રુસ્લાન મુમતાઝ: 'નમસ્તે વ્હાલા'ને કેવો પ્રતિસાદ મળશે, એ જાણવું છે


- 'એક દર્શક તરીકે તો હું દરેક પ્રકારની ફિલ્મ કરવાની ઇચ્છા રાખું છું મિત્રતા અંગેની પ્રેમકથા, રોમાન્સ-કોમેડી જેવી ફિલ્મો કરવાની ઘણી ઇચ્છા છે મને મારી ઉણપો ખબર છે'

- અંજના મુમતાઝના પુત્રએ કરી ઓટીટી ફિલ્મ

'એ મપી૩ : મેરા પહલા પ્યાર' ફિલ્મ થકી ૨૦૦૭માં બોલીવૂડમાં પદાર્પણ કરનારા અને એ પહેલા 'બાલિકા બધુ' સીરિયલમાં કૃશ તરીકે ચમકનારા રુસ્લાન મુમુતાઝ હવે નેટફિલક્સની નવી ફિલ્મ 'નમસ્તે વ્હાલા'માં આવ્યો છે. રુસ્લાન અભિનેત્રી અંજના મુમતાઝનો પુત્ર છે. 'નમસ્તે વ્હાલા' ફિલ્મ લાગોસમાં પાંગરેલી ક્રોસ-કલ્ચર રોમાન્સની વાર્તા પર આધારિત છે, જેમાં નાઇજીરિયાની અભિનેત્રી આઈની ડીમા ઓકોજી પણ રુસ્લાન સાથે આવી છે. આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક હમીશા દરયાની આહુજા છે. તેમણે બોલીવૂડની લવસ્ટોરી આધારિત ફિલ્મો જેવી આ ફિલ્મ બનાવી છે. જો કે રુસ્લાન મુમતાઝને તો આ ફિલ્મમાં કામ કરવાની જબરી મઝા આવી. તેણે અહીં સ્ટારકિડ તરીકેના પ્રેશરથી માંડીને ડિજિટલ રિલિઝના લાભ અને અન્ય બાબતો અંગે વાતો કરી છે, જે દર્શકો માટે રસપ્રદ બની રહેશે.

'નમસ્તે વ્હાલા' ફિલ્મ કેવી રીતે મળી?- એ અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં રુસ્લાને જણાવ્યું રાહિલ રઝા ભારતીય સ્ટાઇલિસ્ટ છે અને તેણે બોલીવૂડની ઘણીબધી ફિલ્મો બનાવી છે. તેઓ 'નમસ્તે વ્હાલા' માટે કોસ્ચ્યુમ તૈયાર કરી રહ્યા હતા અને નિર્માતાઓએ તેમને બોલીવૂડના કલાકારો માટે પૂછ્યું. આથી, તેણે મારા ફોટા મોકલાવ્યા. તેમણે મારો સંપર્ક કર્યો અને જણાવ્યું કે આ ફિલ્મ આફ્રિકામાં શૂટ થશે અને આફ્રિકા માટે બનશે. એમની વાત ધ્યાનમાં રાખીએ તો આ ફિલ્મ કોણ નિહાળશે, એ પ્રશ્ન જાગ્યો, પણ મેં એ ફિલ્મ કરી કેમકે એ તો મારા માટે લાઈફટાઈમ અનુભવ હતો. મેં વિચાર્યું કે આફ્રિકન યુવતી સાથે હું રોમાન્સ કરતો હોઉં એવો પ્રોજેક્ટ મને પાછો ક્યારે મળશે. ફિલ્મોમાં એવું ભાગ્યે જ દેખાડયું હશે, જેમાં ભારતીય યુવાન અન્ય કોઈ દેશની યુવતી સાથે પ્રેમમાં પડયો હોય. આ પચી ફિલ્મ બની અને નેટફિલિક્સ તેને વિશ્વભરમાં રિલિઝ કરશે. 'નમસ્તે વ્હાલા'ને કેવો પ્રતિસાદ મળે છે, એ જાણવાની ઇચ્છા છે.

આ સાથે જ રુસ્લાન મુમતાજે જણાવ્યું કે ઓટીટી પ્લેટફોર્મના આગમન સાથે ફિલ્મસર્જકોએ હવે બોક્સ-ઓફિસના પરિણામોની ચિંતા કરવાની નહીં રહી અને હવે તો આવા પ્રોજેક્ટ પર સેન્સરબોર્ડની કાતર પણ રહી નથી. આથી કન્ટેન્ટ સાથે તમે બહાર આવો. લોકોએ એ જોવા થિયેટર સુધી જવાની પણ જરૂર રહી નથી. તમે તમારા ઘરમાં બેસીને કન્ટેન્ટ નિહાળી શકો છો. આમ, જ્યાં ઓટીટી હોય ત્યાં દર્શકો તો હશે જ.  આમ, હવે કલાકારો માટે પણ અદાકારી કરવા માટેનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે અને અનેક દ્વાર ખુલી ગયા છે. તેમણે અદાકારી માટે માત્ર બોલીવૂડની ફિલ્મો પર આધાર રાખવાની જરૂર રહી નથી.

આ કારણે હવે તો સ્ટારકિડ્સ માટે વધુ અપેક્ષા રાખવાની જરૂર રહી નથી કેમ કે લોકો હવે એ જાણવા પણ વધુ ઉત્સુક નથી કે કોણ - કોનું સંતાન છે. હું કોનો પુત્ર છે, એ જાણવાની કોઈ જરૂર રહી નથી. 

તમે મુખ્ય ભૂમિકા ભજવતા હો અથવા ફિલ્મનું મહત્ત્વનું પાત્ર ભજવતાં હો - તમે શું કરો છો એ વધુ મહત્ત્વ બની રહે છે. 

આથી જો તમને તક મળે તો તે ઝડપી લો કેમ કે એ મહત્ત્વનું છે. હું ક્યાંયથી સ્ટારકિડ્સના મંતવ્ય જેવો તો નજરે પડતો નથી,' રુસ્લાન મુમતાઝે જણાવ્યું હતું. કોઈ ખાસ જેનરની ફિલ્મ કરવાની ઇચ્છા છે ખરી? - એવા પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું, 'એક દર્શક તરીકે તો હું દરેક પ્રકારની ફિલ્મ કરવાની ઇચ્છા રાખું છું મિત્રતા અંગેની પ્રેમકથા, રોમાન્સ-કોમેડી જેવી ફિલ્મો કરવાની ઘણી ઇચ્છા છે મને મારી ઉણપો ખબર છે અને આથી જ મને ગમે એવું કામ કરવું ઘણું ગમશે. બીજું ફરહાન અખ્તર મારો મનગમતો દિગ્દર્શક છે અને ઝોયા અખ્તર પણ. મને તેમની સાથે ફિલ્મોમાં કામ કરવાનું વધુ ગમશે.'

છેલ્લે, થિયેટરોમાં ફિલ્મો જોવાના આનંદ અંગેના પ્રશ્નના ઉત્તરમાં રુસ્લાને જણાવ્યું, 'હાલમાં તો મને થિયેટરોમાં ફિલ્મ જોવાનું ગમે છે, પણ એક વર્ષ પહેલા પરિસ્થિતિ જુદી હતી. તે વેળા ઓટીટી પ્લેટફોર્મ્સ સારો વિકલ્પ હતો. જો કે દર્શકોને સ્વાભાવિક રીતે છે સારી ફિલ્મો જોવા માટે તો થિયેટરો જ ઉત્તમ વિકલ્પ છે.' આમ કહી રુસ્લાન મુમતાઝે વાતો પૂરી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ae5kuF
Previous
Next Post »