શોભિતા ધુલીપાલાનું હોલીવુડની ફિલ્મ કરવાનું શમણું થયું સાકાર


- હોલીવુડની ફિલ્મ કરવાનો વિચાર મેં વરસો પહેલા કરી રાખ્યો હતો. મારી એ ઇચ્છા એટલી અદમ્ય હતી કે એણે ક્યારેય મારો પીછો છોડયો નહોતો.  

પ્રિયંકા ચોપરાને હોલીવુડમાં પતિ અને પ્રસિદ્ધિ બંને મળ્યા. ઇંગ્લીશ ફિલ્મોમાં પ્રિયંકાને મળેલી સફળતાને પગલે બોલીવુડની તમામ હિરોઈનો આજે હોલીવુડની સપના જોતી થઈ ગઈ છે. તેઓ ઇચ્છે છે કે એમની ફિલ્મની કરીઅરનું અંતિમ ડેસ્ટિનેશન હોલીવુડ જ હોય. અંગ્રેજી ફિલ્મો તરફ બધાએ સાગમટે દોટ મૂકી છે. હવે પશ્ચિમ તરફની એ દોડમાં શોભિતા ધુલીપાલા પણ સામેલ થઈ છે. શોભિતા હોલીવુડના એક્ટર દેવ પટેલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ 'મંકી મેન'માં મહત્ત્વનો રોલ કરી રહી છે.

સવાલ એ છે કે હજુ તો બોલીવુડમાં પગદંડો જમાવવાનો પ્રયાસ કરી રહેલી શોભિતા ધુલીપાલાને દેવ પટેલની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ કઈ રીતે મળી ? એ વિશે વાત કરતા મિસ ધુલીપાલા કહે છે, 'તમે કદાચ નહિ માનો પણ હકીકતમાં મેં આ ફિલ્મ માટે લગભગ ૫ વર્ષ પહેલા ઓડિશન આપ્યું હતું. ત્યાર બાદ થોડા દિવસો પછી મને દેવ પટેલ સાથે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવાઈ હતી.

મને બરાબર યાદ છે કે એ જ દિવસે હું મારી પહેલી ફિલ્મ રામન રાઘવ ૨.૦ના સ્ક્રીનિંગ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જવા રવાના થવાની હતી. આટલા વરસો દરમ્યાન અમારા જીવનની જેમ મંકી મેન ફિલ્મમાં પણ ઘણાં ફેરફારો થયા બાદ હવે આ પ્રોજેક્ટમાં બધુ સમુસુતરુ પાર ઉતરી રહ્યું છે. આ પ્રોજેક્ટની ૩ બાબતો મને બહુ સ્પર્શી ગઈ છે. એક તો એ કે અમારો બધાનો આ એક સહિયારો પ્રયાસ છે. અમે એટલે કે એકટરો અને ટેકનીશ્યનો સહિતની ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એક ઇન્ટરનેશનલ ફિલ્મ બનાવવા માગીએ છીએ. બીજુ, ડિરેક્ટર દેવ પટેલે ફિલ્મની સ્ટોરીને સિલ્વર સ્ક્રીન પર સાકાર કરવા એક નવો અને ઝનૂનભર્યો અભિગમ અપનાવ્યો છે. ત્રીજી વાત એ કે ફિલ્મનું આખુ યુનિટ મજાના લોકોથી ઊભરાય છે. બધા બહુ મજાના માણસો છે અને એમની સાથે કામ કરવાની એક અલગ જ મજા છે.'

સૌ જાણે છે કે ૨૦૨૦ની સાલ દુનિયાના ઈતિહાસમાં કોવિદ-૧૯ મહામારીના વર્ષ તરીકે આલેખાઈ ગઈ છે. આવા કપરા કાળમાં શોભિતાએ મંકી મેનનું ઇન્ડોનેશિયામાં એકધારુ ચાર મહીના શૂટીંગ કર્યુ હતું. કોરોના વાયરસની દહેશત વચ્ચે ઇન્ટરનેશનલ ફિલ્મ માટે શૂટીંગ કરવાનો અનુભવ કેવો રહ્યો? 'મેઇડ ઇન હેવન'ની એકટરના ચહેરા પર આવો સવાલ સાંભળીને તરત સ્મિત ફરી વળે છે, 'સર, એ તો એક અદ્ભુત અનુભવ હતો. મને મંકી મેનના શૂટીંગમાં જે મજા પડી એવી મજા બીજી કોઈ ફિલ્મના શૂટીંગમાં આજ સુધી આવી નથી. ખરું પૂછો તો, ગયુ આખુ વરસ મારા પોતાના માટે બહુ સારુ રહ્યું.

