથ સૂતા પરિવારો રઝળી પડયા


નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં એક તરફ રાત્રી કરફ્યુની કડક અમલવારી જોવા મળી રહી છે તો બીજી તરફ તેના કારણે ફૂટપાથો પર રહેતો ગરીબ વર્ગ રઝળી પડયો છે. શહેરના અનેક વિસ્તારો રૈનબસેરાની જેમ બેઘરો માટે રાત્રીરોકાણનું સ્થળ બનતા હતા તે છીનાવઈ જતાં સેંકડો લોકોની હાલત કફોડી થઈ હોવાનું જોવા મળે છે. શહેરમાં ૨૦૦થી ૪૦૦ લોકો ફૂટપાથો પર જીવન વીતાવી રહ્યા છે, તેમની સૌથી ખરાબ થઈ છે.

નડિયાદમાં આવેલા સંતરામ રોડ, બસસ્ટેશન રોડ, રેલવે સ્ટેશન વિસ્તાર, ગંજ બજાર, વાણિયાવાડ સર્કલ, મીશન રોડ વગેરે અનેક વિસ્તારોની ફૂટપાથો રાતે બેઘર લોકોના આશ્રય માટેનું સ્થાન બની જતી હોય છે. કોરોનાના પહેલા લોકડાઉનમાં પણ આ વિસ્તારોની ફૂટપાથ પર રહેતા લોકોની હાલત કફોડી થઈ હતી. દિવસ દરમિયાન મળે તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા આ લોકો સામાન્ય સંજોગોમાં રાતે શહેરની સડકો પર, સ્ટેશન રોડના બાંકડા પર કે સંતરામ રોડ-મીશન રોડ પરની ફૂટપાથો પર સૂઈને વીતાવી લેતા હોય છે. જોકે હાલના સંજોગોમાં રાત્રીકરફ્યુ અમલમાં હોવાથી ગરીબ વર્ગના આ બેઘર લોકોની રાતો હરામ થઈ ગઈ છે.

નડિયાદ શહેરમાં રોજ આશરે ૮૦૦ જેટલા નિઃશુલ્ક ટિફિન પહોંચાડતી સંસ્થાના સંચાલકે જણાવ્યા પ્રમાણે અત્યારની સ્થિતિમાં પણ ટિફિન અપાઈ રહ્યા છે. ૮૦૦માંથી રોજ આશરે ૨૦૦ જેટલા ટિફિન ફૂટપાથ પર રહે છે. અત્યારના સંજોગોમાં તેમણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે સ્ટેશન પાસ ર્સેવાભાવે ખાવાનું પૂરું પાડતી બીજી સંસ્થાના સંચાલક પાસેથી જાણવા મળે છત્તે પ્રમાણેલ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જ આશરે ૪૦૦ જેટલા લોકો ઘર અને ચૂલા વગરના છે તે સંસ્થાની સેવાનો લાભ લે છે. હાલના સંજોગોમાં રાતે સેવાનું કામ બંધ કરવું પડયું છે.

ગત વર્ષના લોકડાઉન પછી વતન ફરેલા મજૂરવર્ગના લોકો ગત જુલાઈ પછી શહેરમાં પાછા આવવા લાગ્યા હતા. ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બનતા શ્રમિકો ફરી શહેરમાં મજૂરી કરવા લાગ્યા અને ફૂટપાથો પર રાત્રીનિવાસ કરી ગુજરાન ચલાવવા લાગ્યા. જોકે છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં પાછો ઊછાળો આવતા સ્થિતિ વધારે બગડી છે. તેમાંય ૭ એપ્રિલથી રાતે ૮થી સવારે ૬ વાગ્યા સુધીના કરફ્યુને કારણે શહેરમાં વસેલા આવા સેંકડો લોકોનો રાત્રીનાં આશ્રયસ્થાન છીનવાઈ ગયાં છે.

રાત્રિ કરફ્યુને લઈ પોલીસ એકશન મોડમાં

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં રાત્રી કરફ્યુની કડક અમલવારી કરવામાં આવી રહી છે. બે દિવસથી શહેરમાં રાત્રી કરફ્યુનો અમલ કરાવવામાં પોલીસ તંત્ર  એક્શન મોડમાં જોવા મળ્યં  હતું. રાતે મોડે સુધી ધમધમતા નડિયાદ શહેરના રાત્રીબજારો અને રસ્તા રાત્રીકરફ્યુની જાહેરાત પછી રાતે નિર્જન જોવા મળ્યા છે. તે માટે પોલીસ તંત્ર દ્વારા રાત્રીકરફ્યુના નિયમોનું પાલન કરાવવા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જોવા મળે છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપર પોલીસનો સઘન બંદાબસ્તો જોવા મળ્યો છે. રાતે આઠ વાગ્યા પછી અન્ય રાજ્યના અને જિલ્લાના વાહનોને શહેરમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. પોલીસે તે માટે શહેરના પ્રવેશમાર્ગો પર બેરિકેટ લગાવી દીધેલા જોવા મળે છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PTUrHg
Previous
Next Post »