મરને કે ડર સે ઓ મેરે દિલ, જીના ન તૂ છોડ દેના...!


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- સારું ય આપણી આસપાસ ઘણું બને છે, ત્યારે આપણું એના પર ધ્યાન નથી જતું. જીવન ટકાવવાની એક મોટી ચાવી છે : ધીરજ 'પોઝિટિવ'!

૧૮૧૨.

આજે ય જેની ગણત્રી વિશ્વના સર્વકાલીન શ્રેષ્ઠત્તમ સેનાપતિઓમાં થાય છે, એ ફ્રાન્સનો નેપોલિયન બોનાપાર્ટ એનું ગ્રાન્ડ આર્મી કહેવાતું જંગી લશ્કર લઈ રશિયા પર આક્રમણ કરવા નીકળ્યો. નેપોલિયનના મહાપરાક્રમના ત્યારે ત્યાં વાવટા ફરકતા હતા. ને એના નામમાત્રથી ઘણા ફફડીને હારી જતા હતા. વળી, રશિયાના બે લાખના લશ્કર સામે નેપોલિયનની ગ્રાન્ડ આર્મી સાડા ચાર લાખ સૈનિકો, એટલે બમણાથી ય વધુ લઈને કૂચ કરતી હતી.

રશિયન સેનાપતિ હતો પીઢ મિખાઇ કુતુઝોવ. ડબલ સાઇઝના સુપર સેનાપતિના લશ્કર સામે ચિંતાગ્રસ્ત રશિયન આર્મીને એણે બહુ ન લડવાની ને પરાણે ખુવારી વહોરવાને બદલે હારી જઈ પીછેહઠ કરવાની વિચિત્ર સલાહ આપી. તોલ્સતોયે 'યુદ્ધ અને શાંતિ' (વોર એન્ડ પીસ)માં ય નોંધ્યું છે, એમ રશિયન સમ્રાટ ઝાર સહિત બધા કુતુઝોવથી નારાજ હતા પરાજય માથે તોળાતો હતો અને હતાશાના વાદળો ઘેરાતા હતા.

પણ નેપોલિયનના કાતિલ યુદ્ધકૌશલ અને તોતિંગ લશ્કર છતાં રશિયન સેનાપતિ કુતુઝોવ ગભરાટમાં ફાટી પડયો નહોતો. એણે ઠંડા કલેજે એટલું જ કહેલું કે, 'ભરોસો રાખો હું દુશ્મનને એમના જ થાકેલા ઘોડાઓનું માંસ ખાવા મજબૂર કરી દઈશ.' પણ ૧૪ સપ્ટેમ્બર ૧૮૧૨ના રોજ નેપોલિયને મોસ્કો ય કબજે કરી લીધું. નવાઈ એ લાગી હતી કે શહેર સૂમસામ હતું ને પ્રતિકાર કર્યા વિના કુતુઝોવની સૂચનાથી રશિયનો ભાગી છૂટયા હતા.

પણ રશિયનોને કુતુઝોવની ધીરજ પર વિશ્વાસ નહોતો. કુતુઝોવ કહેતો 'કોઈ પણ જંગ જીતવાનું એક અમોઘ અસ્ત્ર છે : સમય. ટાઇમ ઇઝ ધ વેપન. જ્યારે તમે સંગ્રામ જીતી શકો એમ ન હો, ત્યારે અકળાયા કે ગભરાયા વિના, ચિંતાતુર થયા વિના બસ ટાઢા કોઠે સમય પસાર થવા દો, ને બને એટલી શક્તિ બચાવો, વેડફાટ ટાળો, કારણ વગરની બહાદુરી બતાવી જોખમ લેવા ધસી જવાની મૂર્ખાઈ ન કરો. સમય એકસરખો કદી રહ્યો નથી. કોઈ યુદ્ધ કાયમ ચાલી શકતું નથી. ક્યારેક તો શત્રુ થાકશે, કે કુદરતનો પ્રવાહ પલટાશે. આપણું ખરું યુદ્ધ તો ત્યાં સુધી અસ્તિત્વ ટકાવવાનું ને એ માટે ક્ષમતા વધારવાનું છે.'