આખી દુનિયા જ્યારે કોરોના જેવા રોગચાળાથી ફફડતી હતી ત્યારે મેં ઇન્ડોનેશિયામાં મંકી મેનનું શૂટીંગ કર્યું. સાવ એવુય નથી કે મને કોઈ અગવડ કે તકલીફ નહોતી પડી, પરંતુ એ તકલીફો એટલી મોટી પણ નહોતી કે હું એમને લઈને રોદણાં રોવા બેસી જાઉં. આમેય, રોદણાં રોવાનું મારા સ્વભાવમાં નથી. એટલે જ આ ફિલ્મમાં કામ કરવાનું મને બહુ મુશ્કેલ કે પડકારજનક નથી લાગ્યું. ઇન ફેક્ટ, ઇટ વોઝ એન ઇઝી જર્ની.'

શોભિતા ધુલીપાલાને પોતાની કરીઅરમાં ભાષાની સમસ્યા ક્યારેય નડી નથી. એને સ્ક્રીપ્ટ ગમે તો એ કોઈ પણ ભાષાની ફિલ્મ કરવા તૈયાર થઈ જાય છે. એની પાસે આજે એક હિન્દી ફિલ્મ, એક મલયાલમ ફિલ્મ, તેલુગુ-હિન્દીમાં બનનારી દ્વિભાષી ફિલ્મ અને ઓટીટીના એક શોની બીજી સિઝનનું અસાઇનમેન્ટ છે. એ બધાથી ઉપર શોભિતાના ખિસ્સામાં દેવ પટેલ સાથેની એક હોલીવુડ ફિલ્મ છે.

શું એણે ક્યારેય એવુ વિચાર્યું હતું કે એને કોઈ મોટી અંગ્રેજી ફિલ્મમાં રોલ મળશે ? મિસ ધુલીપાલા એકદમ નિખાલસતાથી કહે છે, 'બહુ સાચુ કહું તો હોલીવુડની ફિલ્મ કરવાનો વિચાર મેં વરસો પહેલા કરી રાખ્યો હતો. મારી એ ઇચ્છા એટલી અદમ્ય હતી કે એણે ક્યારેય મારો પીછો છોડયો નહોતો.

મેં ફિલ્મોમાં સફળ થવા રાત-દિવસ લોહી-પાણી એક કર્યા છે. સખત મેહનત કરી છે. મારા પુરુષાર્થને લીધે જ મને સારી તકો મળી છે અને હજુ મળતી જ જાય છે.' અને છેલ્લે એક અંગત સવાલ, 'તને ફિલ્મોમાં ઝડપથી મળી રહેલી સફળતાનું રહસ્ય શું છે?' શ્યામવર્ણી અભિનેત્રી ખડખડાટ હસી પડતા કહે છે, 'સર, યે એક ટોપ સિક્રેટ હૈ, ફિર ભી મૈં આપકો બતા દેતી હું. મને જોખમ લેવાનું બહુ ગમે છે. રિસ્ક લેવામાં મને એક અનેરો આનંદ આવે છે અને એ જ મારી સફળતા પાછળનું સિક્રેટ છે. 

એક બીજી વાત, હું જ્યારે કાંઈક ક્રિયેટીવ કરતી હોઉં ત્યારે હું દુનિયાની સૌથી સુખી વ્યક્તિ હોવાનો અનુભવ કરુ છું. ક્રિયેટિવિટીની પોતાની એક અલગ મજા છે, જેને તમે શબ્દોમાં ન વર્ણવી શકો.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wEWFuP
Previous
Next Post »