મા ણસનું સંસારમાં આગમન થાય છે ત્યારે એટલે કે તેના જન્મના દિવસે આનંદમંગલ ગવાય છે. પરંતુ પૃથ્વી પરથી તેની વિદાયનો- મૃત્યુનો દિવસ ગંભીરતા અને ગમગીની સાથે પાળવામાં આવે છે. આવા દુઃખદ પ્રસંગને કારણે પરિવાર, સમાજ અને મૃતકનાં સ્નેહીજનોમાં ઘેરા શોકનાં વાદળો છવાય છે. તેની પુણ્યતિથિની ઉજવણી જાહોજલાલીપૂર્વક કરવામાં આવતી નથી. પરંતુ તેને બદલે આ પર્વ પ્રસંગે ડૂસકાં ભરાય છે. અને આંસુનો સાગર છલકાય છે. વિલાપ થાય છે.
આમ હોવા છતાં વિશ્વની એક અજાયબી છે કે ઇસુ ખ્રિસ્તના મૃત્યુદિનના શુક્રવારને ગૂડફ્રાઈડે તરીકે મનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે જગતનો ઉધ્ધાર અને માનવપાપના નિવારણ અર્થે માનવસ્વરૂપે અવતરેલા પ્રભુ ઇસુએ આ દિવસે તેમના જીવન અને સેવાના સમર્પણનો યજ્ઞા પૂર્ણ કર્યો હતો. અને માણસોને અપરાધોમાંથી મુક્ત કરવા માટે તેમણે ખેલદિલીથી પોતાની રક્તધારા વહેવડાવીને ઊંચા ક્રોસ પર જડાઈને પોતે જે હેતુ માટે પૃથ્વી પર આગમન કર્યું હતું તે હેતુ સિધ્ધ કર્યો હતો. તેની ખાતરી સ્વરૂપે તેમના પ્રાણાપણ પૂર્વે તેમણે ક્રોસ પરથી ઉચ્ચારણ કર્યું હતું કે 'સંપૂર્ણ થયું' આ ઉક્તિમાં તેમના અત્રેના આગમનના ઇરાદાની સફળતાનો તેમનો સંતોષ વ્યક્ત થયો હતો. તે સાથે આનંદ પણ હતો. ઇસુના પ્રસ્તુત આનંદની સાથે વિમુક્ત થયેલા માણસોનાં હૃદયોમાં પણ છલોછલ આનંદ વ્યાપેલો હતો. તેથી આ દિવસ ભલા કે સારા શુક્રવાર તરીકે પ્રખ્યાતિ પામેલો છે. ઇસુના જીવનની એક અન્ય વિશેષ વાત એ છે કે તેઓ મૃત્યુમાંથી ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા હતા. મૃત્યુ પર વિજયી થયા હતા. તેમના મૃત્યુ માટેની તેમના અનુયાયીઓની વેદના અને વિરહ આનંદમાં પલટાઈ ગયા હતાં. તેથી પણ ઇસુના મૃત્યુના આ દિવસને શોકના શુક્રવારને બદલે ગૂડ ફ્રાઈડે તરીકે નવાજવામાં આવે છે.
- ડો. સુરેન્દ્ર આસ્થાવાદી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ueXF6H
ConversionConversion EmoticonEmoticon