આટલું લાંબુ તો એણે નથી કહ્યું. એ માત્ર ટાઇમ, એટલું જ બોલી ચૂપ થઈ જતો. પણ બાકીનું તો આપણે એ સમજીને લખેલું અર્થઘટન છે. કુતુઝોવ સાચો પડયો. આસાન વિજયોને લીધે નેપોલિયન ને એનું લશ્કર પહોળા પને પથરાયેલા રશિયામાં ઉંડે ને ઉંડે ઉતરતું ગયું, થાકતું ગયું અને રશિયાનો ક્રૂર શિયાળો ત્રાટક્યો ત્યારે હાંફી ગયું રઝળપાટથી. પછી એ માંદુ ને સામા પ્રતિકારના અભાવે નિર્ણાયક યુદ્ધ ખેંચાવાથી ખાધાખોરાકીનો પુરવઠો ગુમાવતું જતું નેપોલિયનનું લશ્કર આગળ વધવા ગયું, ત્યારે કુતુઝોવની સેના સામે એની તાકાત સાચવીને અડીખમ ઉભી હતી !

૫ ડિસેમ્બર, ૧૮૧૨ના રોજ કંટાળીને નેપોલિયન બડે આબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે જેવી સ્થિતિમાં પેરિસ ભેગો થયો. હાર્યો એમ તો ન કહેવાય કારણ કે જીત્યો હતો, પણ જીત્યો એમ પણ ન કહેવાય કારણ કે થાક્યો હતો અને છેલ્લે કશું ય નક્કર કબજે કર્યા વિના નાની મોટી અથડામણો- નુકસાન કરી ખાલી હાથે પાછો ફર્યો હતો. ૬૭ વર્ષના કુતુઝોવે વોડકા પીને ચૂપચાપ મૂછે તાવ દીધો કે નહિ એ આપણે જાણતા નથી, પણ માર્ચ ૧૮૧૩માં નેપોલિયન સામે આ ઘટના બાદ હિંમત ખુલતા ત્યારે ફ્રાન્સના દબદબા નીચે રહેલા બ્રિટન, ઓસ્ટ્રિયા, જર્મની, પ્રુશિયા, પોર્ટુગલ, સ્વીડન, સ્પેન વગેરેએ ભેગા મળી માથું ઉંચક્યું ને અંતે ફ્રાન્સને હરાવીને નેપોલિયનને એલ્બા ટાપુ ખાતે દેશનિકાલ કર્યો !

ટૂંકી વાત એટલી કે મોત સામે ઝળુંબતું દેખાય, તો ય સમયથી પહેલા હારી ન જવું. ક્યારેક પ્રતિકાર કરવાની ત્રેવડ ન હોય તો સર્વાઇવલ કેપેસિટી વિકસાવીને કપરો સમય પસાર કરતા શીખો. અરે, માની લો કે હાર જ નિશ્ચિત છે પણ એને ગળે વળગાડવાની ઉતાવળ શું છે ? એ અંદર વધી ગયેલી બીક ને ખૂટી ગયેલી હિંમત બતાવે છે.

;;;

૨૦૧૫માં ડિઝની પિકસારની એક ફિલ્મ આવેલી : ઇનસાઇડ આઉટ. સાયન્સ ને સાયકોલોજીના ઓથેન્ટિક રિસર્ચ બાદ એની સ્ક્રિપ્ટ લખાયેલી. એકદમ બચ્ચાંપાર્ટીને મનોરંજક લાગે એવી સિચ્યુએશનમાં કેટલાક લાઇફલોંગ લેસન્સ ગૂંથી લેવાયેલા. ૧૧ વર્ષની જૂનું બચપણ ને ગામ બે ય છોડતી બાળકીના ચિત્તમાં થતા ફેરફારોની કહાની હતી. બચપણના ગળપણમાં હવે જવાનીના ખાટા- તીખા- તૂરાં- કડવા બધા રસ પ્રવેશ કરવા દસ્તક દે એવા વળાંકની વાતો હતી. કથાસાર તો લાંબો થાય પણ પહેલો બોધ તો એની થીમમાં જ હતો. જેમાં મેમરીને સ્ટોર કરતાં એના મગજમાં પાંચ મુખ્ય ઇમોશન્સ ધક્કામુક્કી કરે છે. એ પંચલાગણીતત્ત્વો છે : જોય, સેડનેસ, ફીઅર, એંગર, ડિસગસ્ટ, આનંદ, પીડા, ભય, ક્રોધ અને ડિસગસ્ટ એટલે સૂગ. ન ગમવું, ચીતરી ચડે, નફરત થઈ જાય એ.

