કલ્યાણવાદી રાજ્યો (વેલ્ફેર સ્ટેટસ) તરફ આગળ વધી રહેલું સમગ્ર વિશ્વ


- અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

- ભારત સમાજવાદી ગણાતું હતું પરંતુ ૧૯૯૧ પછી તે મિશ્ર અર્થકારણ પર ચાલે છે

જગત જમણેરી થતું જાય છે પરંતુ અત્યારે જગત કોઈ શુદ્ધ વિચારસરણી પર ચાલતું નથી. સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ અને એકાધીકારવાદ (મીલીટરી કે સીવીલીયન ડીકટેટરશીપ)માં જુદી જુદી વિચારસરણીઓની ભેળસેળ થઈ ગઈ છે. લોકશાહીમાં ધર્મ ભળ્યો છે, ચીનની સરકાર સામ્યવાદી ગણાય પરંતુ તેના અર્થકારણમાં મૂડીવાદીનો મોટો ફાળો છે. ભારત હજી સુધી પોતાને સમાજવાદી ગણતું હતું પરંતુ ૧૯૯૧ પછી તે મીશ્ર અર્થકારણ પર ચાલે છે. અમેરીકાનો મૂડીવાદ જે નીઓલીબરાલીઝમ હેઠળ ચાલી રહ્યો હતો તે મુક્ત વ્યાપારનો સમર્થક છે પરંતુ હવે તે વિદેશી વ્યાપાર પર નિયંત્રણો મુકે છે અને ચીનને હરાવવા માંગે છે. સમાજવાદની ટોપી સૌ કોઈ પહેરે છે તેથી સમાજવાદનું લેબલ હાલના રાજકારણને વાણી વિલાસ બનીને નિરર્થક થઈ ગયું છે.

મૂડીવાદના અનેક સ્વરૂપો જગતમાં પ્રગટયા છે. દા.ત. ડેન્માર્ક, નોર્વે, સ્વીત્ઝલેન્ડ, સ્વીડન, હોલેન્ડ વગેરે દેશોમાં મૂડીવાદ કલ્યાણવાદી રાજ્યના સ્વરૂપે પ્રગટયો છે તો અમેરીકામાં તે આક્રમક સુપર કેપીટાલીઝમ રૂપે પ્રગટયો છે અને ભારતમાં તે હિન્દુત્વના મીશ્રણવાળા ક્રોની કેપીટાલીઝમ સ્વરૂપે પ્રગટ થયો છે. બ્રીટનમાં સમાજવાદ નિષ્ફળ ગયો છે. મૂડીવાદ અન્યાયી હોવા છતાં જગતમાં ટકી રહ્યો છે. કારણ કે તેણે લોકશાહીને પોતાની સાથે રાખી છે. સામ્યવાદે લોકશાહીને જાકારો આપ્યો અને તે બદલાયો નહીં તેથી સોવિયેટ રશિયામાં તે તૂટી પડયો. ચીનમાં લોકશાહી નથી છતાં તે ટકી રહ્યું છે અને વિકાસ કરી રહ્યું છે. કારણ કે તેનું અર્થકારણ પૂર્ણ સામ્યવાદી નથી પરંતુ ત્યાંની સરકાર મૂડીવાદનું આંશીક રીતે સમર્થન કરે છે. ભારતમાં પશ્ચિમ જગતની બહુરાષ્ટ્રીય કંપનીઓ છે તેના કરતા પણ ચીનમાં તેઓની સંખ્યા ઘણી વધારે છે. ચીન વ્યવહારૂ દેશ છે.

રાજકારણમાં ધર્મનો મુદ્દો : ધર્મ વિચારસરણી નથી કારણ કે તમામ રાજકીય વિચારસરણીઓ દુન્યવી છે અને તે લોકોને આ જગતમાં પડતા દુઃખોને દૂર કરવા માટે સામાજીક, આર્થિક અને રાજકીય પરિવર્તન કરવા માંગે છે. જ્યારે ધર્મ પરલોકના આભાસી જીવનમાં માને છે અને તેની ચિંતા કરે છે.ધર્મની સૌથી મોટી નબળાઈ એ છે કે તે સમાજ જીવનને સારૂં બનાવવા સામાજીક કે રાજકીય ક્રાંતિને પ્રોત્સાહિત કરતું નથી પરંતુ તે વ્યક્તિને બદલવાનું કરે છે અને તે માટે સંયમ, ધ્યાન, તપ, દર્શન, દાન, બ્રહ્મચર્ય, ધર્મગુરૂની સેવા કરવી વગેરે પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરે છે. ધર્મ એન્ટી રીવોલ્યુશનરી છે. સમાજને નહીં પરંતુ તમારી જાતને બદલો અને સાંસારીક તૃષ્ણાનો ત્યાગ કરો તેવો ધાર્મિક સંદેશ 'કોર્ન્ઝવેટીવ' દ્રષ્ટિબીંદુ રજૂ કરે છે. તેથી સામાજીક શોષણ ચાલુ રહે છે. ધર્મ ખેતીયુગની પેદાશ છે. જગતની કેટલીક વિચારસરણીઓમાં ધાર્મિક ઝનૂન પ્રવેશી ગયું છે. ભારતના રાજકારણમાં પણ ધર્મ પેસી ગયો છે અને ઈસ્લામીક ફન્ડામેન્ટાલીઝમે તો આખાય જગતમાં કાળો કેર વર્તાવ્યો છે કારણ કે તે ધર્મ નહીં રહેતા એક રાજકીય વિચારસરણી બની ગયો છે. સામાજીક રીતે ઈસ્લામીક ફન્ડામેન્ટાલીઝમ જગતને અંધકાર યુગમાં લઈ જવા માંગે છે. જ્યારે ભારતમાં હિન્દુકરણના આંદોલનો સીક્યુલર રાજકારણને નુકશાન કરી રહ્યા છે. અર્થકારણના નીઓલીબરાલીઝમ જેને મૂડીવાદનું આત્યંતિક સ્વરૂપ (ફન્ડામેન્ટાલીસ્ટ કેપીટાલીઝમ) ગણી શકાય તે જગતમાં પ્રસરી રહ્યું છે. જગતમાંથી દારૂણ ગરીબોની સંખ્યા ઘટતી જાય છે પરંતુ જગતમાં આર્થિક અને સંપતીની અસમાનતા વધતી જાય છે. આ ગંભીર પ્રશ્નનેની નીઓલીબરાલીઝમ જરાય ગંભીર ગણતું નથી.

ઉપસંહાર : ભવિષ્યનું જગત અત્યારના સ્કેન્ડેનેવીઅન દેશોમાં પ્રર્વતમાન કલ્યાણવાદી રાજ્યો તરફ આગેકૂચ કરશે તેમ લાગે છે. તે મીશ્ર અર્થકારણમાં, મોર્ડન ટેકનોલોજીમાં તેમજ લોકશાહીમાં માને છે. અત્યારના જગતને ગાંધીઅન કે સર્વોદયી રાજકારણ/અર્થકારણ સ્વદમનકારી લાગે છે અને અવ્યવહારૂ પણ લાગે છે. વાતાવરણના પ્રદૂષણનો પ્રશ્ન આધુનિક જગત કરકસરિયા જીવનમાં નહીં પણ રીન્યુએબલ ટેકનોલોજી જુએ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dxNH9R
Previous
Next Post »