- પરિણીતી કબૂલ કરે છે કે પ્રિયંકા ચોપરા તેની પ્રેરણામૂર્તિ છે. પ્રિયંકાની સલાહ તેણે ગાંઠે બાંધી છે. 'દર્શકો તમારી પાસેથી ખૂબ જ અપેક્ષા રાખે છે, માટે ફિલ્મમાં હમેંશા શ્રેષ્ઠ પરફોર્મન્સ આપો.
પરિણીતી ચોપરા આજકાલ થોડી નર્વસ થયેલી જણાય છે. ૨૬મી ફેબુ્રઆરીએ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'ધી ગર્લ ઓન ધી ટ્રેન' વિશે તેના ફેન્સ કેવો પ્રતિસાદ આપશે તેની તેને ચિંતા છે. આ એક ફિલ્મ એવી છે જેમાં પરિણીતીએ પોતાની કલાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. રિભુ દાસગુપ્તા લિખિત, દિગ્દર્શિત આ ફિલ્મ પૌલા હોકિન્સની રહસ્યથી ભરપૂર નવલકથા પર આધારીત છે.
નેટફ્લિક્સ પર રજૂ થયેલી આ ફિલ્મ પરિણીતીની અભિનય ક્ષમતાનું નવુ પાસુ રજૂ કરે છે. મીરા કપૂરના પાત્રમાં તેણે પોતાની બબલી ગર્લની ટાઈપ થયેલી ભૂમિકાથી તદ્દન વિપરીત ભૂમિકા ભજવી છે.
ફિલ્મની વાર્તા મુજબ મીરા એક એવી યુવતી છે જે એક પરફેક્ટ કપલથી અંજાયેલી છે. રોજ ટ્રેનમાં જતી વખતે તે તેમના ઘરને જુએ છે. તેમને પ્રેમ કરતા જોઈને તે સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જાય છે.પોતાના નિષ્ફળ લગ્ન, એમ્નેશિયા અને લત સાથે સંઘર્ષ કરતી મીરા એક સુખી જીવનની કલ્પનામાં રાચ્યા કરે છે.
પરિણીતી કહે છે કે આ તેની અત્યાર સુધીની કારકિર્દીની સૌથી અલગ ભૂમિકા છે. જે દર્શકો એવું માનતા હશે કે પરિણીતી માત્ર અમુક જ પાત્ર ભજવી શકે છે તેમને ચોક્કસ આંચકો લાગશે.
૨૦૧૬માં આ જ નવલકથા પરથી હોલીવૂડમાં બનેલી ફિલ્મમાં એમિલી બ્લન્ટ ત્રણ એવોર્ડ માટે નામાંકિત થઈ હતી જેમાં એક એકડમી એવોર્ડ પણ સામેલ હતો. તેની સાથે સરખામણી અનિવાર્ય છે પણ પરિણીતી તે બાબતથી વિચલીત નથી. તેને આત્મવિશ્વાસ છે કે તેની એક્ટિંગ પણ બ્લન્ટ જેટલી જ અસરકારક સાબિત થશે. તે કહે છે કે મારી એક્ટિંગનું સ્તર પણ એવું જ છે પણ માત્ર મારી સ્ટાઈલમાં છે. સવાલ સારી એક્ટિંગનો નથી, સવાલ અલગ એક્ટિંગનો છે એવું પરિણીતી માને છે. બંને ફિલ્મો ભલે એક જ નવલકથા પરથી બની હોય પણ બંનેની પશ્ચાદભૂમિકા અલગ છે.
દાસગુપ્તા કહે છે કે તમે ફિલ્મમાં કંઈ નવું ન કરવા માગો તો તેની રિમેકનો કોઈ અર્થ નથી સરતો. મેં આ વાર્તાને મારી રીતે અને અલગ રીતે કહી છે. દાસગુપ્તા કહે છે કે આ ફિલ્મમાં પરિણીતીનો એક અલગ જ લૂક છે. તેનામાં આ કલા તો અગાઉથી જ હતી પણ તેનો આવિષ્કાર તેને આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન થયો.
