રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઈ મનમાં, મરી જવાનાં ?


- કોરોનાની મહામારીમાં કોઈના પર આધાર રાખ્યા વગર સ્વયંશિસ્ત સ્વયં પ્રકાશ પામીએ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- બીજા શું કરે છે તેની ફરિયાદ કરવા કરતા તમે તમારી જાત સંભાળશો તો અડધાથી વધુ બાજી જીતી ગયા સમજો

પ્ર ચાર, રેલી, ચૂંટણી અને ક્રિકેટ મેચને લીધે કોરોનાની બીજી લહરે રાક્ષસી પંજામાં ગુજરાતને જકડી લીધું તેનો રોષ હવે જૂનો થઈ ગયો. તેને સરકારી શબ્દકોશ પ્રમાણે આપણા દિલોદિમાગમાંથી તિલાંજલી આપી ફાઇલ કરી દઈએ.

ગુજરાત હાઈકોર્ટે જ જે રીતે રાજ્ય સરકારે કોરોનાને 'હેન્ડલ' કર્યો તે માટે એવું નિવેદન કર્યું કે ''ગુજરાતના નાગરિકો ભગવાન ભરોસે છે.'' ચાલો, ગુજરાત સરકાર આ સ્વીકારવા તૈયાર નથી તેમ માનીને જનતાની અદાલત જ ગુજરાત સરકાર પરના હાઈકોર્ટની કોમેન્ટને થોડી વધુ સખ્ત માનીને અડધી ખારિજ કરે છે તેમ સરકારને 'બેનિફીટ ઓફ ડાઉટ' આપવા તૈયાર છે. ઈન શોર્ટ... નજીકના ભૂતકાળને દફનાવી દઈએ. નાગરિકોનો એક વર્ગ બેજવાબદાર નાગરિકો ટોળાશાહીમાં સામેલ થાય છે તેને લીધે કોરોના વકરે છે તેમ હૈયાવરાળ કાઢી આવા નાગરિકો પર દોષનો ટોપલો ઓઢાડે છે. હવે આ બેજવાબદાર નાગરિકો કલિન ચીટ મેળવવા એવી દલીલ કરે છે કે 'હા અમે મેચ જોવા સ્ટેડિયમમાં ગયા હતા પણ કોરોનાના કેસ અને મૃત્યુની હારમાળા તો સુરત, રાજકોટ, જામનગર અને અન્ય જિલ્લાઓમાં પણ સર્જાઈ છે જ્યાં મેચ નહોતી. ચૂંટણી રેલીમાં અમે ભાગ લીધો પણ અમને તો તે પછીના મહિના કોરોના નહોતો થયો અને જ્યારે થયો ત્યારે અમારા પાડોશીએ અમને કોરોનાગ્રસ્ત બનાવ્યા.' આવા ટપલીદાવ કે એકબીજા પર દોષનો દડો ફેંકવાની રમતમાં ખરેખર તો જીતેલાની પણ હાર જ  હોય  છે. વાસ્તવિકતા એ છે કે આપણે અને આપણામાંના હજારો પરિચિતો કે અપરિચિતો કોરોનાનો શિકાર પોતે નિર્દોષ હોય કે ન હોય બની ચૂક્યા છે.