ઇનફેક્ટ, ચાર દેશની છ ઇન્સ્ટિટયૂટ (હાર્વર્ડ, યેલ સહિત)ના એક સાયકોલોજી રિસર્ચ પેપરમાં ૨૦૧૪માં 'ઇમોડાઇવર્સિટી' કોન્સેપ્ટ આપવામાં આવેલો. આ ફિલસૂફી નહોતી. હજારો લોકો પરનો એક્ચ્યુઅલ સાયન્ટિફિક રિસર્ચ હતો. જેનું તારણ એ હતું કે, એકસરખા કાયમ મોજ કે કાયમ દુ:ખ કે કાયમ ગુસ્સો જેવા પરમેનન્ટ મેન્ટલ સ્ટેટને બદલે ગુજરાતી થાળીની જેમ જે ઇમોશનના બધા જ કલર્સ જાતને છેતર્યા વિના અનુભવે છે, એ માનસિક રીતે વધુ મજબૂત થાય છે ! મોટે ભાગે બહાર તો ઠીક અંદરથી પણ આપણે જાત સાથે લડયા કરતા હોઈએ છીએ. કોઈની સુંદરતા તસવીરમાં ગમી ગઈ તો મનોમન 'છી, ગંદુ' કહીએ કે કોઈકનો બંગલો ગમે તો મનોમન જ પોતાને 'અરરર ઇર્ષાળુ' કહીએ. એને બદલે કમ સે કમ ભીતરમાં નેચરલ ઇમોશન્સ વહેવા દો. બાંધી ન રાખો. વહેવા માટે વાલ્વ ખુલ્લો કરશો તો થોડા સમયમાં કુદરતી વહી જશે ને બીજી આવશે. નહિ તો પડી પડી ગંધાઈને કાટ લગાવશે !

ફીલ કરો ત્યારે શું હોવું જોઈએ એની ફિલસૂફી ન કરો. શું છે, એની અનુભૂતિ કરો તો સતચિત આનંદ રહેશે. ભારતે જગતમાં સૌથી પહેલા નવરસ આપ્યા. એમાં એકલો શાંત કે હાસ્ય નથી. શૃંગાર તો ઠીક, બિભત્સ ને ભયાનક રસ પણ છે. જો દુનિયા એક રંગમંચ છે એમ શેકસપિયર કહે તો ભરતમુનિ મુજબ આપણા પાત્રમાં નવેનવ રસમાં રસ લેવાનો છે. આ ય બધા પાછા 'રસ' છે. ખરાબ નથી ! કોઈ ઇમોશન એમ જ કુદરતે મૂકી નથી. ડર, ફીઅરનો ય એક રોલ છે. જે મુસીબતોમાંથી બચાવે છે. શરીર- મનને સાવધ કરે છે. આડેધડ નિર્ણયો લેતા અટકાવે છે. ખોટી મંઝિલે ભટકાતા પહેલાં ચેતવે છે. આપણને 'સખણા' રાખે છે.

