આણંદ જિલ્લામાં 9 દિવસમાં જ કિલર કોરોના કેસોની બેવડી સદી


આણંદ : સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એપ્રિલ માસના પ્રથમ ૯ દિવસમાં જ કોરોનાએ બેવડી સદી ફટકારતા ભારે ખળભળાટી મચી ગઈ છે. તેમાંય શુક્રવારે જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા એકસાથે ૩૦ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્રમાં નાસભાગ મચી જવા પામી છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થતા હાલ સમગ્ર જિલ્લામાં ફફડાટની લાગણી વ્યાપી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ધીમે-ધીમે ઉંચે ગયો છે તેમાંય એપ્રિલ માસની શરૂઆતથી જ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા વિવિધ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાવાસીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે ત્યારે શુક્રવારના રોજ  પણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા ૩૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ શહેરમાં કોરોનાનો પ્રકોપ યથાવત રહેતા શહેરની રેલ્વે કોલોની, ગણેશ ચોકડીના કૈવલ ટાવર, ૧૦૦ ફૂટ રોડની સિન્ધુનગર સોસાયટી, નગરપાલિકા સામેની ગંગોત્રી, હાડગુડ રોડ ઉપરની વેટરનરી કોલેજ, જુની સિવિલ કોર્ટ પાછળ કૃષ્ણકમલ એપાર્ટમેન્ટ તથા આણંદ પાસેના વિદ્યાનગરના વ્રજધામ, કરમસદના એસ્ટ્રોવીલા બંગલો, ગામડી ગામે રાજોડ તલાવડી નજીક સિધ્ધિ એન્કલેવ, વિદ્યાનગરના સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક શ્રીરામ કોમ્પલેક્ષ, ગામડીની ગાયત્રીનગર સોસાયટી, કરમસદની શ્રધ્ધા ટ્વીન્સ, બાકરોલના ઘંટી ચોક, વિદ્યાનગરના શાસ્ત્રી રોડ, મોગરીનું રાવળ ફળીયું, ગામડીની જીગર સોસાયટી, બાકરોલના વિનુકાકા માર્ગ પરના હિનલ બંગલો, કરમસદના નારાયણદેવ સ્ટ્રીટ, વિદ્યાનગરના નાના બજારના કાનુડો એપાર્ટમેન્ટ તથા રઘુવીર ટેનામેન્ટ, સંતરામ પાર્ક સોસાયટી, કરમસદની સહજાનંદ એલીગન્સ તેમજ સીસ્વાના જોષી ફળીયું, દંતેલીના વણકરવાસ, સુણાવની મેડિકલ રીલીફ સોસાયટી, પેટલાદના સ્ટેશન રોડ, ફાગણીનું બારોટ ફળીયું અને સોજિત્રાની જીવનવાડી ખાતેથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા.જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૫૪૪૬૪ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૨૮૨ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૨૦૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧ દર્દી વેન્ટીલેટર, ૩ દર્દી બાયપેપ, ૨૪ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૭૩ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wOcFKX
Previous
Next Post »