દર્દીનું પોસ્ટ મોર્ટમ કરતા હોઈએ તેમ આ બીજી લહરના વિલનો કોણ તેવું પોસ્ટ મોર્ટમ કરવામાં જો સમય બગાડીશું  તો વગર પોસ્ટ મોર્ટમે બીજા હજારો મૃતદેહોની સામૂહિક અંતિમ ક્રિયા વધતી જ જશે. હવે આજથી જાણે નવી સવાર સાથે નવી તક મળી છે તેવો હોંસલો રાખી કેટલીક પ્રતિજ્ઞાા લેવી જરૂરી છે. ૧) હું વ્યક્તિ તરીકે મને કોરોના ન થાય તે માટે મારા પર નિયંત્રણ લાવીશ. આ નિયંત્રણમાં માસ્ક પહેરવું, ગરમ પાણીની વરાળ લેવી, હાથ સેનેટાઇઝ કરતો રહીશ. (૨) બિનજરૂરી મિત્રો જોડે ખાણીપીણી, ચા-ચૂસ્કી કે સગા-સ્નેહીને ઘેર નહીં જઉં. (૩) મારે ત્યાં કોઈ આવવા માંગશે તો તેને પ્રેમપૂર્વક એક મહિનો થોભી જવાનું કહીશ. (૪) સુપર સ્પ્રેડર જેવા રસોઈયા, ઘરકામ કરનારાને ચાલુ પગારે રજા પર ઉતારી દઈશ. (૫) પાડોશી જોડે ઓટલા પર બેસવાનું બંધ કરીશ. (૬) દુકાનમાં ખરીદી કરતી વખતે ત્રણ-ચાર ફૂટનું અંતર અને ચીજ વસ્તુની ડિલીવરી લેતી વખતે જ અંતર રાખીને પેકેટ, પાર્સલ લઇશ તે પછી હાથ સેનેટાઇઝ કરી દઈશ. (૭) ઓફિસમાં સહકર્મચારી જોડે નજીકથી જઈને વાતચીત નહીં કરૂં. (૮) સામી વ્યક્તિ માસ્ક વગરની હશે તો તેને નમ્રતાપૂર્વક કહીશ કે માસ્ક પહેરશો પ્લીઝ. (૯) લારી કે દુકાનદારે માસ્ક નાક પર ચઢાવીને ન પહેર્યું હોય તો તેને પણ માસ્ક પહેરવાનું કહીશ. (૧૦) ડ્રાઇવરને ચાલુ પગાર સાથે એક મહિનો નહીં રાખું. જો અનિવાર્ય હોય તો તે માસ્ક પહેરવાની કડક સૂચના આપીશ. (૧૧) અંગત સ્ટાફના ટેસ્ટ અવાર નવાર મારા ખર્ચે જ કરાવતો રહીશ. (૧૨) માસ્ક નીચે ઉતારી ફોન પર વાત કરતા જ રહેવાની હોય તો મારી બધી જ મહેનત પર પાણી ફરી વળશે આથી ફોન કરતી વખતે માસ્ક પહેરેલું  જ રાખીશ. (૧૩) બંને ડોઝ વેક્સિન મુકાવી હોય તો પણ માસ્ક તો પહેરીશ જ. (૧૪) ઠંડા પીણા, આઈસ્ક્રીમથી દૂર રહીશ કેમ કે સાદી શરદી, ઉધરસ થશે તો પણ કોરોનાની શંકા તો થવાની જ. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી મને અને બધાને ફડક રહે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવું પડે તે જુદું.(૧૫)  જ્ઞાાતિ, ધર્મ કે કુટુંબના કેટલાંક આગેવાનો તો સરકારી નિયમ મુજબ પણ મેળાવડા, મીટિંગ કે પ્રાર્થના રાખશે પણ હું ભલે સમાજ કે નાત બહાર જેવો લાગું કે કોઈનું મનદુ:ખ થાય પણ આવા મેળાવડામાં જવાનું ટાળીશ. (૧૬) આમંત્રિત કે મૃત વ્યક્તિ જોડેની ગમે તેટલી નિકટતા હોય પણ મનોમન ઘેર ઈશ્વરને પ્રાર્થના કરી કે શુભેચ્છા-શોક પાઠવીને દૂર રહેવાની સમયની માંગ છે તે સતત ખ્યાલમાં રાખીશ. 

યાદ રહે કે સંબંધમાં વ્યવહારને ન સાચવવાને લીધે માઠુ લાગે તો તે સબંધ પાકટ ન કહેવાય. બહારના જ નહીં ઘરના પણ એવું અર્થઘટન કરી શકે કે ''જોયું, ખરા સમયે તો પોતાની જાતને સાચવીને... મુસીબતની વેળાએ ઉભા પણ ન રહ્યા.'' આપણે ત્યાં એવી જડ કરી ગયેલી માન્યતા છે કે વ્યક્તિ સદેહે હાજર રહે તો જ તેને પ્રેમ છે, તે સંબંધ નીભાવી જાણે છે.

ફોન, વીડિયો કોલ તો છે જ. કોઈને આર્થિક મદદ કરવાની હોય તો ઓનલાઇન  બેંકિંગ પણ શક્ય છે જ. આમ તો આઈસીયુમાં કે કોવિડ સેન્ટરમાં દર્દીના સૌથી નજીકનાને પણ જવા દેવાની પરવાનગી ન હોય પણ આપણે ત્યાં એવું કે દર્દીના સગા લાઉન્જમાં બેઠા હોય તેને પણ મળવા તો જવાનું જ. ચેપ લાગવાનો ભય ભલે રહેતો. 

