આણંદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટયો અધધ 76 પોઝિટિવ કેસ


આણંદ : સમગ્ર ગુજરાતની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ એપ્રિલ માસથી કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે ત્યારે એપ્રિલ માસમાં પ્રતિદિન સરેરાશ ૩૦ થી ૩૨ કેસ પ્રતિદિન નોંધાયા બાદ બુધવારે જિલ્લામાં કોરોના બોમ્બ ફુટતા નવા ૭૬ પોઝિટિવ કેસ નોધાયા હતા.  મંગળવારે એકસાથે ૬૮ પોઝીટીવ કેસ નોંધાવવાની સાથે સરકારી ચોપડે ૧ વ્યક્તિનું મરણ થયું હોવાનું નોંધાયું છે. ગતરોજ નોંધાયેલ કેસોમાં આણંદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું હોવાની વાતને લઈ પ્રજાજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે ત્યારે આગામી દિવસોમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન

માર્ચ માસમાં કોરોનાનો ગ્રાફ ઉંચે ગયા બાદ એપ્રિલ માસમાં પણ આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. એપ્રિલ માસના પ્રારંભથી જ જિલ્લામાં સરેરાશ ૩૦ થી ૩૨ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જો કે મંગળવારે અગાઉના દિવસોની સરખામણીએ બમણો ઉછાળો નોંધાતા એકસાથે ૬૮ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા જિલ્લાભરમાં ભારે ખળભળાટી મચી ગઈ છે. એક તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ફરજીયાત માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે જિલ્લામાં અચાનક કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા તંત્રની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. મંગળવારે નોંધાયેલ કેસોમાં આણંદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેસો નોંધાયા છે અને ૬૮ પૈકી આણંદ તાલુકામાંથી લગભગ ૪૨ જેટલા કેસ નોંધાયા હતા. જેમાં આણંદ શહેર તેમજ વિદ્યાનગર, કરમસદ, જોળ, બાકરોલ, સામરખા ગામેથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના બોરસદ, પેટલાદ, ઉમરેઠ અને તારાપુર તાલુકામાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બોરસદ તાલુકામાંથી ૫, પેટલાદ તાલુકામાંથી ૩, તારાપુર તાલુકામાં ૩, ઉમરેઠ તાલુકામાંથી ૩, સોજિત્રા ખાતે ૧ અને આંકલાવ તાલુકામાંથી ૫ જેટલા કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. તો બીજી તરફ જિલ્લામાં શંકાસ્પદ કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ સોમવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૬૦૦૩૪ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૪૪૭ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૩૧૦ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દી વેન્ટીલેટર, ૫ દર્દી બાયપેપ, ૩૮ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૨૬૫ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘણાં લાંબા સમય બાદ જિલ્લામાં કોરોનાના કારણે ગતરોજ એક વ્યક્તિનું મૃત્યુ થતાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલ મૃત્યુઆંક સરકારી ચોપડા મુજબ ૧૮ ઉપર પહોંચ્યો છે.

બોંચાસણ, સીંગલાવમાં સ્વયંભૂ લોકડાઉન

એપ્રિલ માસથી આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો નોંધાતા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેમાં બોરસદ તાલુકામાં સંક્રમણ વધતા પામોલ, દાવોલ અને બોદાલ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું હતું. ત્યારબાદ હવે બોચાસણ તથા સીંગલાવ ગામમાં પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેમાં બપોર બાદ ગામમાં ધંધા-રોજગાર બંધ રાખવા સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને અનુરોધ કરાયો છે.

ધર્મજમાં કેસો વધતા 18 એપ્રિલ સુધી લોકડાઉન

આણંદ : જિલ્લાના પેટલાદ તાલુકામાં પણ દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે એનઆરઆઈ ગામ તરીકે જાણીતા પેટલાદના ધર્મજ ગામે શંકાસ્પદ કેસોમાં સતત વધારો નોંધાતા સ્થાનિક તંત્ર દ્વારા આગામી તા.૧૮ એપ્રિલ સુધી ધર્મજ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uThAc2
Previous
Next Post »