માણસ માત્રને મૂળ તો જીવનમાં શું જોઈએ ? સુખ. હેપિનેસ. જીવનનો ભાર ખેંચવાનું ચાલક બળ એની તલાશ કે અનુભવ તો છે પણ જોય એટલે ખુશી એ જ સુખ છે ? ગમે તેવો આનંદી માણસ પણ સતત પ્રસન્ન રહી ન શકે. સ્વજન ગુમાવવાથી લઈ શારીરિક વેદના સુધી ઘણી વાતે મૂડ ગૂડ ન રહે. ઇટ્સ ફાઇન. નાના ભૂલકાંઓ રડે ય છે ને હસે ય છે. ઇનફેક્ટ, બચ્ચાં રડે નહિ તો શ્વસન સરખું ચાલે ય નહિ. સતત પોઝિટિવ બન્યા જ કરે બધું, એ લાઇફ નથી. એમાં તો ઘણું અણધાર્યું દુ:ખદ બનશે જ. ભલભલા લોકોના જીવનમાં બન્યું છે. તમે એના રિએક્શન બાબતે જરૂર પોઝિટિવ રહી શકો. કે ક્યારેક નેગેટિવ પણ કોવિડની જેમ થવું એ સારું. આઇપીએલમાં ય દરેક દડે ચોક્કા છક્કા ન લાગે. તો આઉટ થઈ જવાય. અમુકમાં બીટ પણ થવાય ને અમુક રમ્યા વિના જતા ય કરવા પડે. કેવળ ખુશી તો કોઈ સાયકોને ખૂન કે બળાત્કારમાં ય મળે એટલે બીજાને દુ:ખી કરીને મળતું સુખ ક્રાઇમ પણ હોઈ શકે !

એટલે ફિલ્મમાં એ બતાવાયું કે નવેનવ રસની જેમ દરેક ઇમોશનનો ય એક રોલ છે. ગુસ્સો. ક્યારેક તમને જોશથી લડવાનો ઉત્સાહ પણ આપે. ગુસ્સો ઉતાવળ કરાવે ત્યારે ડર બ્રેક મારી ઠેકાણે ય રાખે. ડર બહુ બીવડાવે તો મોજ હળવા ય કરી દે ! પોઝિટિવિટીનો અર્થ એવો નહિ કે નેગેટિવિટીનો ઇન્કાર. તમે ન ઇચ્છો તો ય કોઈને કોઈ નેગેટિવ સિચ્યુએશન તો રામ, કૃષ્ણ, 

જીસસ, મોહમ્મદ, મહાવીર, બુદ્ધ, ગોવિંદસિંહ બધાના જીવનમાં ચેલેન્જની જેમ આવીને ઉભી જ છે. અજવાળું- અંધારું, દિવસ- રાત, પ્રકાશ- પડછાયો, દીવો- મેશ

કોઈ જુદી જુદી ઘટનાઓ નથી. એક જ ઘટનાના જુદા જુદા સ્વરૂપ છે. જેમ જન્મ અને મૃત્યુ.

ક્યારેક સેડનેસ, પીડા, ઉદાસી પણ ઉપયોગી છે. કશુંક ગુમાવ્યાના 'લોસ'ને ય જીરવવામાં કોઇને કોઈ ભાગીદાર બને, મદદ કરે કે આપણી અંદર ડોકિયું કરવાનો મોકો મળે ત્યારે એની એકદમ 'ડીપ મેમરી' બને છે. પીડા દૂર કરી દે કોઈ એ ચમત્કાર કલ્પના છે. પણ પીડામાં કોઈ ભાગીદારી કરે એ વાસ્તવ છે. આપણે કોરોનાકાળ જેવી કટોકટીમાં કહીએ છીએ કે ઇશ્વર જેવું કશું છે કે નહિ ?' પણ એ તો આપણી ધારણા છે કે ઇશ્વરે જો એ હોય તો આમ જ કરવું જોઇએ. કારણ કે આપણે ધારી લીધી છે કોઈ વાર્તા આપણા સુખચેનશાંતિ માટે. પછી ફરિયાદો થાય કે આવા સારા માણસ સાથે આમ કેમ થયું ? આવા ખરાબ સાથે આમ કેમ ન થયું ?

