
- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ
- માત્ર માનવજાત કરતાં ય પ્રાણીજગતને પ્રેમ કરવાથી તે વહાલથી વશ થાય છે તેનો સુખદ અનુભવ, મારી એકાકી જિંદગીમાં બિલાડીના બચ્ચાએ કરાવ્યો
અ મે ખાખી બંગાળી..! બધો પરિવાર પાડી ગયો હતો - પોતપોતાના માર્ગે. કર્માનુસાર. અમારે હજી કર્મોમાં પલોટાવાનું બાકી હશે એટલે સમગ્ર પરિવારમાંથી અમે એકલા, ક્યારે સ્વધામ જવાનો વારો આવશે તેની રાહ જોતા આખા ય ઘરમાં એકલરામ છીએ.
ભર્યાભાદર્યા કુટુંબમાં રહેનારને નસીબભોગે એકાંતવાસ વેઠવાનો આવે ત્યારે તેની શી નિયતી હોય તે તો ભોગવે અને જોગવે. દુઃખનું ઓસડ દહાડા. વર્ષો વીતતાં બધું વિરસાઇ ગયું અને અમે આખાય (ઉજ્જડ) ઘરમાં એકલા ! હવે તો બધી જ ખટમીઠી યાદો ભુલાઇ ગઇ છે, ભૂસાઇ ગઇ છે.
સવારસાંજ ભોજનની વ્યવસ્થામાં બે ભાખરી કે રોટલો. ખીચડી અને દૂધ !
રોજિંદા વ્યવહારથી હવે તો અમે ટેવાઇ ગયા છીએ કે સવારેસાંજે અમારા મકાનના લાંબા ઓટલા પર ગાદી પાથરીને તકિએ અઢેલીને રસ્તેથી જતા આવતાં નરનારીની લીલા તટસ્થભાવે જોયા કરીએ છીએ. છેવટે માણસને માણસમાં જ રસ હોય છે ને ?
અમારી બાજુમાંથી રસ્તે જતાં નર નારીમાંથી કોઇ જરા સહાનુભૂતિથી 'કેમ છો, કાકા ?' કહીને દાપું આપતા જાય છે. સ્ત્રીઓ સ્વભાવે કોમળ હોય છે. એ મંદિરે કે શાકભાજી લેવા જતાં આવતાં બે ઘડી કાકાનો સમય વિતાવી આપે છે.
કેટલાક એવા પણ અનુભવાય છે કે જેમ ઓફિસે ઉતાવળે જતાં રસ્તામાં મંદિર આવે ત્યારે દરવાજેથી જ ભગવાનને જય જય કરી દર્શન કર્યાનો સંતોષ માની લે છે. એમને માટે ભગવાન કરતાંય ઓફિસનો બોસ વધારે મહત્ત્વનો છે. ભગવાન તો માફ કરે કે ના કરે, પણ બોસનો મિજાજ તો તરત ફટાકડાની જેમ ફૂટે. ભાઇ, ભક્તિપૂજા તો ઠીક છે પણ જીવવા માટે નોકરીની વધારે જરૂર છે.
એવી કોઇ સાંજે અમે ઓટલા પર તકિએ અઢેલીને આંખ સામેથી પસાર થઇ રહેલાં દ્રશ્યો જોતા હતા - તેવામાં એકાએક કલાપીની કવિતા ચડી આવી - તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો. વાગ્યો તેને અરરર.... અને બેચાર સેકન્ડની જ ઘટના. બિલાડીના એક બચ્ચાની પાછળ કૂતરો ! જરાક મોડું થયું હોત. પણ.. પણ બિલાડીનું ગભરાઇને નર્વસ થઇ ગયેલું બચ્ચું મારા ખોળા પાસે કૂદી પડયું. કૂતરાએ મને જોયો...!
'આ અસુરી માણસ ક્યાં નડયો ?' એમ વિચારતો થોડીકવાર બચ્ચા સામે ટાંપી રહ્યો હાથમાં બાજુ પર પડેલી લાકડી સાથે મારો હાથ ઊંચો થતાં જ 'આ જાલીમ જમદૂત ક્યાં નડયો ?' એમ વિચારતો એ, સાંજનું સ્વાદિષ્ટ ભોજન ગુમાવ્યાનો અફસોસ કરતો વિદાય થઇ ગયો.