દાસગુપ્તા ફિલ્મમાં પરિણીતીના અભિનય વિશે કહે છે કે કેટલાક દ્રષ્યોમાં તે દિવસો સુધી તેની અસરમાંથી બહાર નહોતી આવી શકી. પરિણીતી આવા જ એક દ્રશ્યનો અનુભવ વર્ણવે છે. એક સીનમાં તેને જોરથી રડવાની, ચીસો પાડવાની જરૂર હતી. સીનના પાંચથી છ રિટેક પછી હું જમીન પર પડી ગઈ અને ધૂ્રજવા લાગી તેમજ રડવા લાગી. મારી હાર્ટ બીટ પણ વધી ગઈ અને મારે શાંત થવા માટે પ્રાણાયામની મદદ લેવી પડી. પણ પરિણીતી કહે છે કે આમ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એક કલાકાર તરીકે પાત્રમાં ઓતપ્રોત થઈ જવાની પરિણીતીને પ્રતિબદ્ધતા આમાં છલકાય છે.
આ વર્ષે પરિણીતી બોલીવૂડમાં એક દાયકો પૂરો કરશે. પણ પરિણીતીના મતે આ કંઈ લાંબો સમય નથી.
પરિણીતીએ માનચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ટ્રિપલ હોનર્સ માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તે જ્યારે ૨૨ વર્ષની વયે યશરાજ ફિલ્મ્સની મારકેટિંગ ટીમમાં કામ કરતી હતી ત્યારે તેને ૨૦૧૧માં લેડીઝ વિ. રિકી બહેલમાં રોલ ઓફર થયો હતો. એના માટે તેને છ શ્રેષ્ઠ ડેબન્ડન્ટ એવોર્ડ મળ્યા હતા. ત્યાર બાદ તેને ૨૦૧૨માં ઈશ્કઝાદે માટે રાષ્ટ્રીય એવોર્ડ મળતા એક કલાકાર તરીકે તેને માન્યતા મળી હતી.
પરિણીતી કબૂલ કરે છે કે તેની કઝિન પ્રિયંકા ચોપરા તેની પ્રેરણામૂર્તિ રહી છે. પ્રિયંકાની એક સલાહ તેણે ગાંઠે બાંધી છે. 'દર્શકો તમારી પાસેથી હમેંશા ખૂબ જ અપેક્ષા રાખે છે, માટે ફિલ્મમાં હમેંશા તમારો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપો. ફિલ્મમાં કદી પણ સરેરાશ પરફોર્મન્સ નહિ આપવો.' પ્રિયંકાની આ સલાહ પરિણીતી હમેંશા યાદ રાખે છે.
પરિણીતી અને પ્રિયંકાનો ઉછેર સાથે જ થયો પણ અલગ ઘરમાં. પરિણીતીના કહેવા મુજબ બંને બહેનો શ્રેષ્ઠ દેખાવ કરવા માટે હમેંશા ઉત્સુક રહે છે. પરિણીતીની સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે. ઈકોનોમિક્સમાં ૯૭ ટકા સાથે પ્રથમ આવતા તેને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મળ્યો હતો. સ્પોર્ટ્સ અને ડ્રામામાં તેને અનેક ટ્રોફી મળી હતી. સંગીતમાં તેણે હોનર્સ સાથે બી.એ. પણ કર્યું છે. પરિણીતીએ લંડનમાં ઈનવેસ્ટમેન્ટ બેન્કર બનવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પણ તેનો વિઝા પૂરો થતાં તેણે ભારત પાછા આવવું પડયું. અહીં તેણે અભિનય ક્ષેત્રમાં પ્રવેશવાનો ક્યારે પણ વિચાર નહોતો કર્યો પણ હવે તેણે આ ક્ષેત્રમાં દસ વર્ષ પણ પૂર્ણ કરી દીધા. પરિણીતી ગર્વથી કહે છે કે હજી પણ હું એક શિક્ષિત, વ્યવસ્થિત અને સમયપાલનની ચુસ્ત વ્યક્તિ છું. આજે પણ હું એક એકટરની જેમ નહિ પણ એક કોર્પોરેટ વ્યક્તિ જેવું વર્તન કરું છું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rHVmHT
ConversionConversion EmoticonEmoticon