કદાચ એ પાછળની અફાટ અકળ લીલા આપણે જાણતા નથી. કે કલનગણિતના કોયડાની જેમ કામગીરીના ગૂંચળા સમજાતા નથી. કદાચ એનું કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ લોજીક જ નથી. બધું આપણા મને દોરેલું ગુલાબી ચિત્ર છે. જે ઘણીવાર નિર્દયી હકીકત થોડા સમય પૂરતું વિખેરી નાખે છે. ઘણા રેશનલ લોકોની દ્રષ્ટિએ તો બધી ઘટનાઓ અકસ્માત છે, પછી ફળદ્રુપ ભેજું એમાં તર્ક બેસાડી દે છે. એની વે, આ ચર્ચા સૂતરફેણીનો તાર છે. ગમે તેટલો લંબાવો એનાથી તૂટેલું બટન ટાંકી ન શકાય.

પણ જીવનમાં જે નેગેટિવ- અનકમ્ફર્ટેબલ ફીલિંગ્સ થાય છે, એનો એક રોલ છે. આપણને ક્લીયર વિચારતા કરવાનો. નિર્ણયો મજબૂત ને સાચા બનાવવાનો અને ખતરાને ઓળખતા શીખવાડવાનો. બીજા સાથે કનેક્ટ થવાનો, કોઈ ખોટ પૂરી કરવા પ્રવૃત્ત થવાનો. દુ:ખ જીરવવાની, વહેંચવાની, એમાંથી પસાર થવાની પ્રેક્ટિસ પડે, તો જ લોંગ ટર્મ ડિપ્રેશન ન આવે. એટલે જ ચાલતા ઘરે ગયેલા મજૂરોમાંથી કોઇએ આપઘાત ન કર્યો, પણ સુશાંતે કર્યો. ક્યારેક એક પીડા બીજી પ્રેરણા બને છે. વરતેજ ગામમાં રહેતા ચેતન સાકરિયાના ભાઈએ કોઈ કારણથી એ સૈયદ મુશ્તાક ટ્રોફી રમતો હતો, ત્યારે આપઘાત કર્યો. પરિવારે ચેતનને ૧૦ દિવસ વાત ન કરી. પછીના મહિને આઈપીએલનો ૧.૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો, જેમાં એ ઝળક્યો. એક ભાઈના અકાળ અપમૃત્યુની ગમગીની, એક ભાઈના દમદાર પરફોર્મન્સની ખુશહાલી બેઉ એક સાથે બની. ડિટ્ટો હાર્દિક પંડયા-કૃણાલ પંડયાના પિતાનું મૃત્યુ ને એક દીકરાની ઘેર દીકરો, બીજાનો ગ્રાઉન્ડ પર સારો દેખાવ ! એટલે ખીલતે હૈ ગુલ યહાં ખીલ કે બીખરને કો, મિલતે હૈ દિલ યહાં, મિલ કે બિછડને કો ! અંતે તો બધા જ પ્રવાસીઓ છીએ.

ઇનસાઇડ આઉટના ડાયરેકટરે એવું કહેલું કે 'ઇમોશનલ ડ્રામા કરવાને બદલે, સારા-ખરાબના જજમેન્ટ વિના આપણી અંદરની લાગણીઓને નીરખ્યા કરવાથી યોગ્ય પ્રતિભાવ આપી શકાય.' આ જ તો છે સાક્ષીભાવ ભગવદ્ગીતાનો. પણ એવું ય નથી કે વિટનેસ જ થયા કરવાનું. હોસ્પિટલની દોડાદોડી, પછી મરણ થાય તો અંતિમક્રિયા ને અન્યોને સાચવવાની મથામણ આ પ્રવૃત્તિ પણ ક્યારેક શોકને સહન કરવામાં મદદરૂપ નીવડે છે. એક્ટિવ બહુ હો ત્યારે ફીલિંગ સાઇડટ્રેક થઇ જાય.

