નડિયાદમાં માતૃછાયા આશ્રમ, સિવિલમાં ત્યજાયેલા બાળકો માટે પારણાં મૂકાયાં


નડિયાદ : ખેડા જિલ્લામાં બે સ્થળે ત્યજાયેલાં બાળકો માટે પારણાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા દરેક જિલ્લામાં ત્યજાયેલા બાળકો માટે પારણા મૂકવાના આદેશના પગલે જિલ્લામાં બે સ્થળોએ પારણા મૂકવામાં આવ્યાં છે.

નડિયાદમાં બે સ્થળે ત્યજાયેલા શિશુઓ માટે પારણા મૂકવામાં આવ્યાં છે.  નડિયાદ સિવિલ હોસ્પિટલ અને માતૃછાયા અનાથ આશ્રમમાં આજે પારણાનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પારણાનો ઉદ્દેશ જન્મતાં સાથે તરછોડાતાં નવજાત શિશુઓને બચાવવાનો છે. મળતી વિગતો પ્રમાણે સમગ્ર ચરોતર પ્રદેશમાં દર વર્ષે આશરે ૨૦થી ૨૫ નવજાત શિશુઓ ત્યજેલા મળી આવે છે અને તેનાથી બમણી સંખ્યામાં નવજાત શિશુઓના મૃતદેહ મળી આવે છે. આ સમસ્યાને નિવારવા માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પારણા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે.

હવે જે  સ્ત્રી કે પરિવારજનો પોતાના નવજાત શિશુને ત્યજી દેવા ઈચ્છતું હોય તે શિશુને ગમે ત્યાં મૂકી ન દેતાં આ પ્રકારના પારણામાં મૂકી જઈ શકે છે, જેથી તેને સારવાર આપીને બચાવી શકાય. નડિયાદમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ અને સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના પારણાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ ન ઈચ્છતા નવજાત શિશુને મૂકી જઈ શકશે. આજે પારણાના ઉદઘાટન પ્રસંગે જિલ્લા બાળસુરક્ષા વિભાગના અધિકારીઓ સ્ટાફ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને માતૃછાયા અનાથ આશ્રમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PqSUIH
Previous
Next Post »