- કોઈ પણ ફિલ્મ સાઇન કરવા પહેલાં તેમાં મારી ભૂમિકા કેવા પ્રકારની એ અંગે વિચારવાનો મુદ્દો સૌથી મહત્ત્વનો હોય છે અને એ ભૂમિકા હું કઈ રીતે ભજવી શકીશ એ પણ અગત્યનું હોય છે.
ગુ જરાતી પીઢ અભિનેત્રી સુપ્રિયા પાઠકે તેમની અભિનયક્ષમતાથી માત્ર ગુજરાતી રંગભૂમિ જ નહીં, પણ હિન્દી ફિલ્મોના દર્શકો પર પણ મોહિની પાથરી છે. આ વર્ષે પણ તેમની ઘણી ફિલ્મો આવી રહી છે, જેમાં 'તુફાન', 'મિમી', 'રશ્મી રોકેટ', 'બિગ બુલ' અને 'મનોહર પાંડે' મુખ્ય છે. નિસ્પાલ સિંહ અને સુરિન્દર સિંહના નેતૃત્વ તળેની સુરિન્દર ફિલ્મના બેનર તળે બની રહેલી ફિલ્મ 'મનોહર પાંડે'નાં શુટિંગમાં સુપ્રિયા પાઠક અત્યારે વ્યસ્ત છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર-દિગ્દર્શક કૌશિક ગાંગુલી સાથે સુપ્રિયા પાઠકે અત્યારે સહકાર સાધ્યો છે. કૌશિક ગાંગુલીએ 'નગરકીર્તન', 'અપુર પાંચાલી', 'બિસોર્જન', 'શબ્દો', 'લેપટોપ' અને 'છોટોદર છોબી' જેવી ફિલ્મો બનાવી છે. અહીં સુપ્રિયા પાઠકે તેમની આગામી ફિલ્મો, થિયેટરો ભણી દર્શકોનો અભિગમ કેવો રહેશે, જેવી અનેકવિધ બાબતો અંગે વાતો કરી છે, જે અહીં પ્રસ્તુત છે..
દિગ્દર્શક કૌશિક ગાંગુલીની આગામી ફિલ્મ 'મનોહર પાંડે'નું નામ કામચલાવ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે એમ કહી સુપ્રિયા પાઠક જણાવે છે, ફિલ્મની વાર્તા એવી છે જેની સાથે કોઈ પણ સંકળાઈ શકે છે. મેં પહેલી વખત ફિલ્મની પટકથા વાંચ્યા પછી મને એ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા જાગી કેમ કે ફિલ્મની વાર્તા ઘણી સંવેદનશીલ અને હૃદયસ્પર્શી છે. એક વાંચક તરીકે મેં પટકથા વાંચવામાં અનેરો આનંદ મેળવ્યો. આ ફિલ્મમાં જે કલાકારોની પસંદગી કરવામાં આવી છે, તેણે પણ મને આકર્ષી છે. આ વાર્તા અસામાન્ય અને ઘણા પડણ ધરાવે છે, આવરણો ધરાવે છે. આ ફિલ્મમાં સૌરભ શુકલ અને રઘુવીર યાદવ જેવા વન્ડરફૂલ કલાકારો કામ છે. હું તેમને ઘણાં લાંબા સમયથી જાણું છું તેમની સાથે ઉષ્માભર્યા સંબંધો છે. મને થયું કે આ અત્યંત રસપ્રદ પ્રોજેક્ટ છે અને હું તેની સાથે કરારબધ્ધ થઈ.
નવા પ્રોજેક્ટ સાથે સંકળાવા પહેલાં કઈ બાબતોને ધ્યાનમાં રાખો છો? - એવા પ્રશ્નના ઉત્તરમાં સુપ્રિયા પાઠકે જણાવ્યું હતું કે 'કોઈ પણ ફિલ્મ સાઇન કરવા પહેલાં તેમાં મારી ભૂમિકા કેવા પ્રકારની એ અંગે વિચારવાનો મુદ્દો સૌથી મહત્ત્વનો હોય છે અને એ ભૂમિકા હું કઈ રીતે ભજવી શકીશ એ મુદ્દો પણ અગત્યનો હોય છે. આ પછી, હું જે રોલ ભજવીશ તેનાથી ફિલ્મના પ્રોગ્રેસમાં કોઈ મર્યાદા તો ન સર્જાઈને એ પણ જોવાનું રહે છે અને ફિલ્મમાં પાત્ર કેવી રીતે વિકસે એ પણ જોવું પડે છે. ત્રીજું, પ્રથમ વાંચનમાં મને પટકથા વાંચવાનો ખરો આનંદ મળે તો મને એ વાતની ખાતરી થાય છે કે દર્શકોને પણ એમાં આનંદ મળશે. મને બેરિંગ ફિલ્મો સાઈન કરવાની ગમતી નથી, જેને જોઈને દર્શકોનું મનોરંજન સુધ્ધાં નથી થતું. અન્યો એને બીજી દ્રષ્ટિએ લેતા હોય છે, જે મને જરાય ગમતું નથી. આ રીતે હું ફિલ્મ સાઇન નથી કરતી.
