- શ્રી શત્રુંજ્ય ડાયરી-2
જૈ ન તીર્થંકરોના જીવનના પાંચ પ્રસંગોને મહત્ત્વના ગણવામાં આવે છે. તે છે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાાન અને નિર્વાણ. આને વિશ્વકલ્યાણકારી તીર્થંકરોનાં પાંચ કલ્યાણક તરીકે ઓળખાય છે. આ પાંચ કલ્યાણકોમાંનું એક પણ કલ્યાણક કોઈ એક તીર્થંકરનું પણ શત્રુંજય પર્વત પર થયું નથી અને છતાં શત્રુંજયનું મહત્વ અત્યંત કલ્પવામાં અને વર્ણવવામાં આવ્યું છે.
આ તીર્થની એકવારની યાત્રા અન્ય તીર્થની સો વખતની યાત્રા બરાબર છે.
પોતાને જૈન કહેવડાવતો કોઈ પણ સાધુ કે શ્રાવક આ પવિત્ર તીર્થની યાત્રા વગરના પોતાના જીવનને હીન લેખે છે અને સાધુ, શ્રાવક કે વિદ્વાન પોતાની સરસ્વતી કે લક્ષ્મીનો અલ્પાંશ કે મહદાંશ અહીં ખર્ચવામાં જીવનની ધન્યતા માને છે.
શ્રી ફાર્બસ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ 'રાસમાળા'માં લખે છે, 'સિંધુ નદીથી તે ગંગાના તટ સુધી ને હિમાચલથી કન્યાકુમારી સુધી ભારત વર્ષમાં એક પણ એવું ગામ નગર નહીં હોય, જ્યાંથી એક યા બીજી વેળાએ ધનવૈભવની ભેટ આ પહાડ પર નહીં પહોંચી હોય.'
સામાન્ય લોકોક્તિ છે કે કોઈ પણ જૈન આ તીર્થની યાત્રા કર્યા વગર મરી જાય તો,સિદ્ધાચલની આજુબાજુમાં જ જન્મ ધરે છે, કારણ કે એના શ્વાસોચ્છવાસમાં આ તીર્થની યાત્રા કરવાની રટણા હોય છે.
શત્રુંજયની તીર્થભૂમિને આટલું બધું મહત્ત્વ મળવાનું કારણ એ છે કે એની સાથે જૈન ધર્મના પહેલા તીર્થંકર આદિનાથની પવિત્ર સ્મૃતિ જોડાયેલી છે. કોઈ ભૂમિ જ બડભાગી હોય છે. આદિશ્વર ભગવાન જન્મ્યા ઉત્તર હિંદના અયોધ્યા નગરમાં, નિર્વાણ પામ્યા અષ્ટાપદ પર્વત પર અને મહત્ત્વ મળ્યું શત્રુંજયને. અહીં તેઓ પોતાના સાધુકાળ દરમ્યાન રહ્યા અને અહીં આવેલા રાયણ વૃક્ષ નીચે લોક કલ્યાણકારી ધર્મદેશના આપી અને આ પર્વતના પથ્થર-કંકર, ધૂળ-વૃક્ષ અને શિખર પવિત્ર બની ગયા. આજના વિશ્વને સર્વપ્રથમ અહિંસાનો સંદેશ મળ્યો અહીંથી. જૈનધર્મનું આ પ્રથમ વૃક્ષમંદિર ગણાય.
જગતને સર્વપ્રથમ સર્વકલા, સર્વવિદ્યા બક્ષનાર આદિરાજ, આદિ સાધુ અને આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવને પગલે અને પવિત્ર બોલે આ પહાડ, પાણી અને હવા પવિત્ર થઈ ગયા.
આ દિવસે આ તીર્થ વિખ્યાત થયું. આ પાવનભૂમિ પર ભગવાન આદિશ્વરની પવિત્ર ચરણરજને જગતના મહાન ચક્રવર્તી ને ભગવાન ઋષભદેવના પુત્ર ભરતદેવે મસ્તક પર ચડાવીને જાહેર કર્યું કે સંસારમાં ત્યાગ સૌથી મહાન છે. સાચા સંન્યાસીને-ત્યાગીને ચક્રવર્તી પણ વંદે છે. ધર્મ મહાન છે.
એ દિવસે મહાન તારણહારની સ્મૃતિમાં મહાન ચક્રવર્તી ભરતદેવે અહીં પહેલું મંદિર સર્જ્યું અને રત્નમય બિંબ ઘડાવીને સ્થાપન કર્યું.
જ્યાં ભગવાન ઋષભદેવની સ્મૃતિ હોય અને જ્યાં ચક્રવર્તી ભરતદેવ સ્થાપનાર હોય એ તીર્થ વિખ્યાત કેમ થાય? એ દિવસે પુનિત બનેલી આ ભૂમિ મહાન બની. જૈન ધર્મના અંતિમ ઉદ્ધારક ભગવાન મહાવીર મગધમાં જન્મ્યા. ત્યાં વિચર્યા, ત્યાં ઉપદેશ આપ્યો આગમોનો ત્યાં જન્મ થયો, છતાં મગધને એ ભાગ્ય ન વર્યું! શત્રુંજ્ય સર્વ તીર્થોમાં વડું બની ગયું. સર્વ કાળમાં સરખું આકર્ષણ રહ્યું!