બિલાડીનું બચ્ચું હજી ગભરાટમાં હતું. તે મારા ખોળામાં ચીપકીને ગોઠવાઇ ગયું.
મને થયું પશુપંખીની ન્યાત પણ પ્રેમની કેવી ભૂખી હોય છે.
બચ્ચાને મેં ખોળામાંથી નીચે મૂકવા માંડયું પણ એની ખોળો ખાલી કરવાની બિલકુલ મરજી લાગી નહિ. એ વળગી રહ્યું.
મને બિલાડી વિશેની કવિતા યાદ આવી ગઇ.
મેં એક બિલાડી પાળી છે. તે રંગે બહુ રૂપાળી છે. તેના ડિલ પર ચટપટા ને પૂંછડી પટપટ થાય.
આ દેખિતી બાળકવિતામાં પણ.. જે સંભાર ભર્યો છે.. એ સમજાય તો જીવન સાર્થક થઇ જાય.
પાળેલી બિલાડી એટલે લાલસા... એને માણસ જાત પાળતો પોષતો આવ્યો છે. એની જાતજાતની વાસનાઓ.. ડીલ પર ચટપટાની જેમ વળગેલી છે. અને એની પટ પટ થતી પૂંછડી ભૌતિક લાલસા પાર પડયાનો આનંદ દર્શાવે છે.
બિલાડીના બચ્ચાને પાળવામાં મારી કશી લાલસા હશે ? કશી નહિ ?
માત્ર માનવજાત કરતાં ય પ્રાણીજગતને પ્રેમ કરવાથી તે વહાલથી વશ થાય છે તેનો સુખદ અનુભવ, મારી એકાકી જિંદગીમાં બિલાડીના બચ્ચાએ કરાવ્યો. મને બિલાડીનું બચ્ચું નવા નવા કલ્પનાપ્રદેશમાં ખેંચી જવા માંડયું.
મેં એને જરા હડસેલ્યું, પણ એ પાછું જરા કૂદીને મારી સોડયમાં ભરાઇ ગયું. મને અનુકંપા આવી. બિલાડીના બચ્ચા પર પણ મારા બાળક પર આવે તેવું વહાલ ઉભરાયું.
બચ્ચાને આશ્રય આપતાં નવી પળોજણ વળગી, પણ મને એ ગમી.
સાવ એકાંતમાં આવી વિવિધ પળોજણ પણ ગમી જતી હોય છે.
મેં ફ્રીજમાંથી દૂધ કાઢી એને ગરમ કરીને કાચના બાઉલમાં પીવા આપ્યું.
ખુશ ખુશ થઇ ગયું હોય તેમ એ પૂંછડી પટપટાવતું બાઉલમાંનું બધું જ દૂધ એવું પી ગઇ, ચાટી ગઇ કે પછી બાઉલ માંજવાની જાણે જરૂર જ ના રહે !
માનવજાત પ્રત્યે હવે મારો પ્રેમ પલટાઇને પશુ પ્રેમ તરફ વળ્યો. બચ્ચાની અમને એવી માયા લાગી કે રાતેય જાગીને મેં એને નીરખી લીધું. મારી જ પથારીની પાસે નિરાંતે એ પગ વાળીને ઉંઘતું હતું.
થોડા જ દિવસમાં એ સારાય ઘરમાં ઘૂમતું અને મ્યાઉં મ્યાઉં કરતું થઇ ગયું. એને માટે ઘીવાળી રોટલીય મેં મંગાવી. એની હૂંફ મને જાણે બાળકની હૂંફ હોય તેવી લાગી.
મારા જેવા સમગ્ર પરિવારમાંથી વિખૂટા પડી ગયેલા એકલવાયા પુરુષને માણસજાતમાંથી નહિ એવી હૂંફ બિલ્લીમાંથી મળી રહી.
- પણ એક દિવસ એ અચાનક બહાર જતી રહી. હું રાહ જોતો જ રહ્યો. પણ કદાચ એને નવું ઘર મળ્યું હોય. ગમે તેમ પણ એ થોડા દિવસમાં પણ મારું એકાંત ભુલાવી માયા માં મને લપટાવી ગઇ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dfMPYx
ConversionConversion EmoticonEmoticon