
નડિયાદ : કોરોનાના બીજા કહેરે યુવાનો અને બાળકોને પણ છોડયાં નથી. આ કહેર વખતે નડિયાદનાં એક ૯૬ વર્ષના દંપતી યુગલે કોરોનાને મ્હાત આપીને આશા જન્મે તેવો દાખલો બેસાડયો છે. પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી અને તેમનાં પત્ની મંગળા બા કોરોનામાંથી સ્વસ્થ થઈ હોસ્પિટલેથી પરત ફર્યાં ત્યારે વિદ્યાર્થીઓએ વેદોક્ત મંત્રોચ્ચારથી તેમને અનોખી રીતે આવકાર્યા હતાં.
નડિયાદની સુપ્રસિદ્ધ બ્રહ્મર્ષિ સંસ્કૃત પાઠશાળાના આદ્યસ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીએ પંદરેક દિવસ પહેલાં ખાવાનું ઓછું કરી નાખ્યું હતું. સાથોસાથ મંગળાબા પણ શરીરના દુખાવાથી પરેશાન થયા હતા. બન્નેની તબિયતમાં થોડી અસહજતા અનુભવાતા અને શંકા જણાતા તેમણે તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવ્યાં. રાતે દોઢ વાગ્યે તેમનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણતાં તાત્કાલિક તેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. રબારીવાડની અમી હોસ્પિટલમાં શહેરના અગ્રણી તબીબોએ તેમની સારવાર કરી હતી. અગ્રણી ડોક્ટર્સની મહેનત રંગ લાવી અને પખવાડિયામાં ડાહ્યાભાઈ અને મંગળા બા ફરી સ્વસ્થ થઈ ગયાં.
હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેમણે ગુજરાતની અગ્રણી સંસ્કૃત પાઠશાળા બ્રહર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનાના ગેસ્ટ હાઉસમાં થોડા દિવસ ક્વોરેન્ટાઈન રહ્યાં. ત્યારબાદ ગઈ કાલે તેમને ફરી ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો. તે સમયે પાઠશાળાના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર કરી પ્રસંગને આ યાદગાર બનાવ્યો હતો. ડાહ્યાભાઈ ૯૬ વર્ષની ઉંમરે પણ ચાલીને ઘરે પહોંચતા હતા, ત્યારે વિદ્યાર્થીઓ સાથે ગેલ કરતા પણ જોવા મળ્યા હતા.
ખેડા જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે અને લોકમુખે ચર્ચાતી વાત પ્રમાણે અત્યારે વ્યાપ કોરોનાના નવા સ્ટ્રેઈન વધારે જોખમી છે, જે યુવાનો અને બાળકોને પણ સંક્રમિત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નડિયાદમાં '૯૬ વર્ષના બાળક' સંબોધનથી શિષ્યપ્રિય ગુરુ પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી અને તેમના પત્ની મંગળાબા ૯૬ વર્ષની જૈફ ઉંમરે પણ કોરોનાને હરાવીને રંગેચંગે ઘરે પરત ફર્યાં ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/323g3U3
ConversionConversion EmoticonEmoticon