માતર તાલુકાના નગરા અને રઘવાણજના તળાવોના ઇજારાને લઈને વિવાદ સર્જાયો


- નગરામાં વેપારી રાજ્ય બહારના હોવાથી અને રઘવાણજમાં નાણાની મોડી ચૂકવણીના પગલે ઇજારો રદ કરાયો

નડિયાદ

ખેડા જિલ્લાના માતર તાલુકામાં બે તળાવો બાબતે વિવાદ સામે આવ્યા છે. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા  ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફાળવવામાં આવતા તળાવોમાં ગડમથલ ઊભી થઈ છે. માતર તાલુકામાં આવેલા નગરામા ગામના તળાવનો ઈજારો દિલ્હીસ્થિત વેપારીએ મેળવ્યો હતો, પણ રાજ્યબહારના હોવાથી તેમનો ઈજારો રદ કર્યો હોવાની ફરિયાદ તેમણે કરી  છે. તો બીજી તરફ, માતર તાલુકાના જ રઘવાણજ ગામના તળાવનો ઈજારો ધરાવતા વેપારીનો ઈજારો મોડી ચૂકવણીને પગલે રદ કરી દઈ નવા ટેન્ડરો ખુલતા તેમણે કોર્ટમાં અપીલ કરી છે.

ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલમાં જણાવ્યા પ્રમાણે માતર તાલુકામાં આવેલા નગરામા સિંચાઈને ઈજારા પર આપવા માટે જાહેરાત આપવામાં આવી હતી. અરજદાર દ્વારા ટેન્ડરમાં ૧૯૧૨૭ની અપસેટ કિંમતથી આશરે ૮ ગણી વધારે ૧,૫૦,૦૦૦ કિંમત ભરવામાં આવી હતી, જે બધા ટેન્ડર કરતા વધારે હતી. ૮-૩-૨૦૧૯ના રોજ  ટેન્ડર ખોલ્યા બાદ અરજદારને કહેવામાં આવ્યું કે ટેન્ડર તેમને મળવાપાત્ર છે અને આગળ સૂચના આપવામાં આવશે. પરંતુ પછી એવું જણાવવામાં આવ્યું કે તમે અન્ય રાજ્યના વતની હોવાથી તેમને ટેન્ડર મળવા પાત્ર નથી. ત્યારબાદ આ બાબતે નડિયાદમાં વડી કચેરીએ રજૂઆતો કરતા જુદા જુદા જવાબ આપવામાં આવ્યા.

અરજદારે ગાંધીનગરમાં કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરી. ૧૨-૨-૨૦૨૧ના રોજ અરજદારને ટેન્ડર રદ થયાની સત્તાવાર જાણ કરવામાં આવી. અરજદારે અપીલમાં દાવો કર્યો છે તે પ્રમાણે ફક્ત આદિવાસી વિસ્તારમાં રાજ્યબહારના વ્યક્તિને ઈજારો ન આપવાનો નિયમ છે. કમિશનરના પત્રથી ૨૦૦૪ની નીતિ પ્રમાણે  પોતે ઈજારાને પાત્ર છે, પણ તેમ કરવામાં આવ્યું નથી. અપીલમાં અરજદારે આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને તેમને ઈજારો સોંપવાની માગણી કરી છે.

ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી બીજી અરજીમાં આપેલી વિગતો પ્રમાણે માતર તાલુકાના રઘવાણજ ગામના તળાવમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. ૨૩-૧૨-૨૦૧૭ના રોજ અરજદારને સૌથી મોટા બિડર જાહેર કરીને તેમને શરતો સાથે પાંચ વર્ષના ટેન્ડર આપવામાં આવ્યા હતા. શરત પ્રમાણે તેમણે વાર્ષિક ૪,૬૫,૧૨૩ રૂપિયાના ભાડાની ચૂકવણી કરવાની રહેતી હતી. અરજદારે જણાવ્યા પ્રમાણે ૨૦૧૯-૨૦માં કોરોના મહામારીને લીધે સમયસર ભાડું ચૂકવી શકાયું નહોતું, પણ તેમણે બાકી રકમ પેનલ્ટી સાથે ચૂકવી દેવાની તૈયારી બતાવી હતી.

જોકે તંત્રએ ટેન્ડર કેન્સલ કરી દીધું હતું. એ પછી ૨૯-૯-૨૦૨૦ના રોજ અરજદારને ૧૧,૯૫,૩૬૯ રૂપિયાની બાકી રકમના ૫૦ ટકા રકમ ભરી દે તો ટેન્ડર તેમના નામે રાખવાની ખાતરી આપતો પત્ર મળ્યો હતો. જે પછી અરજદારે ૫,૦૦,૦૦૦ રૂપિયા, ૩,૩૦,૨૫૦ રૂપિયા અને ૧,૦૦,૦૦૪ રૂપિયાનું ચૂકવણું કર્યું હતું. ઉપરાંત ૨૦૨૦-૨૧ માટે ૩,૬૫,૧૨૩ રૂપિયાના એડવાન્સ પેમેન્ટનો ચેક આપ્યો હતો. અરજીમાં જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા જાહેરાત આપીને નવેસરથી ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. અરજદારે આ સામે અરજી કરીને પોતે ચૂકવણી કરી લીધી હોવાથી તળાવની પ્રવૃત્તિઓ આગળ ધપાવવા તે અધિકારી છે એટલે નવેસરથી ટેન્ડરપ્રક્રિયા અટકાવવા વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ નવા ટેન્ડરમાં પાત્રતા ધરાવતા અરજદારે કોર્ટમાં પિટિશન ફાઈલ કરીને ટેન્ડર પોતાને મળવું જોઈએ તે અંગેની અરજી કરી છે.

જિલ્લા મત્સ્યોદ્યોગ કમિશનર શું કહે છે ?

આ બન્ને બાબતે ખેડા જિલ્લા મત્સ્યોદ્યોગ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે તેમનો વિભાગ કોર્ટના નિર્દેશ પ્રમાણે નિર્ણય લઈને ચાલી રહ્યો છે. નગરામા તળાવની પૂરી પ્રક્રિયા રદ કરવામાં આવી હોવાથી નવી જાહેરાત આપવામાં આવી છે. રઘવાણજ બાબતે કોર્ટે હમણાં હાલની સ્થિતિ જાળવી રાખવાનો (સ્ટેટ્સ ક્વો જાળવવાનો) આદેશ આપ્યો છે, એટલે આગળના નિર્દેશની રાહ જોવામાં આવી રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39xlD5y
Previous
Next Post »