'શું બોલું?... શા માટે બોલું?'' આ શબ્દ ઝબકાર પૂર્ણ આનંદની અનુભૂતિમાં ગરકાવ થયેલ અધ્યાત્મ પ્રકાશથી ઝળહળતા 'મસ્તરામ'ના હોય છે! શું બોલું? કહેવાનો અર્થ એ છે કે આ અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ''ક્યું બોલે?'' કહેવાનો અર્થ એ છે કે પૂર્ણ અનુભૂતિ થઈ ગઈ છે પછી બોલવાની જરૂર રહે ખરી?
ઉપરની અદ્ભુત અવસ્થા એવી છે કે જ્યાં વિચાર, સંકલ્પ-વિકલ્પ, સુખ-દુઃખ, ભય-અભય, સારું-ખોટું, એવાં દ્વંદ્વોને સ્થાન જ નથી. 'માંહી પડયા તે મહાસુખ માણે'...પછી, મોંઢેથી ઢંઢેરો પીટવાની વૃત્તિ જ 'લય' પામી ગઈ હોય છે.
'મુખડું મેં જોયું તારું સર્વ દુઃખ ગયું મારું' એવી પરિતૃપ્તિમાં, મીઠા જળનું માછલું બની ગયા પછી કહો કે પૂર્ણ રૂપાંતર થઈ ગયા પછી, 'ખારા જળની' તૃષ્ણાઓ શુષ્ક થઈ, વૈરાગ્ય અગ્નિમાં ભડભડ બળી ગઈ હોય. પછી, શું કહેવાનું હોય? શા માટે કહેવાનું હોય?
'મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ' એવી અનુભૂતિમાં રમમાણ મીરાં હોય કે 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' એવી અનુભૂતિમાં ડૂબેલ 'નરસિંહ' હોય એવા અખો, કબીર કે સંતો-મહાત્માઓ ભક્તો હોય. તેમણે પણ શું કહેવાનું હોય? શા માટે કહેવાનું હોય?
સંશય તેને શાનો રહો?
જેને બ્રહ્મ વિચાર.
અગ્નિને ઉધઈ અડે નહિ.
રવિને નહિ - અંધકાર - આઠે પહોર હરિરટણમાં હરિનામમાં... બ્રહ્મ વિચારમાં... સહજ દશામાં રમમાણ હોય તે ક્યા બોલે? ક્યું બોલે?
વિવેક, વૈરાગ્ય, શમ, દમ, તિક્ષા, શ્રદ્ધામાં બરાબર પાર ઉતરેલા, તૂર્યાવસ્થા પ્રાપ્ત કરી પૂર્ણબ્રહ્મ પ્રાગટયનો અનુભવનાર શું બોલે। શા માટે? બોલે!
પૂર્ણ અનુભવની વસ્તુ વર્ણવવી અશક્ય છે. વૈખરી વાણીમાં વર્ણવી શકાતી નથી. એમનો માંહ્યલો કહેતો હોય 'મન મસ્ત હુઆ અબ ક્યા બોલે?' ક્યું બોલે!
જેમને મૃત્યુની સાચી સમજ છે. જેઓ સ્વયં જાગી ગયા છે. ચેતી ગયા છે. આત્મસ્થ થઈ ગયા છે. જેમણે ભીતરમાં નિજાનંદનો ભંડાર શોધી કાઢયો છે. પૂર્ણ આનંદરૂપી અવિનાશી શોધી કાઢયો છે. તેવી સદ્ભાગી વિરલ વિભૂતિઓ શું બોલે? શા માટે બોલે?
નાભિકમળમાં જ્યાં દસ પાંખડીનું કમળ છે તે દ્વારા અમાપ શક્તિને ્પ્રગટાવનારને તથા મન-વાણી પહોંચે નહિ એવી સહેજે શૂન્ય સૂરતા પ્રાપ્ત કરનારને, શું બોલવાનું હોય?
એવે સમે, મનની વૃત્તિ સમાઈ જાય,
ઊગ્યા કરોડ તપનો સમ ચિત્તપ્રકાશ,
ફેલાઈ જાય સઘળે, બધું લીન થાય.
બ્રહ્માંડ ગોષ્પદ સમાન જણાઈ જાય.
જાતો ખૂલી સકળ બંધનોનો સમૂહ,
ને દૂર થાય સઘળો મનનો ય મોહ,
ગૂંજે અનાહત સુસુંદર નાદ.
આવી અનુભૂતિમાં ક્યા બોલે। ક્યું બોલે?
- લાભુભાઈ ર. પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mb2b3G
ConversionConversion EmoticonEmoticon