
આણંદ : સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જિલ્લામાં શનિવારે વધુ ૭૧ કેસ નોંધાયા હતા. અને વીતેલા પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રેવડી સદી વટાવી ચુકી છે. જો કે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ ન લેતા ભારે ફફડાટ વ્યાપ્યો છે. સાથે સાથે જિલ્લામાં રેપિડ ટેસ્ટ તથા આરટીપીસીઆર ટેસ્ટ માટે ઠેર-ઠેર લાંબી કતારો જોવા મળી રહી છે.
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ કોરોનાને લઈ પરિસ્થિતિ દિન-પ્રતિદિન વણસી રહી હોવાનો સુર જિલ્લાવાસીઓમાં વ્યાપ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહ્યું હોય તેમ શુક્રવારના રોજ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૮૧ પોઝીટીવ કેસ નોંધાતા ભારે ખળભળાટી મચી જવા પામી હતી. ખાસ કરીને આણંદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ કરમસદ, વિદ્યાનગરમાં કોરોનાનું સંક્રમણ બેફામ ગતિએ વધતા આણંદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો નોંધાયો છે. બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાની ચેઈન તોડવા માટે કરાયેલ સ્વૈચ્છિક લોકડાઉનની અપીલને પણ હવે મોળો પ્રતિસાદ સાંપડતા સાંજ સુધી વેપાર-ધંધા ચાલુ રહેવા પામે છે. રાત્રિ કરફ્યુ અમલમાં હોવા છતાં શહેરમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં ભરવામાં આવે તેવુ પણ કેટલોક વર્ગ ઈચ્છી રહ્યો છે. શુક્રવારના રોજ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૮૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ શહેર ઉપરાંત કરમસદ, વિદ્યાનગર, બાકરોલ, મોગર, ચિખોદરા મળી આણંદ તાલુકામાં કુલ ૬૨ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે બોરસદ અને પેટલાદ તાલુકામાં ૩-૩, ખંભાત તાલુકામાં ૫, ઉમરેઠ તાલુકામાં ૬ અને સોજિત્રા તાલુકામાંથી ૨ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૬૪૭૪૪ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૬૫૨ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૪૫૨ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૯ દર્દી વેન્ટીલેટર, ૭ દર્દી બાયપેપ, ૭૬ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૩૬૦ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે સાથે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે અને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ૨૧૧, બોરસદની અંજલિ હોસ્પિટલમાં ૩૫, આણંદની જનરલ હોસ્પિટલમાં ૧૪, પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ૧૮ સહિત આણંદની ખાનગી હોસ્પિટલોમાં અને હોમ આઈસોલેશનમાં ૬૦ વ્યક્તિઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ajWpb6
ConversionConversion EmoticonEmoticon