કોઈ વ્યક્તિ સ્વાર્થી નથી હોતો. પણ કંઈક હેતુપૂર્ણ હાજરીની અનિવાર્ય હોય તો જરૂર સાથ આપવો જોઈએ. બાકી, ખબર પૂછવા કે દર્દીને દાખલ કરવા આઠ-દસ જણાનું ધાડું લઈ જવાની જરૂર નથી.

આ જ દર્દીને પૈસાની, લોહીની, પ્લાઝમાની કે અંગદાનની જરૂર હોય ત્યારે પરિચિતો કરતા જેને ગણતરીમાં ન લીધા હોય તેવા કે અજાણ્યા કામ લાગતા હોય છે.

યાદ રહે... કોરોનાના બેડ, ઈન્જેકશન, દવા, પૈસા વગેરેની સહાય માટે તમે વીવીઆઈપીઓને ઓળખવાના ફાંકામાં ફરતા હશો કે ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો, ધારાસભ્યોના નંબરો તમારા ફોનની મેમરીમાં ખડકીને નોરમલ ચાલુ દિવસો દરમ્યાન કેફમાં રાચતા હશો. પણ સંકટ સમયે બધી લાઇન વ્યસ્ત બતાવશે કે પછી 'તમે જેને ફોન કરો છો તે જવાબ આપતા નથી.' જેવો રેકોર્ડેડ મેસેજ જ સાંભળવા મળશે. હા, શક્ય છે કે સાવ નાનો માણસ, ડ્રાઇવર, ઘરકામ કે રસોઈ કરનાર બાઈ કે ભાઈ, ઓછો પરિચિત પાડોશી કે સોસાયટીની બહાર રીક્ષા લઈને બેસેલ ભાઈ તમારા માટે બધી કટોકટીની પળની વ્યવસ્થા કરશે.

એક હોસ્પિટલના કર્મચારીની વાઇરલ ઓડિયો પોસ્ટમાં મોટાભાગના નાગરિકોએ આજીજી પૂર્વકના શબ્દોમાં સાંભળ્યું હશે કે ''પૈસે ટકે સંપન્ન દર્દીઓ રીતસરની કાકલૂદી કરે છે કે રૂા. ૧૦ લાખ લઈ લો પણ હોસ્પિટલમાં દાખલ કરો. ઓકિસજનનો બાટલો આપો, ઈન્જેકશન આપો.'' અર્થાત કોરોના વાઈરસ  સત્તા, શ્રીમંતાઈ કે વીવીઆઈપી, સેલિબ્રિટીઓથી સ્હેજે પ્રભાવિત નથી થતો. ખરેખર તો સરકારી સિસ્ટમ અમારા માટે તો ગરીબ પણ સરખા અને તવંગર પણ સરખા જેવી સમાન દ્રષ્ટિ કેળવવાની જરૂર છે તેની કોરોના અલબત્ત ઘાતકી રીતે પ્રતિતિ કરાવે છે.

'કુંભમેળા'માં ૮થી ૧૦ લાખ શ્રદ્ધાળુઓએ નદીમાં સ્નાન કર્યું કે, અમુક રાજ્યોમાં તો લાખો નાગરિકોની રેલી યોજાઈ જેવા સમાચારથી આપણે હળવા નથી બની જવાનું. એવો નિ:સાસો પણ નથી નાખવો કે આપણે આટલું ધ્યાન રાખીએ છીએ અને આ લોકોને તો કાંઈ થતું પણ નથી. ફૂટપાથ પર મસ્તીથી માસ્ક વગર ખુલ્લામાં ગપ્પા મારતા કે સાથે ઉભા રહીને ભજીયા- ગાંઠીયા આરોગતા નાગરિકોને જોઈને પણ આપણને આપણી માસ્ક અને જેલ જેવી જિંદગીની યથાર્થતા પર સવાલ થાય તે સ્વાભાવિક છે પણ આપણે ત્યારે એમ વિચારવાનું કે આપણે આવી બેજવાબદાર વ્યક્તિ સમૂહને પછીના દિવસો ક્યાં જોવા ગયા છીએ. શક્ય છે તેઓને આગળ જતા કોરોના થયો હોય. હોસ્પિટલમાં ગંભીર સ્થિતિ સાથે અને મોટા આર્થિક બીલ અને પારાવાર માનસિક- શારીરિક પીડામાંથી ઉગર્યા હોય. તેમાંના કેટલાક મૃત્યુ પામ્યા હોઈ શકે. કમ સે કમ આ એવા જ બેજવાબદાર લોકો છે જેઓને તેમના કુટુંબના સ્વાસ્થ્ય કે આવશ્યકતાની ચિંતા નથી. હું માસ્ક મારા માટે ભલે ન પહેરૂં પણ મારા પરિવાર, પાડોશી કે અજાણ્યાની સલામતી માટે તો પહેરૂં જ તેવી માનવતા તો હોવી જ જોઈએ.

