- આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદાર અને સાગર સમુદાયના અનન્ય ભક્ત
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
ગુ જરાતના શ્રેષ્ઠ મહાજન શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી (૧૮૮૮-૧૯૭૯)નો બોલ ગુજરાતના તમામ મહાજનો માથે ચડાવતાં. ગુજરાતની ગરિમા કોને કહેવાય તે જોવું હોય તો શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીને મળવું પડે.
ગુજરાતમાં સૌથી છેલ્લાં સોનેરી કિનારવાળી પાઘડી બાંધનારા શેઠ શ્રી કેશવલાલ ઝવેરી હતેા. તેમની સંસ્થાકીય વહીવટની પ્રતિભા એટલી ઉંચી હતી કે સૌ તેમને આદર આપતા.
શ્રી કેશુભાઈ અત્યંત ધાર્મિક હતાં. તેમનું કુટુંબ ખૂબ પુણ્યશાળી હતું. આ કુટુંબ જ્યાં પણ રહેવા ગયું તે વિસ્તાર તેમનાં નામે ઓળખાયો.
શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનાં પરમભક્ત કુટુંબોમાં આ કુટુંબ પણ ગણાય. શેઠ કેશુભાઈ ઝવેરીવાડ આંબલીપોળમાં રહેતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ, લલ્લુ રાયજી બોર્િંડગનો વહીવટ, ખોડાં ઢોર પાંજરાપોળનો વહીવટ અને જૈન વિશા ઓશવાળ કલબ વહીવટ પણ તેમણે આંબલી પોળનાં નિવાસસ્થાનથી જ કર્યો. આંબલી પોળમાં જ સાગર સમુદાયનો ઉપાશ્રય છે. આ ઉપાશ્રયનાં વહીવટદાર પણ તેઓ જ હતા. સાગર સમુદાય પ્રત્યે તેમનો એટલો ભક્તિભાવ કે આખો સાગર સમુદાય પણ તેમનું સન્માન જાળવે.
પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ વર્ષો સુધી આંબલી પોળમાં રોકાયા. પૂજ્યશ્રી કોઈપણ વાતનું ડીસીસન લેતાં પહેલાં શેઠને બોલાવે. શેઠની સાથે વાતો કરે અને પછી જ પોતાનો નિર્ણય સૌને કહે. આ બંને વડીલોને આ રીતે વાતો કરતાં મેં અનેકવાર જોયાં છે.
કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીની કડપ એટલી કે એ જ્યારે બેઠાં હોય ત્યારે કોઈ ઊંચા અવાજે વાત પણ ન કરે. બપોરનાં બાર વાગે આંબલી પોળનાં ઉપાશ્રયનાં નીચેના ભાગમાંથી સંભવનાથજી દેરાસરનાં પૂજા કરવા જાય ત્યારે ઉપાશ્રયમાં વંદન કરવા જરૂર આવે. પૂજ્ય આચાર્યશ્રી દૂર્લભસાગર સૂરીશ્વરજી મહારાજ પ્રત્યે તેમને અનન્ય પ્રીતિ. જે કોઈ સમુદાયનું કામ હોય તે તેમની વચ્ચે ચર્ચા થાય અને પાર પડે. શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજી રચિત ગ્રંથોનું પ્રકાશન થયું ત્યારે પૂજ્ય દુર્લભસાગરસૂરિજી સાથે તેઓ અડીખમ ખડા રહ્યાં. જો કોઈ પૂછવા આવે તો શેઠ કડક અવાજે કહે, તમારા કરતાં મારા ગુરૂ મહારાજ બુધ્ધિસાગરજી મહારાજ વધારે ડાહ્યાં હતાં અને હું તેમને માનુ છું. આવનાર માણસ પછી તે સાધુ હોય તો પણ તેમની સામે એક શબ્દ પણ ઉચ્ચારી શકે નહિ.
