પર્વતારોહકો માટે જીવસટોસટની બાજી બની જતો માઉન્ટ એવરેસ્ટનો 'ડેથ ઝોન'


દુ નિયાનું દરેક સાહસ માનવી પાસે એક કિંમત માગે છે. એ કિંમત ચુકવવા પ્રત્યેક સાહસિકે તૈયાર રહેવું પડે છે. વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટનો જ દાખલો લો. એવરેસ્ટ સર કરવાની દરેક પર્વતારોહકની મહત્ત્વાકાંક્ષા હોય છે પણ એ માટે એણે મોત સામે ઝઝુમવાની તૈયારી રાખવી પડે છે. એવરેસ્ટ પરના આરોહણ દરમ્યાન ૮૦૦૦ મિટર ઉંચાઈ પરના કેમ્પ અને ૮૮૪૮ મિટર ઉંચા શિખર વચ્ચે મોતના કુવા જેવો એક ખતરનાક પટ્ટો આવે છે.

પર્વતારોહકોમાં આ પટ્ટો 'ડેથ ઝોન તરીકે જાણીતો છે. હજુ બે વરસ પહેલા જ ૨૦૧૯ની ૧૪ મેથી ૨૭ મે વચ્ચેના સમયગાળામાં આ ડેથ ઝોન ૧૧ પર્વતારોહકોને ભરખી ગયો હતો, જેમાં ૪ ભારતીયો હતા. નવાઈની વાત એ છે કે પર્વતારોહકોએ જેમાં જીવ ગુમાવ્યા એ સમયગાળો પર્વતારોહણ માટે સૌથી અનુકુળ મનાય છે. સ્પ્રિંગ ક્લાઇમ્બિંગ સિઝન તરીકે જાણીતી એ ગાળામાં ઋતુ એકદમ કહ્યાગરી કન્યાની જેમ વર્તે છે.

મુંબઈના ૨૬ વર્ષના યુવાન પર્વતારોહક પાર્થ ઉપાધ્યયે એ સ્પ્રિંગ ક્લાઇમ્બિંગ સિઝનમાં જ ૨૩ મે ૨૦૧૯ ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર વિજયપતાકા ફરકાવી હતી. દુનિયાના સૌથી ઉંચા શિખર પર પહોંચીને પાર્થ રાજીનો રેડ થઈ ગયો. પછીથી ૧૫ મિનિટ એણે એક પછી એક સેલ્ફી લેવામાં અને એવરેસ્ટ પરથી સૂર્યોદયનો અદ્ભુત નજારો જોવામાં ગાળી. છેલ્લા ૫ વર્ષથી પાર્થ એવરેસ્ટ પરના સફળ આરોહણની વાટ જોઈ રહ્યો હતો. હવે એણે શિખર પરથી ઉતરી બેઝ કેમ્પ સુધી જ પહોંચવાનું હતું. પરંતુ ઉતરાણની ૧૦ જ મિનિટમાં એનો હર્ષ ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. એની આંખ સામે પર્વતારોહકો મરી રહ્યા હતા.

એ ઘટનાને યાદ કરતા પાર્થ ઉપાધ્યાય કહે છે, 'મારા માટે એ ખરેખર આઘાતજનક હતું. એવરેસ્ટ પરથી નીચે ઉતરતી વખતે મેં મારા બે સાથી પર્વતારોહકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. હજુ થોડી મિનિટો પહેલા જ હું જ્યાંથી પસાર થયો હતો એ જ પર્વતની ધારપરથી પગ લપસતા એક જણે જીવ ગુમાવ્યો. જ્યારે યુએસનો માઉન્ટેનિયર (પર્વતારોહક) ડેવિડ કેશ ૮૭૯૦ મિટર ઉંચા હિલેરી સ્ટેપ પરથી અમે પસાર થયા ત્યારે જ છેલ્લા શ્વાસ લઈ ચુક્યો હતો. એ બંને મારા મિત્રો જેવા થઈ ગયા હતા અને અમે આરોહણની શરૂઆત કરી એ પહેલા બેઝ કેમ્પમાં સાથે બેસીને બિયર પણ પીધો હતો. એમના મોતથી હું ખિન્ન થઈ ગયો હતો.'

