ખેડા જિલ્લામાં કોરોનાથી મોતનો સિલસિલો યથાવત્ : નડિયાદમાં વધુ 8 વ્યક્તિનાં મૃત્યુ


નડિયાદ : ખેડા જિલ્લામાં આજ રોજ  ૩૯ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૪૨૫૮ પર પહોંચ્યો છે. નડિયાદમાં આજે ૮ વ્યક્તિઓ કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળતા હાહાકાર મચી ગયો છે. જ્યારે ડાકોરમાં કોરોનાની વણસેલી પરિસ્થિતિ પછી તંત્ર એક્સનમાં આવી ગયું છે. કોરોના રસીકરણને વેગ આપવા માટે શનિવારે પ્રાંત અધિકારી અને સ્થાનિક હોદ્દેદારો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.  રવિવારથી શહેરમાં ચાર સ્થળે રસીકરણ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે.

જિલ્લામાં  રવિવારે નોંધાયેલા કુલ ૩૮ કેસોમાં  ૨૮  પુરુષ અને  ૧૦ સ્ત્રીઓ છે.નડિયાદ શહેર અને તાલુકામાં સૌથી વધુ ૧૫ કેસો નોંધાયા છે,જ્યારે ગળતેશ્વરમાં ૬, ખેડામાં પાંચ, માતરમાં પાંચ, કઠલાલ-મહેમદાવાદ-મહુધામા બે-બે અને ઠાસરા-વસોમાં ૧-૧ પોઝીટીવ કેસ નોધાયો છે. નડિયાદ શહેરમાં એપ્રિલ મહિનામાં અત્યાર સુધી નડિયાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક  ૪૮ પર પહોંચ્યો  હોવાનુ સ્મશાનના ચોપડે નોધાયું  છે. 

જ્યારે ડાકોરમાં કોરોનાના વધતા સંક્રણને કારણે તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. ઠાસરાના પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વચ્ચે શહેરમાં કોરોના રસીકરણ માટે ગઈકાલે મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં કોરોના રસીકરણની કામગીરીને વેગ આપવાની બાબત ચર્ચાઈ હતી. પ્રાંત અધિકારીએ ચૂંટાયેલા સભ્યોને તેમના વોર્ડમાં નાગરિકોને વધુમાં વધુ રસી અપાવવાની જવાબદારી સોંપી હતી.  મીટિંગમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા શહેરમાં વેક્સિનેશન કેમ્પ શરૂ કરવા બાબત માહિતી આપવામાં આવી હતી. તે મુજબ રવિવારથી ડાકોરમાં ચાર સ્થળે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી આર.એસ.પટેલ તેમ જ અન્ય સરકારી અધિકારીઓ અને સ્થાનિક હોદ્દેદારો આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેટલાક સભ્યોએ ડાકોરમાં બપોર પછી સંપૂર્ણ લોકડાઉન આપવા માટેની રજૂઆત કરી હતી, પણ તે બાબતે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. મીટિંગમાં ગામના આગેવાન દ્વારા આખા ગામને સેનિટાઈઝ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

ડાકોરમાં વેક્સિનેશન કેમ્પનાં સ્થળ

* કુમારશાળા, ઉત્તર બુનિયાદીની બાજુમાં

* કન્યાશાળા, બોડાણા સ્ટેચ્યુ પાસે

* જૂની નગરપાલિકા, વડાબજાર

* સરકારી દવાખાનું, ડાકોર

આરોગ્ય અધિકારી દ્વારા શાયરી સોશિયલ મિડિયામાં વાઇરલ કરાઈ

ડાકોરમાં વધતા કોરોના સંક્રમણને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. ઠાસરા તાલુકાના હેલ્થ ઓફિસર દ્વારા સોશિયલ મિડિયા પર વેક્સિનેશનને પ્રોત્સાહન આપતી શાયરીની પોસ્ટ મૂકવામાં આવી હતી. ' જિંદા રહેને કે લિયે તેરી કસમ, એક વેક્સિનેશન જરૂરી હૈ  સનમ!' આવા શબ્દો ધરાવતી શાયરી જોતજોતામાં વાયરલ થઈ હતી.

યાત્રાધામ ડાકોરમાં કોરોનાના આતંક વચ્ચે ચાર સ્થળે રસીકરણ કેમ્પ શરૂ કરાયા : પ્રાંત અધિકારી અને સ્થાનિક હોદ્દેદારોએ બેઠક યોજી : શહેરમાં બપોર પછી  લોકડાઉનની માંગ ઊઠાવાઈ



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QjSq75
Previous
Next Post »