મારી દીક્ષાના પ્રસંગે પણ તેમનો અદ્ભુત ઉત્સાહ હતો. સમગ્ર કુટુંબને લઈને તેઓ સાબરમતીમાં મારી દીક્ષા સમયે ઉપસ્થિત રહેલાં. એવું જ મારા ગુરૂ મહારાજની આચાર્ય પદવી વખતે પણ થયું. તેમણે પૂજ્ય નંદનસૂરિજી મહારાજને વિનંતી કરી કે દુર્લભસાગરસૂરિજી મહારાજને આચાર્ય પદવી આપો અને તેમણે પૂજ્ય સૂર્યોેદયસૂરિજી મહારાજ પાસે આચાર્ય પદવી કરાવી. પોતે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં.
તેઓ ઉત્તમ જીવન જીવતાં હતાં. ધર્મપત્નીના અવસાન પછી તેમણે થોડાંક નિયમો લઈ લીધેલાં તે અમને કહેતાં. તેમને ધ્યાનમાં આવી ગયેલું કે, પોતાનું મૃત્યુ કયારે થશે. તેમનો લખેલો આવો એક પત્ર આજે પણ મારી પાસે છે. રોજ પૂજા, સામાયિક, માળા વગેરે તેમની ધાર્મિક પ્રવૃત્તિ અખંડ જળવાઈ. ૯૧ વર્ષના દીર્ઘાયુષમાં શ્રેષ્ઠ જીવન કોને કહેવાય તે તેમણે જીવી બતાવ્યું.
સંસ્થાઓનાં શ્રેષ્ઠ વહીવટની કામગીરી શેઠ કેશુભાઈ દ્વારા જોવા મળી. આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ તેમણે લગભગ ૩૩ વર્ષ કર્યો. શેઠ કસ્તુરભાઈ લાલભાઈ કહેતાં કે પેઢીનાં વહીવટમાં શેઠ કેશુભાઈ ઝવેરી જે કહેશે તે અંતિમ વચન ગણાશે. આવી તેમની ઉત્તમ શાખ હતી. તેમના પિતાશ્રી શેઠ લલ્લુભાઈ રાયજી અત્યંત ઉદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના નામે સ્થપાયેલી લલ્લુ રાયજી બોર્િંડગ તેમના ઉત્તમ વહીવટનાં કારણે આજ સુધી ધમધમી રહી છે.
મારા ગુરૂદેવ પૂજ્ય શ્રી દુર્લભસાગર સૂરિજી પ્રત્યે તેમને જે અહોભાવ હતો તે વર્ણવવો કઠીન છે.
શેઠ કેશુભાઈ ઝવેરીના સુપુત્ર શ્રી નરોત્તમભાઈ અમદાવાદના મેયર પણ રહ્યાં.
શેઠ કેશુભાઈ ખોડા ઢોરની પાંજરાપોળનાં વહીવટ દરમ્યાન એટલા ઓતપ્રોત થઈ ગયા કે પશુઓની લાગણી તેઓ સમજતાં હોય તેવું તરત દેખાઈ આવે. પાંજરાપોળનો વહીવટ પણ એવો કરે કે અચાનક અછત આવી પડે તો બીજે પૈસા ઉઘરાવવાની દોડા-દોડી કરવી ન પડે. શેઠ કસ્તુરભાઈ તેમની આવી કાબેલિયતને કારણે વાહ પોકારી જાય.
પ્રસન્ન અને ધાર્મિક વ્યકિતત્વ અને ઉજ્જવળ જીવન ચરિત્ર ધરાવતાં શેઠ શ્રી કેશવભાઈ લલ્લુભાઈ ઝવેરીને મેં બાલ્યવયમાં જોયાં છે. મારી દીક્ષા પછીના પ્રારંભના વર્ષોમાં તેમણે મારા અભ્યાસ અને દીક્ષાજીવન વિશે હંમેશા પ્રેમભર્યો સદ્ભાવ રાખીને મારા ઘડતરની ચિંતા કરી હતી.
જૈન શાસન અને સંઘની તેમણે ખૂબ સેવા અને ભક્તિ કર્યા અને તેમણે ખૂબ યશ પણ મેળવ્યો. ઉત્તમ યશ સાથે આ ધરતી પરથી વિદાય પામનાર શેઠ શ્રી કેશવભાઈ લલ્લુભાઈ ઝવેરી શ્રેષ્ઠ મહાનુભાવ હતાં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31B0FOB
ConversionConversion EmoticonEmoticon