કેમ્પ ૪ થી ટોપ સુધીના ૮ થી ૧૦ કલાકના ચઢાણમાં એક એક ડગલુ ભરવુ ઉપાધ્યાય માટે મોટો સંઘર્ષ બની ગયો હતો. '૮ થી ૧૦ ડગલા આગળ વધ્યા બાદ હું દરેક વખતે થોડી ક્ષણો શ્વાસ લેવા રોકાતો અને ફરી આગળ વધતો. આ રીતે આગળ વધતા વધતા મારું ચઢાણ સાવ ધીમુ પડી ગયું. તમે કદાચ નહિ માનો પણ ૭૨૦૦ મિટર ઉંચા કેમ્પ ૩ પર પહોંચ્યા બાદ મને શૂઝની દોરી છોડી શૂઝ કાઢતા પુરી ૧૫ મિનિટ લાગી હતી. એના પરથી મારી શારીરિક અવસ્થાનો તમે અંદાજ લગાવી શકો છો.

ઓક્સિજનનું માસ્ક પહેર્યું હોવા છતાં હું દર સેકન્ડે હાંફતો હતો. છેલ્લા ૩ વર્ષ મેં એવરેસ્ટ આરોહણ માટે ફિજીકલ ફિટનેસ મેળવવા આકરી મેહનત કરી હતી. રોજ મળસ્કે ૩.૩૦ વાગે બેકપેકમાં ૨૫ કિલો વજન ભરીને હું ટેકરીઓ ચડવા માંડતો. મારા મગજને ફોકસ રાખવા પ્રાણાયામ અને ધ્યાન કરતો. આકરા વર્કઆઉટ દરમ્યાન મારા હૃદયના ધબકારા ૧૨૦થી ૧૩૫ વચ્ચે રહે એની હું ખાસ કાળજી લેતો. મને લાગે છે કે ડેથ ઝોનના સૌથી ભયંકર પટ્ટામાંથી ઉતરવામાં મને એ બધુ કામ લાગ્યું,' એમ મુંબઈનો યુવાન સાહસિક પોતાનો અનુભવ વાગોળતા કહે છે.

અલબત્ત, પાર્થ ઉપાધ્યાયને એવરેસ્ટના ચઢાણ કરતા ઉતરાણ વધુ મુશ્કેલ બની રહ્યું. એના શરીરમાં પાણી ઓછુ થઈ જતા એને આકરુ ડિઝાઈડ્રેશન થઈ ગયું. એ સૌથી આકરા તબક્કાને યાદ કરતા ઉપાધ્યાય કહે છે, 'હું શારીરિક અને માનસિક રીતે એકદમ થાકી ગયો હતો. મને એવું થતું હતું કે જાણે મારો દેહ મારો સાથ છોડી રહ્યો હતો અને હું ધીમે ધીમે મોત તરફ આગળ વધી રહ્યો હતો.

એ વખતે મેં જીવવાની આશા છોડી દઈ મારા શેરપાને કહી દીધું હતું કે તુ મને અહીં છોડીને આગળ વધી જા. એ સાંભળી શેરપાએ મને તમાચો ચોડી દીધો. સદનસીબે, ત્યાંથી પસાર થતા એક પર્વતારોહકે મને પાણીની બોટલ આપી અને હું ઉગરી ગયો. ખરું પૂછો તો ડેથ ઝોન તરફ પ્રયાણ કર્યાના ૪૮ કલાક પહેલા ૭૦૦૦ મિટરની ઉંચાઈ પર મેં ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું.'

એવરેસ્ટ પર આહોરણ કરવા નીકળતા દરેક માઉન્ટે નિયરે જીવન અને મૃત્યુ વચ્ચેની આ જંગમાંથી પસાર થવાનું આવે છે. એનું કારણ સમજાવતા મુંબઈની એક નામાંકિત પ્રાઇવેટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કહે છે, 'સમુદ્રની સપાટી પર આપણું શરીર એકદમ બેસ્ટ રહે છે કારણ કે એને અહીં ૨૧ ટકા જેટલું વધુ ઓક્સિજન મળી રહે છે. પરંતુ ડેથ ઝોન જેવા વિસ્તારમાં એનાથી માંડ ચોથા ભાગના ઓક્સિજન પર ટકી રહેવાનું હોય છે.