અમે અગાઉ એકવાર કોરોના પરના લેખમાં લખી ચૂક્યા છીએ કે, 'જો કોઈ વ્યક્તિની હત્યા કરવાનો ઇરાદો ન હોય છતાં આપણા કોઈ કૃત્ય કે ભુલથી તેનું મૃત્યુ થઈ જાય તો તે સદોષ માનવવધ -કલ્પીબલ હોમિસાઇડ કે જે ૩૦૪ કલમ હેઠળ ગુનો બને છે. તેવી જ રીતે આપણે માસ્ક ન પહેરીએ અને આપણા લીધે કોઈને ચેપ લાગે અને તે કોરોનાની બીમારીમાં સાથે મૃત્યુ પામે તો ભલે આપણા પર આવી સદોષ માનવ હત્યાની કલમ ન લાગે કે આપણે ગુનેગાર ન ઠરીએ પણ મનોમન આપણે એટલું તો જવાબદાર વર્તન કરી જ શકીએ કે આપણે લીધે બીજાનું મૃત્યુ ન થાય. 

૫૦ વ્યક્તિના લગ્નના આમંત્રણમાં તમારો સમાવેશ થાય તો પણ તમારે વિચારવાનું છે કે તેમાં હાજરી આપવી કે નહીં. આગામી મહિનાઓમાં થોડી રાહત થતાં સરકાર લગ્નમાં ૨૦૦ વ્યક્તિઓને પણ પરવાનગી આપી શકે ત્યારે પણ તમારે પાકટ મક્કમતા દાખવી હાજરી આપવાનું ટાળવું જોઈશે. હોસ્પિટલોમાં એવા સેંકડો કોરોનાગ્રસ્ત દર્દીઓ છે જેઓએ લગ્ન, પાર્ટી, પ્રવાસ, ધાર્મિક યજ્ઞા- પૂજા, સત્સંગમાં ભાગ લીધો અને પસ્તાઈ રહ્યા છે. એવા તો આપણને લગ્ન, પિકનિક, પાર્ટી કે સોશિયલ ગેધરિંગના કેવા શોખ કે બે- ચાર મહિના થંભી ન શકીએ. માસ્ક પહેરીને પણ આવા મેળાવડામાં જવાનું ટાળો.

જો પ્રત્યેક વ્યક્તિ અન્ય વ્યક્તિ કે સમુહ શું કરે છે તે જોયા વગર માત્ર અને માત્ર તેના અને પરિવારને જ કઠોર બનીને માસ્ક, સેનેટાઇઝરનું પાલન કરાવશે તો જ સંક્રમણ ઘટશે. જે વ્યક્તિ આજકાલ નોકરી - ધંધો કરી ઘેર જતો હોય તેણે જવાબદારીપૂર્વક વર્તવાનું છે. ઘરમાં પરિવારના સભ્યો કોરોનાના શિકાર બની શકે છે તે સતત યાદ રાખવાની જરૂર છે.

ઘરમાં એક વ્યક્તિને તાવ હોય તો પણ તે છૂપાવે છે અને જ્યારે તબિયત વધુ કથળે ત્યાં સુધીમાં ઘરના બધા કોરોનાગ્રસ્ત થઈ ગયા હોય છે.

ઘરમાં ઘણા વડીલો પણ ખૂબ જ બેજવાબદાર વર્તન કરે છે. બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા આંતરે દિવસે નીકળી પડે. પરિવારજનો સવારના ઉઠે તે પહેલા બહાર લટાર મારવા નીકળી જાય છે. ઘરના સભ્યોને નાની મોટી શારીરિક તકલીફો કહેતા રહીને મેડીકલ સ્ટોર કે ડોક્ટર પાસે લઈ જવાનો આગ્રહ કરે. વડીલ મિત્રો જોડે બેઠક યોજે. આવા વડીલોને આ લેખ વંચાવજો કે આ તમારા માટે લખાયું લાગે છે.