ઘણીવાર કશુંક ગુમાવો પછી જ એની કિંમત થાય. હમણા સુધી જે બહાર હરવા ફરવાનું, રેસ્ટોરાં-સિનેમા વગેરે રૂટિન લાગતું હતું, એ આજે કેવું સ્પેશ્યલ લાગે છે ? માર્ક મેન્સનનું ક્વોટ છે : 'ક્રાઈસીસ લોકોને બદલતી નથી, પણ જેવા હોય છે એને એમ્પ્લીફાય કરે છે' યસ, કોવિડની મહામારીએ બધાના ડિફોલ્ટ સેટિંગ ઉઘાડા પાડયા. ધમાલિયા વધુ ધમાલિયા થયા. સાચુકલા વધુ સાચુકલા થયા. લુચ્ચા વધુ લુચ્ચા દેખાય. તકસાધુ સ્વાર્થીઓની પાવર-પૈસાની લાલસા એક્સપેન્ડ થઇ ગઇ તો આશાવાદી આનંદી લોકોની લહેર ને સેવાભાવીઓની માનવતા પણ હાઇલાઇટ થઇ. લોકોને આરોગ્ય અને આર્થિક બાબતોનું મહત્વ સમજાયું, એ ય મોટું ફળ. ને ટેકનોલોજી સાયન્સ કોઠે પડી ગયું ઘણું એ ફાયદો.

આ બધું થયું એનું કારણ છે : જીંદગીની કિંમત સમજાઈ ગઈ. હવે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ વણસી ગઇ ત્યારે ય મૂંઝાવાનું નથી. બસ સાવચેત અને સ્થિર રહેવાનું છે. સાચાખોટાને ઓળખી જવાના છે. હજુ યે જો દેશના નામે, ધરમના નામે, સંસ્કૃતિને નામે, નફરતના નામે, પ્રાચીન વારસાના નામે પોતાની ધંધાદારી દુકાનો ચલાવી જગતભરમાં બ્રેઇનવોશિંગ કરનારાઓને ઓળખી ન લો ને એના હાથા બનો, તો પેન્ડેમિક કરતા વધુ ખતરો માનવજાત અંદરોઅંદર લડી મરે એનો છે ! કોરોના એ તો પૂરા એક વર્ષનો નોટિસ પિરિયડ આપીને પોતાનું રૌદ્ર રૂપ દેખાડયું છે. નેતાઓ ને પ્રજા બંનેને એણે તૈયારી કરવાનો, ફાંકાફોજદારી કે બેદરકારીમાંથી સુધરવાનો સમય આપેલો. ને હજુ ય વિકરાળ દેખાય એટલો થયો નથી. રિકવરી રેટ વધુ છે. પણ એ પછી ય ગપ્પાષ્ટકો ઓળખ્યા વિના એવા ને એવા જ હોઈશું તો કોઇક બીજી આફતનો મુકાબલો કરવો પડશે ! કેટલીક વખત ડરી ડરીને મોત પહેલા મરતા રહેશો ?

* * *

ફીઅરનું દવા જેવું છે. માપમાં પાંચ દિવસનો કોર્સ લો તો ફાયદો. પણ આખી બોટલ એકઝાટકે ખાલી કરો તો આઈસીયુમાં. ડર વધી જાય જરૂર કરતા ત્યારે ડેન્જર બને છે. પછી પરીક્ષા હોય કે પ્રણય. જ્યારે માણસે માણસ બનીને અદ્રશ્ય વાઇરસ જેવી આફતનો મુકાબલો કરવાનો હોય ત્યારે પહેલું કામ ટીમવર્ક-સહકારનું જોઇએ. રાતોરાત ખાટલા મૂકી શકાય, નર્સિંગ કેરનો સ્ટાફ નહિ. ડર વધે તો પેનિક યાને અફરાતફરી વધે. સ્વાર્થીપણુ વધે. તો હ્યુમન ચેઇન એકબીજાના ટેકે અર્થતંત્રની પણ બની હોય એ ખોરવાઈ જાય. રાજકારણીઓને, ભારતના શું જગત આખાની પ્રજા કોઇને કોઇ ડરમાં જીવે એ બહુ ગમે. કારણ કે, ડરનો અતિરેક તમારી વિચારવાની ક્ષમતા જ ખતમ કરી નાખે. પછી કાલ્પનિક વાતોમાં તણાઈ જવાનું થાય. નેગેટીવિટી વધે તો કાં નિષ્ક્રિય બનાવે, કાં નાલાયક બનાવે.