દિગ્દર્શક તરીકે કૌશિક ગાંગુલીને વર્ણવતાં સુપ્રિયા પાઠકે જણાવ્યું, 'પટકથા વાંચ્યા પછી મેં તેમની સાથે ફોન પર વાતો કરી. હું તેમને અંગત રીતે ઓળખતી નહોતી, પણ મેં તેમની સાથે વાત કરી એ પછી મને લાગ્યું કે તેનો અત્યંત પ્રામાણિક વ્યક્તિ છે. તેઓ અત્યંત વન્ડરફૂલ વ્યક્તિ લાગ્યા, જેમની સાથે કામ કરી શકાય. તેઓ આ ફિલ્મ બનાવવા માગતા હતા કેમ કે તેઓ તેના સબ્જેક્ટમાં પૂર્ણપણે વિશ્વાસ ધરાવતા હતા. અંતે, હું તેમને મળી ત્યારે મારા મનમાં જે કોઈ શંકા બાકી રહી હતી, તેનો અંત આવી ગયો હતો.'
મનોરંજનના આ વિશ્વમાં ચોક્કસપણે પરિવર્તન આવ્યું છે, એમ કહી સુપ્રિયા પાઠક જણાવે છે. અત્યારે આ ઇન્ડસ્ટ્રી પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. હવે ઇન્ડસ્ટ્રીમાં કન્ટેન્ટ આધારિત ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ખરેખર આશીર્વાદ સમુ છે. મને આશા છે કે નજીકના ભવિષ્યમાં તેમાં હજુ ઘણાં ફેરફારો થશે. હવે તો દર્શકો પણ ઘણી બધી આંતરરાષ્ટ્રીય ફિલ્મો નિહાળે છે અને તેમને ફિલ્મો વચ્ચે સરખામણી કરવાની પણ પૂરતી તક મળે છે. આથી જ પ્રાદેશિક કન્ટેન્ટ અને સ્ટોરી ટેલિંગ ઘણું મહત્ત્વનું બની ગયું છે. બેશક એક્ટિંગ અને અન્ય મુદ્દા પણ આમાં આવી જાય છે. હવે તમે માત્ર તમારી ઇન્ડસ્ટ્રીના કલાકારોની જ સરખામણી કરી શકો, પણ હવે તો તમે વિદેશી કલાકારો સાથે તમારા કલાકારની સરખામણી કરી શકો છો.
દર્શકો ફરી થિયેટરો ભણી વળશે કેમ કેમ એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું, 'મારી છેલ્લી થિયેટરમાં રિલિઝ થયેલી ફિલ્મ ૨૦૨૦માં પડદા પર આવી હતી, જેનું નામ 'રામપ્રસાદ કી તેહરવી' હતું, જેણે ખૂબ સારો બિઝનેશ કર્યો. હાલમાં લોકો થિયેટર ભણી આવતા હજુય ડરે છે અને આથી તેઓ ઘરમાં જ રહે છે. આથી થિયેટરમાં રિલિઝ થતી ફિલ્મોની સ્થિતિ ખરાબ રહે છે. લોકો હજુ હોલીડે મૂડમાં છે અને આગામી ત્રણેક મહિનામાં તેઓ પ્રવાસ કરવાનું સાહસ શરૂ કરશે એવું લાગે છે. થિયેટરોને તેમના વફાદાર દર્શકો જરૂર પાછા મળશે અને તેઓ જરૂર થિયેટર ભણી વળશે. મને તો અમારી ફિલ્મ થિયેટરમાં રિલિઝ થઈ અને તેને સારો આવકાર મળ્યો તેનું મને આશ્ચર્ય થયું. બેશક, ત્યારે પણ કોરોનાના પ્રતિબંધો તો અસ્તિત્વ ધરાવતા જ હતા.'
'અરે, હજુ તો હજારો કથાઓ એવી છે, જે કહેવાની બાકી છે, પછી ભલેને તે લાર્જર ધેન લાઈફ હોય કે નહીં. હવે તો ઓવર-ધ-ટોપ (ઓટીટી) પર પણ ઘણી ફિલ્મો ઉપલબ્ધ છે. મેગા બજેટ ફિલ્મ, લાર્જર ધેન લાઈફ સિનેમા જે સ્ટાર થકી બને છે, તેમનો ફેન-બેઝ પણ જંગી હોય છે. એવીય કેટલીક કથાઓ છે, જેને લોકો માત્ર થિયેટરમાં જ જોવા ઇચ્છે છે,' એમ સુપ્રિયા પાઠકે જણાવ્યું હતું.
આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું, 'અંગત રીતે તો મને લાગે છે કે દરેક જણા બજેટના પરિસરમાં રહીને ફિલ્મ બનાવે છે. બજેટ જો અંકુશમાં હોય તો કોઈ અસલામત નહીં રહે કે નુકસાન નહીં કરે. આથી કોઈક તો એવું હોય કે જે બજેટનું માન જાળવે અને રોકાણની મર્યાદામાં રહી ફિલ્મ બનાવે, જેને ઇન્ટેલિજન્ટ તરીકે ઓળખાવી શકાય,' એમ પણ સુપ્રિયા પાઠકે જણાવ્યું અને તેની વાતોનું સમાપન કર્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dHfd4Y
ConversionConversion EmoticonEmoticon