મહિલાઓને પણ રોજેરોજ લારીઓ પર શાકભાજી, ફળો અને ગ્રોસરી લેવા જવાની માનસિક બીમારી હોય તેમ લાગે છે. હવે તો ઘેર ઘેર ફ્રીજ છે કુટુંબ પણ એવા વસ્તારી નથી કે રોજ એવા પાંચ પકવાન બનતા પણ નથી તો પછી રોજ ૨૦૦- ૨૦૦ ગ્રામ શાકભાજી લેવાનું પ્રયોજન શું ? શક્ય એટલું સંગ્રહ કરી શકાય તે રીતની ખરીદી થઈ જ શકે. હવે તો ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. દૂધ પણ તે રીતે સ્ટોર કરી શકાય. દૂધ માટે પાઉડર પણ ચાલે જ. એક લારી પર શાક કે ફળ તાજા છે કે કેમ તે ચકાસવા પર કેટલીય મહિલાઓના હાથનો સ્પર્શ થયો હોય છે.

જેમણે કોરોનાનો એક પણ કેસ ઘરમાં નથી જોયો તેઓને જ બેદરકારી પરવડે. માત્ર કલ્પના કરો કે કોઈ સભ્યને કોરોના પોઝિટિવ આવ્યો અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવો પડે તો ? ઘરના સભ્યો પ્રત્યેક રૂમમાં ક્વોરન્ટાઇ થાય તો ? માતા બાળકથી વિખૂટી પડે તો ?

તમે કહેશો કે ભારે તકેદારી અંતે ધ્યાન રાખવા છતાં પણ કોરોના ઘણાને થાય જ છે ને. હા, એવું બને જ. તમે સિગરેટ ન પીતા હો તો અન્ય વ્યક્તિના ધુમાડાથી 'પેસિવ સ્મોકર' બનો જ છો તેમ કાર વાપરતા જ ન હોવ તો પણ પ્રદૂષણનો ભોગ તો બનવું જ પડે છે ને ? તમે સ્વાસ્થ્યની, આહાર- વિહારની ભારે ચીવટ રાખો છો તો પણ ભ્રષ્ટ વેપારી ભેળસેળવાળું કરિયાણું તેલ આપે છે તો ભોગ બનો જ છો ને ? આ આપણા સમાજની કમનસીબી છે. 

પણ આમ છતાં કોરોના થવાની શક્યતા ચાંપતી નજર સાથેની તકેદારી રાખશો તો ઘટશે જ. માસ્ક, સેનેટાઇઝર, વેક્સિન ગેરંટી નથી પણ સુરક્ષાની સપોર્ટ સિસ્ટમ બની શકે છે. પહેરવા કરતા નહી પહેરવામાં નુકસાન વધુ છે તે તો સ્પષ્ટ છે.

હેલ્મેટની જાહેરાતનું એક વેધક સ્લોગન હતું 'મરજી આપ કી આખીર સર હૈ આપ કા' માસ્ક માટે પણ કહી શકાય કે 'મરજી આપ કી આખીર જાન હૈ આપ કી'

જો કે હેલ્મેટ ન પહેરનાર અને બહુ તો તેની સાથે બેસેલ વ્યક્તિ બેકાળજી બદલ મૃત્યુ પામે છે જ્યારે માસ્ક નહી પહેરનાર ઘણી વખત પોતે કોરોનાથી બચી જાય છે પણ સામુહિક મૃત્યુ તે સંપર્કમાં આવેલાઓને માટે લાવી છે કે  કોરોનાગ્રસ્ત બનાવી શકે છે.

શ્રદ્ધા અને સબુરીમાં શ્રદ્ધા સબુરી સાથે સાવધતા ઉમેરીએ તો ?

'રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના,

થોડા અમો મુંઝાઈ મનમાં, મરી જવાના ?

કોણે કહ્યું કે ખાલી હાથે ખરી જવાના ?

દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે

હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના

સમજો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !

દીપક નથી અમે કે ઠર્યા ઠરી જવાના

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે

ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?'

- અમૃત ઘાયલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mXrm9Z
Previous
Next Post »