એટલે હાયહાય અરરર કરીને ભયભીત બનવા કરતાં બહેતર સોલ્યુશન છે : સાચું જ્ઞાાન. રિયલ નોલેજ થોડોક ઇગો આપણી માન્યતાઓનો ફુગ્ગો ફોડે એમાં હર્ટ કરે, પણ જ્ઞાાન હંમેશા ભય ઘટાડે. ચિત્તને અશાંતમાંથી શાંત કરે. કોઇ વ્હાલી વ્યક્તિનો ફોન અચાનક બંધ આવે તો કેવો ઉચાટ થાય ? અને પછી એમાં લોકેશનથી સબસલામત મેસેજ આવે તો કેવી રાહત થાય ? આવું જ અજ્ઞાાનના ડર ને જ્ઞાાનની કિંમતનું સમજવું. આપણે એક પરેશાન નથી. બધા પોતપોતાની રીતે લડે છે. તો શાંતિથી પરીસ્થિતિ પસાર થવા દેવી, સાવચેતીથી થોડો સમય ધીરજ રાખી વધુ મુકાબલા માટે શક્તિ એકઠી કરવી. આવા દરેક, આથી ય ભીષણ કઠણ કાળમાંથી આપણા પૂર્વજો વગર સાધને ય બચી ગયા, એટલે તો આપણે પેદા થયા. સો ચીઅર.

મરમી મિત્ર સુભાષ ભટ્ટે એક કથા લખેલી. આસ્થા નામની છોકરીની મા ગુજરી ગઈ ને પૈસાની તકલીફ એમાં એ ધન ને મન બંનેથી ભીંસ અનુભવતી તનનું સ્વાસ્થ્ય ગુમાવતી હતી. એક તો પૈસા નહોતા, તબિયત સારી નહોતી. એકલતા ને એમાં એની પાંચસોની નોટ ખોવાઈ ગઈ. એણે પાડોશમાં પુછ્યું. રમતા બાળકોને પૂછ્યું, પાર્કિંગમાં જઇ પૂછ્યું, શેરીમાં જઇ પૂછ્યું. પણ કોઇને એ જડી નહોતી. મનોમન મરવાના વિચાર જેટલું દર્દ અનુભવતી એ બહાર ગઈ. સાંજે ઘેર આવે છે. ને પછી ઘરનો દરવાજો ખખડાવીને એક વ્યક્તિ આવે છે, જે એને પાંચસોની નોટ આપે છે. ચાલવા જાય છે, ત્યાં બીજી સ્ત્રી આવી વધુ નોટ આપી જાય છે. વળી એક પુરૂષ પગથિયે મળે છે. એ ય બોલાવી એને પાંચસો આપે છે. આસ્થા રાત્રે ભાવથી રોઈ પડે છે. કારણ કે, એની નોટ તો પથારી નીચેથી એના ઘરમાં સફાઈ કરતાં બહેને શોધી આપેલી ! મતલબ, એને ખબર નહોતી એવી વ્યક્તિઓ એને પસંદ કરે છે, ચાહે છે, કાળજી લે છે, કરૂણા અનુભવે છે, મદદ કરે છે. એને રાજી રાખવા થોડું ઘસાય છે !

એ ૫૦૦ના ૩૫૦૦ આપવાવાળા હતા પ્રેમ, નિષ્ઠા, મૈત્રી, સત્ય, સૌજન્ય, સંવેદના, આનંદ એ આસ્થાએ જ એના જીવનમાં, વર્તનમાં બીજા કોઈ સાથે વહેંચેલા. જેનો પડઘો એને મળ્યો !

બસ, તો લાગણીથી જીવનમાં કોઇને સ્પર્શ્યા હશો તો તો મર્યા પછી ય મરી નહિ જાવ. જીવંત રહેશો ! કમ ઓન, ફાઈટ. સ્માઇલ. રિલેક્સ.

ફાસ્ટ ફોરવર્ડ

''ન કોઈ મિત્ર છે, ન કોઈ શત્રુ છે. બધા જ અંતે તો આપણા શિક્ષકો છે !'' (જૂહી ચાવલાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drWBHl
Previous
Next Post »