ભગવાન ઋષભદેવના પૌત્ર શ્રી પુંડરિક રાજ્ય ન લેતાં, ધર્મરાજ્ય લીધું અને સાધુ થયા. પોતાના પિતા, મહાગુરુ અને મહાજિન ઋષભદેવે પવિત્ર કરેલ પહાડ પર જીવનની અંતિમ ક્ષણોને ઉજમાળી કરવા માટે આવી પહોંચ્યા. એ મહાગણધર પાસે પોતાની વિશાળ શિષ્યમંડળ હતું. આ સ્થળની પવિત્રતા એમના સિદ્ધિપદનું કારણ બની. પોતાના વિશાળ સમુદાય સાથે તેઓએ અહીં દેહોત્સર્ગ કર્યો.
એક સમયે એવી લોકમાન્યતા પ્રચલિત હતી કે કાશીમાં મરેલો કાગડો પણ મોક્ષે જાય. જૈન આલમમાં એ વાત સર્વ વિદિત બની ગઈ કે શત્રુંજય પર જે સમાધિ લે, પુંડરિક સ્વામીની જેમ દેહોત્સર્ગ સાધે, એને સિદ્ધપદ લાધે. શત્રુંજયનું નામ જ સિદ્ધિગિરિ કે પુંડરિકગિરિ બની ગયું. જૈનોમાં શત્રુંજયના એકસોને આઠ જેટલા નામો સંભળાય છે. એની પાછળ શોધકને આવો કોઈ ઇતિહાસ મળવાનો પૂરેપૂરો સંભવ છે!
સંસારમાં મહિમા માનવીના મનની ભાવનાઓનો જ છે! જેમ રાજકારણનો જીવ તન, મન અને ધન છોડી યા હોમ કરીને એમાં ઝુકાવી દે છે, એમ ધર્મક્ષેત્રની પ્રબળ પુણ્ય હવામાં માણસ કાંચન અને કામિનીને કાંકરાની જેમ તજીને આત્માની શોધમાં નિષ્કંચન બનીને નીકળી પડતો. એ વખતે એને આત્માની શોધમાં નિષ્કંચન બનીને નીકળી પડતો. એ વખતે એને આત્માનો ખપ રહેતો, ખોળિયું જરૂર પડે એટલી વાર બદલતો! મૃત્યુ એને માટે આઘાત નહોતું અને જીવન એને માટે આશિષ ન હતું. જીવન અને મૃત્યુની ઘટમાળમાં એ અમર સુખનું જળ શોધતો!
આધ્યાત્મિક જગતના આ મહાન ધામ તરફ આત્માર્થીઓનું આકર્ષણ વધી ગયું. ભારતવર્ષના ખૂણેખૂણામાંથી જ્ઞાાની, ધ્યાની અને મુનિવરોની હાર આ પાવન પર્વત પર અવિરત આવતી ગઈ.
સેંકડો મુનિવર સાધના માટે બેસી ગયા. એ દિવસે આત્માર્થીઓથી આ પહાડ સંકુલ બની ગયો.
શત્રુંજય પહાડનો હરેક પથ્થર, ધૂળ કે કાંકરો આવા આત્મવિજયી યાત્રાળુઓના સ્પર્શથી સ્વયં તીર્થ બની રહ્યો.
સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી શત્રુંજયગિરિ ભગવાન ઋષભદેવના સમવસરવાને લીધે પરમ પવિત્ર મહાતીર્થ તરીકેનું ગૌરવ મેળવીને છેક પ્રાચીન સમયથી જૈન સંઘની ઊંડી શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન બની ગયેલ છે. અને આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની શ્રદ્ધાભક્તિમાં ઉત્તરોત્તર કેટલો બધો વધારો થતો રહ્યો છે એ વાતની સાક્ષી આ ગિરિરાજ ઉપરના નાના-મોટા સેંકડો (૯૮૦) જિનમંદિરો અને એમાં પ્રતિષ્ઠિત થયેલ હજારો (૧૦૬૫૭) જિનબિંબો પણ આપે છે.
આ તીર્થની વિશેષ જાહોજલાલીની શરૂઆત કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય તથા મહારાજ કુમારપાળના સમયમાં મહામંત્રી ઉદયનના પુત્ર બાહડ મંત્રીએ વિ.સં. ૧૨૧૩ની સાલમાં કરાવેલા ચૌદમા ઉદ્ધારથી થઈ હતી. અને સત્તરમી સદીમાં આ તીર્થનો વહીવટ અમદાવાદના શ્રી સંઘના હાથમાં અને સમય જતાં શ્રી સંઘની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવ્યો, ત્યાર પછી નવ ટૂંકોની રચના થવાને કારણે આ તીર્થ વધારે સમૃદ્ધ અને પ્રભાવશાળી બન્યું. અનેક આત્માઓએ આ મહાગિરિ ઉપર આત્મસાધના કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરેલું હોવાથી આ મહાતીર્થ સિદ્ધગિરિ નામે પણ ઓળખાય છે - જાણે સિદ્ધિના ઉર્ધ્વસ્થાને પહોંચવાની નિસરણી જ સમજો.
આજેય આ મહિમાવંતુ તીર્થ સકલ જગતમાં આત્મિકબળના વિજયની પતાકા લહેરાવી રહ્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fxaUeT
ConversionConversion EmoticonEmoticon