એની શરીર, મગજ, હૃદય, સ્નાયુઓ અને ફેફસા પર બહુ માઠી અસર થાય છે. તમે ઓક્સિજન લેવા જોરજોરથી શ્વાસ લેવા લાગો છો અને એમાં તમારા હૃદયના ધબકારા વધીને મિનિટના ૧૪૦ થી જાય છે એ વખતે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.'

૮૦૦૦ મિટરની ઉંચાઈ પર કલાકના ૧૪૦ કિમીની ઝડપે કાતિલ પવન ફુંકાય છે, તાપમાન માઇનસ ૬૦ ડિગ્રી સેસ્લિયસની નીચે ચાલ્યુ જાય છે અને બરફાચ્છિત પર્વતોનું હવામાન એકદમ ફાંટાબાજ બની જાય છે. મોસમ એકાએક વિષમ રૂપ ધારણ કરી લે છે અને પર્વતારોહકોની ચાલ પા-પા ગલી ભરવા જેટલી ધીમી થઈ જાય છે. એને થાક, ડિઝાઇડ્રેશન, હિમડંખ, સ્નો બ્લાઇન્ડનેસ અને ઉંચાઈ પર અનુભવાતી બીજી અનેક તકલીફો ઘેરી વળે છે. ૮૦૦૦ મિટરની હાઇટ પર મગજને પણ અસર થાય છે.

'બ્રેઇનને પુરતો ઓક્સિજન ન મળે તો એને સોજો આવવા માંડે છે. એને લીધે વ્યક્તિને ચક્કર આવે છે, ઉલ્ટી થાય છે અને એને વિચારવામાં તથા તર્ક કરવામાં પણ મુશ્કેલી પડે છે,' એમ પૂણેના અનુભવી પર્વતારોહક ઉમેશ ઝિર્પે કહે છે એટલે જ અનુભવી પર્વતારોહકો એવરેસ્ટ આરોહણ દરમ્યાન ૨૪ કલાકમાં જ ડેથ ઝોનનું ચઢાણ પુરુ કરવાનો પ્રયાસ કરે છે, જેથી શારીરિક અને માનસિક તકલીફો બને એટલી નિવારી શકાય.

અલબત્ત, કોઈ પણ પ્રકારની તાલિમ વિના માત્ર નામ અને પ્રસિદ્ધિ માટે નીકળી પડતા સેંકડો લોકો જ્યારે એવરેસ્ટ ઉપર 'ટ્રાફિકજામ' સર્જે છે ત્યારે નિષ્ઠાવાન અને અનુભવી માઉન્ટેનિયરો પણ નિસહાય બની જાય છે. હજુ બે વર્ષ પહેલા જ આવા ૩૦૦ થી વધુ ટ્રેકર્સે એવરેસ્ટ પર આવો જ ટ્રાફિક જામ સર્જયો હતો. એ વખતે પર્વતાધિરાજ પર ટ્રેકરોની લાંબી લાઈન દર્શાવતી તસવીરો સોશ્યલ મિડીયા પર વાયરલ થતા લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી.

૫૮ વર્ષના પર્વતારોહક શરદ કુલકર્ણી એ વરવુ દ્રશ્ય જીવનમાં ક્યારેય નહિ ભુલે. કેમ્પ ફોર અને અંતિમ શિખર વચ્ચેનું અંતર પાર કરવામાં એટલો વિલંબ થયો કે કુલકર્ણીના પત્ની અંજલિ (૫૪) એ પોતાનો જીવ ગુમાવ્યો. એમના જણાવવા મુજબ અંજલિના શરીરમાં ઓક્સિજન સાવ ઓછુ થઈ ગયું હતું અને શિખર આસપાસની ભીડે એમનો ભોગ લીધો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aj12Cn
Previous
Next Post »