વ્યાખ્યાન સાંભળવાથી શ્રધ્ધા તૂટે ?


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

ગુ લાબનું ફૂલ અનેક પુષ્પોના ઢગલા વચ્ચે પડયું હોય, તો  એની સુગંધ, એની વિશેષતા, એની રોનક ગુમાવી બેસે છે ? એની સુગંધ, એની વિશેષતા બનાવટી ન હોય તો કશું જ ગુમાવવાનો ભય હોતો નથી.

કોઈનું વ્યાખ્યાન સાંભળવાથી આપણો વિચાર-ભેદ થવાનો, આપણી શ્રધ્ધા તૂટવાનો ભય તો જ લાગે જો આપણી શ્રધ્ધાનું મકાન કામચલાઉ, તકલાદી આધાર પર રચાયું હોય. જમીનના કણ-કણમાંથી રસ-કસ મેળવી, ટાઢ-તડકો, વાવાઝોડાં સહન કરીને કૂંપળિયાંમાંથી વૃક્ષ થનારની વાત જૂદી હોય છે,ને કાગળની કરામતથી બનેલાં બનાવટી વૃક્ષની વાત જૂદી હોય છે.

શ્રધ્ધા અને મમત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. શ્રધ્ધામાં ઝનૂન નથી હોતું. શ્રધ્ધા ધરાવનાર માટે શ્રધ્ધા ધરાવવી એ સ્વભાવ બની ગયો હોય છે. મારી માતા પ્રત્યેની મારી શ્રધ્ધા સલામત રાખવા હું અન્ય માતાઓનાં દર્શનથી દૂર ભાગું તો મારી શ્રધ્ધા કેવી ?

ફૂલમાં રંગ અને સુગંધ વિકસે એમ શ્રધ્ધાનો વિકાસ થતો હોય છે.

એક મિત્ર એક ધાર્મિક પ્રવચનકારના પ્રશંસક છે. પેલા ધાર્મિક પ્રવચનકાર પોતે તો ખૂબ ઉદાર છે, મોટાં મનના છે, પણ આ પ્રશંસકભાઈએ પોતાનું નામ એ સત્પુરુષના અંતેવાસી તરીકે જોડી દીધું પછી પેલા સત્પુરુષનો ઉપદેશ ગૌણ બની ગયો છે, ને એ સત્પુરુષની લોકપ્રિયતા સાથેની. પોતાની મમત મહત્ત્વની બની ગઈ છે. કોઈ અન્ય વ્યાખ્યાતા કોઈ વિષયમાં પોતાનો જૂદો અભિપ્રાય રજૂ કરે તો આ પ્રશંસકભાઈ લાલ-પીળા થઈ જાય.

આ અસહિષ્ણુતા, મમત, આ હઠાગ્રહનાં માનસશાસ્ત્રીય કારણો ભારે રસપ્રદ હોય છે.

મમત ધરાવનારા ટોળાંની હૂંફ શોધતા હોય છે. કારણ કે શ્રધ્ધાથી નિપજતી સૌમ્ય, અડગ, સ્વતંત્ર આંતરિક શક્તિ એ લોકો પાસે હોતી નથી.

મમત વ્યક્તિત્વનાં સપાટી પરનાં પાસાંને ઝોડની જેમ, પ્રેતની જેમ વળગે છે, પણ ઊંડાણ સુધી જતી નથી. મમત ધરાવનારનાં સુષુપ્ત મનમાં તો ઘણીવાર બળવો પણ છૂપાયેલો હોય છે, ને કોઈ જોરાવર વિચારક જો સિફતપૂર્વક મમતીલી વ્યક્તિનાં સુષુપ્ત મનને સ્પર્શે તો ચોક્કસ એને વટલાવી શકે છે.

જે દરદીના પેટમાં ગંદકી હોય, કરમિયાં હોય, એને સતત ગોળ ખાવાનું, મીઠાશ ખાવાનું મન થાય. એને કડવી દવા દીઠી ન ગમે.

સમજૂ દર્દી તો કડવી દવાને આવકારે, કારણકે એ સમજે છે કે એ કડવી દવાનું એકંદર પરિણામ તો મીઠું જ આવવાનું છે. ગીતાજી કહે છે એમ: 'પરિણામે - અમૃતોપમમ' એક ભાઈ મંત્ર-વશીકરણના જ્ઞાાતા છે.

તેમણે કહ્યું કે વ્યક્તિનું વશીકરણ તો જ શક્ય બને જો વ્યક્તિનું માનસ નબળું હોય.

કેટલાક વક્તાઓ પર સમગ્ર સભાનાં વશીકરણનો આક્ષેપ મૂકાય છે, એ આક્ષેપ પણ એટલા માટે તથ્યહીન છે કે સભામાં જુદી જુદી માનસિક તાકાત ધરાવનારા - શ્રોતાઓ હોય છે. દરેકે જીન્દગીમાં જુદાં જુદાં ઊંડાણ ખેડેલાં હોય છે.

વક્તા અને શ્રોતાનાં હૈયાંનાં ઊંડાણ સરખાં હોય તો જ વશીકરણ શક્ય બને.

જેની શ્રધ્ધા રોમેરોમમાં વ્યાપેલી હોય એનાં મનની ઈમારત નબળી નહોય. એનાં કેન્દ્રમાં કોઈ સત્સંગ-કેન્દ્ર, કોઈ અમુક તમુક ગુરુ કે વક્તા પ્રત્યેની જડસૂ મમત નહોય, પણ પોતાની જ ચેતના હોય.

સાચો જિજ્ઞાાસુ કોઈ પણ વ્યાખ્યાનમાં જતાં ન ડરે, કોઈપણ ધર્મ-ગ્રંન્થ વાંચતાં ન ડરે, કારણ કે જેને પોતાની ચેતનામાં શ્રધ્ધા નથી, એને જ ડર હોય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ttapqJ
Previous
Next Post »