ઘનકચરામાંથી વીજળી પેદા કરવા નવી દેશી ટેક્નોલોજી તૈયાર


- એન્ટેના : વિવેક મહેતા

- રોજના ૧૦૦૦ ટન ઘન કચરો પ્રોસેસ કરી વરસે રૂા. ૮૯.૧ કરોડના મૂલ્યની  ૧૨.૭૩ કરોડ  યુનિટ વીજળી, રૂા. ૨૩.૪ કરોડનું ૯૩૬૦ મેટ્રીકટન લાઈટ ડીઝલ ઓઈલ પેદા થઈ શકે

ઘનકચરાનો નિકાલ દરેક શહેર માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. અમદાવાદના પિરાણાનો ડુંગર તેનો મોટો બોલતો પુરાવો છે. પિરાણાનો ઘનકચરાનો ઢગલો દૂર કરતાં બાર વર્ષથી વધુ સમય લાગી જાય તેમ છે. મુંબઈ પણ ઘનકચરાના નિકાલની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. દેશમાં રોજના ૧.૭૫ લાખ ટન ઘનકચરો એટલે કે મ્યુનિસિપલ વેસ્ટ જનરેટ થાય છે. તેનો નિકાલ કરવો અઘરો બની રહ્યો છે. હવે ગુજરાતના સાહસિકોએ નવી ટેક્નોલોજી વિકસાવી છે. તેની મદદથી ઘનકચરાનો નિકાલ પણ થશે અને ૧૦૦ ટન ઘનકચરામાંથી રોજના ૪૧૦૦૦ યુનિટ વીજળી અને ૩૦૦૦ કિલો લાઈટ ડિઝલ ઓઈલ તથા આઠ ટન ખાતરનું ઉત્પાદન પણ થઈ શકશે. ગુજરાતના આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી અને ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં આ નવી ટેક્નોલોજીથી વીજળી અને લાઈટ ડીઝલ ઓઈલ પેદા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત સરકારે ઇન્નોવેટિવ ઇકો કેર ટેક્નોલોજી પ્રા.લિ. સાથે આ મુદ્દે ચર્ચા ચાલુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ગુજરાતમાં આ માટે અંદાજે ૩૪ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. દરેક્ ક્લસ્ટરમાં ઘનકચરામાંથી વીજળી પેદા કરવા માટેના પ્રોજેક્ટદીઠ રૂા. ૪૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આયોજન છે.આ રીતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીન ગુજરાતના દરેક વિસ્તારમાંથી ઘરઘરમાંથી નીકળતા કચરાના ખડકાતા ઢગલાની સમસ્યાનો અંત લાવવામાં આવશે. ગુજરાત સરકારે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા નક્કર પગલાં લેવા માંડયા છે. નવતર ટેક્નોલોજી સોલીડ વેસ્ટ મૅનેજમેન્ટ માટે ગેમચેન્જર બની રહેશે તેમ જણાવતા ઇન્નોવેટિવ ઇકો કેર પ્રા.લિ.ના સ્થાપક મૅનેજિંગ ડિરેક્ટર વિપુલ ચતુર્વેદીનું કહેવું છે કે ભારતમાં ૧.૭૫ લાખ ટન ઘનકચરો રોજ રોજ પેદા થાય છે. ગુજરાતમાં રોજનો ૧૦,૦૦૦ ટન ઘનકચરો પેદા થાય છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવી આઠ મહાનગર પાલિકામાં ૭૫૦૦ ટન  અને બાકીની ૧૬૨ નગરપાલિકાઓમાં મળીને ૨૫૦૦ ટન કચરો પેદા થાય છે. મણિપુરની સરકારે ઇમ્ફાલમાં ૧૨૦ ટન ઘનકચરામાંથી ૨.૪ મેગાવોટ વીજળી પેદા કરવાનો પ્લાન્ટ હજી પખવાડિયા પૂર્વે જ ચાલુ કરાવ્યો છે. આ ટેક્નોલોજીનો બીજો હિસ્સો છે ટારલૅસ ગેસિફિકેશન. તેનાથી પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ એનર્જી મળી રહે છે. બેન્ગ્લુરુમાં પણ રોજના ૩૦૦ મેટ્રીક ટન ઘનકચરામાંથી ૩.૬ મેગાવોટ વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. 

આ કચરામાં ભેજ પણ ખાસ્સો હોય છે. આ ભેજ હોવાથી તેને અલગ કરવો કઠિન બની જાય છે. આ ઘનકચરાને સૌથી પહેલા દુર્ગંધહીન અને ભેજમુક્ત કરવા માટે ખાસ રેનરઝાઈમ નામનું કુદરતી બેક્ટેરિયા ધરાવતું લિક્વિડ ડેવલપ કરવામાં આવ્યું છે. આ લિક્વિડ ઘનકચરા પર છાંટી દેવામાં આવે તે પછી બે જ દિવસમાં તેમાંનું ભેજનું પ્રમાણ ૨૦થી ૨૫ ટકા ઘટી જાય છે. ત્યારબાદ તેને તેમાંથી પ્લાસ્ટિક, લોખંડ, અને ફૂડ વેસ્ટને અલગ તારવવામાં આવે છે. ભેજ ઓછો થતાં દરેકને અલગ કરવો સરળ બને છે. આ રીતે અલગ તારવેલા ઘનકચરામાંથી વીજળી પેદા કરવાની પ્રક્રિયાની કાર્યક્ષમતામાં સુધરે છે. નવસંસ્કરણ કરેલી ટેક્નોલોજીથી રોજના ૧૦૦ ટન ઘનકચરામાંથી વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ નાખવામાં આવે તો એક વર્ષમાં ૧.૨૭ કરોડ યુનિટ વીજળી પેદા કરીને તેમને માટે સરકારે નક્કી કરી આપેલા યુનિટદીઠ રૂા. ૭.૦૩ના ભાવથી અંદાજે રૂા. ૮.૯૧ કરોડની આવક કરી શકાય છે. તેમ જ ૯૩૬ મેટ્રીક ટન લાઈટ ડીઝલ ઓઈલ પેદા કરી શકે છે. રૂા. ૩૦ની આસપાસના ભાવે વેચાતું આ લાઈટ ડીઝલ ઓઈલ વરસે દહાડે અંદાજે રૂા. ૨.૩૪ કરોડની આવક કરી આપે છે. તદુપરાંત ૨૪૯૬ મેટ્રિક ટન ખાતર પેદા કરીને રૂા. ૩૭ લાખની આવક કરી શકાય છે. આ આયોજન કરીને દરેક નગરપાલિકાઓ તેમના ઘનકચરાનો નિકાલ કરીને સારી આવક કરવાનું આયોજન કરી શકે છે. 

આજે આ ઘનકચરો જમીનમાં ખાડો કરીને અંદર નાખી દેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં જમીન પર જ તેનો ખડકલો કરી દેવાય છે. હવે તેનો નિકાલ કરવાની સાથોસાથ તેમાંથી વીજળી પણ પેદા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટેક્નોલોજી દેશને એક નવી દિશા આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PZWv00
Previous
Next Post »