સૌરભ શુકલાઃ અમે ડર્યા વિના કર્યો છે સંઘર્ષ


- મેં પણ એવા દિવસો જોયા છે જ્યારે મારી પાસે જમવા માટે અથવા ભાડાં માટે પૂરતાં નાણાં નહોતા, પણ હું માનું છું કે તમે એ સમયને કેવી રીતે મૂલવો છે, એ મોટી બાબત છે - સૌરભ શુકલા

રાષ્ટ્રીય એવોર્ડવિજેતા અભિનેતા સૌરભ શુકલએ પડદા પર અદ્ભુત અભિનય દ્વારા લગભગ તમામ પાત્રોને જીવંત કરી દીધા છે, પણ હવે તેમને ફિલ્મ બનાવવાનો જબરો શોખ વળગ્યો અને ૨૦૨૧ તેમની ફિલ્મો અને વેબ-સીરિઝ રિલિઝ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. તેમની છેલ્લી ફિલ્મ 'છલાંગ' ઓટીટી પર રિલિઝ થઈ ચૂકી છે. સૌરભ શુકલ કહે 'ડિજિટલ પ્લેટફોર્મ જુદી જુદી અને રસપ્રદ કથાઓ કહેવા માટેનું સ્થળ બનીને આવ્યું છે, તેને કારણે મને ઘણી ખુશી છે.'

'મને આશા છે, આ વર્ષે મારી પોતાની ફિલ્મ આવશે, એવું કહે છે, સૌરભ શુકલ. જો કે આ અંગે તેઓ વધુ જણાવતા નથી, પણ એમના કેટલાંક પ્રોજેક્ટસ સ્ક્રીન પર આ વર્ષે જ આવી રહ્યા છે, જેમાં કેટલીક ફિલ્મો અને વેબ-સીરિઝનો સમાવેશ થાય છે. તેઓ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે 'ઓટીટીની ઓળખ તો સ્ટોરીટેલિંગની સ્ટાઇલ સમી છે. સિનેમા તરીકે નવી ભાષા સાથે એ આવ્યું છે અને છેલ્લાં ૧૦૦ વર્ષમાં સિનેમા નિપુણ થયું છે.

જો કે ટીવીએ તો તેની અલગ દુનિયા બનાવી છે, પણ ઓટીટી પર તેને જબરી કુશળતા પ્રાપ્ત થઈ છે. આમ છતાં વિષયો સાથે સિનેમાની સ્ટોરી ટેલિંગ અસ્તિત્વ ધરાવે છે તેની સામાન્ય રીતે વાતો થતી નહોતી. હવે નવી કથાઓ આવી છે અને સ્ટોરી-ટેલિંગના નવા માર્ગો મળ્યા છે. આને કારણે મુખ્ય કલાકાર ઉપરાંત અન્ય કલાકારોને પણ ચમકવાની તક મળી છે.'

આ રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા કલાકારે મનોહર પાંડે માટે ફિલ્મ બનાવી છે અને તેમને ફિલ્મસર્જક કૌશિક ગાંગુલી સાથે કામ કરવાનો અનેરો આનંદ મળે છે. તેઓ સિધ્ધાર્થ સેન ગુપ્તાના વેબ શોમાં પ્રતિસ્પર્ધીની ભૂમિકામાં ચમકી રહ્યા છે. આ થ્રિલરમાં સહકલાકાર તરીકે ટિસ્કા ચોપરા છે. આ ઉપરાંત અન્ય એક શોમાં તેઓ આવી રહ્યા છે.

પોતાની કારકિર્દીના અત્યંત કઠિન તબક્કા અંગે વાતો કરતાં સૌરભ શુકલે જણાવ્યું, 'હા, મારી કારકિર્દીમાં અત્યંત કઠિન સમય આવ્યો છે અને હજુ છે અને ભવિષ્યમાં પણ હોય શકે છે. શું ભૂતકાળનો તમારો સંઘર્ષ અત્યંત દુઃખદ બાબત હતી ?- એવા પ્રશ્નના જવાબમાં સૌરભ કહે છે, 'ના. જરાય નહીં. એ તો તમે જીવનને કેવા દ્રષ્ટિકોણથી નિહાળો છો એના પર આધાર રાખે છે. લોકો મને પ્રસંગોચિત મારા સંઘર્ષ અને કલ્પના-લાગણી અંગે પૂછતા હોય છે.

જે લોકો તકલીફમાંથી પસાર થયા હોય એ બધા માટે મારો એવો ઉત્તર હોય છે કે મેં પણ એવા દિવસો જોયા છે જ્યારે મારી પાસે જમવા માટે અથવા ભાડાં માટે પૂરતાં નાણાં નહોતા, પણ હું માનું છું કે તમે એ સમયને કેવી રીતે મૂલવો છે, એ મોટી બાબત છે. હું એ સ્મૃતિઓને યાદ રાખું છું કેમ કે એ સમયમાં જ મને સારા મિત્રો પણ મળ્યા 'તા. મારી જિંદગીમાં મેં એ બધાને હાંસલ કર્યા છે - મેળવ્યા છે.

અભિનેતા મનોજ બાજપેયી, દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્ય તો મારા રૂમપાર્ટનર હતા. દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા તો મારા સારા મિત્ર છે.' 'આમ, સંઘર્ષ હતો, અસલામતી હતી, પણ અમે બધા દર સાંજે પાર્ટી કરતાં હતા. આજે અમે ભાગ્યે જ મળીએ છીએ. એ પાર્ટીઓ મને હજુય યાદ છે. એ જીવનનો એક હિસ્સો હતો. એ સમયે ડર અને ડિપ્રેશન હતું, પણ છતાંય અમે હરતાંફરતા હતા,' એમ તેમણે સમાપન કરતાં જણાવ્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t1QP4A
Previous
Next Post »