ખેડા જિલ્લાની ઐતિહાસિક વિરાસતો નામશેષ થવાના આરે


નડિયાદ : ખેડા જિલ્લાની અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરો જર્જરિત અને દયનીય સ્થિતિમાં હોવાનું જોવા મળે છે. આજે વર્લ્ડ હેરિટેજ ડેને દિવસે નિમિત્તે સરકારી વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે. તે સાથે જિલ્લામાં જાળવણી માગી લેતી આવી ઐતિહાસિક વિરાસતોને સાચવવાના પ્રયાસો વધારે થવા જોઈએ તેવી જિલ્લાવાસીઓની માગણી છે. ખેડા જિલ્લામાં આવેલા વિવિધ ઐતિહાસિક સ્થળો જાળવણી માગી રહ્યા છે. ઐતિહાસિક સ્મારકોને જાળવવા માટે સરકાર તરફથી લાખોની ગ્રાન્ટ આપવામાં આવે છે. પણ તેની અસર ખેડા જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતોમાંં જોવા મળતી નથી. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ઐતિહાસિક ધરોહરો  જર્જરિત સ્થિતિમાં જોવા મળે છે. જિલ્લાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતો જાળવણીના અભાવે અત્યંત દુર્દશામાં જોવા મળે છે. દર વર્ષે વિશ્વ હેરીટેજ ડેના દિવસે આ પ્રાચીન સ્થાપત્ય કલાને યાદ કરવામાં આવે છે, પણ તે દિશામાં તંત્ર દ્વારા હવે નક્કર પગલાં ભરાય તેવી જિલ્લાવાસીઓની માગ છે.

જિલ્લાના વડામથક નડિયાદ તો નવ સાક્ષર, નવ ભાગોળ, નવ તળાવ, નવ વાવ, નવ દરવાજા, નવ ટોકિઝ માટે ઈતિહાસમાં સ્થાન ધરાવે છે. જોકે આમ નવથી જાણીતા નવલા નડિયાદની તે ભવ્ય સાંસ્કૃતિક ધરોહરમાંથી આજે મોટાભાગની ધ્વંસ થઈ ચૂકી છે. હાલની પરિસ્થિતિમાં નડિયાદમાં મચ્છી માર્કેટમાં આવેલી નાની ખોડીયાર માતાની વાવ, ખેતા તળાવ પાસે આવેલી ખેતા વાવ અને મરીડા દરવાજાનો નાનકડો અંશ જ આજે જોવામળે છે, તે બધાં પણ મરવાના વાંકે ઊભાં હોય તેવી સ્થિતિમાં છે. સહિત મોટાભાગની વાવો તો હવે ખંડેર સમાન બની ગયેલી જોવા મળે છે. શહેરની આવી અનેક ઐતિહાસિક વિરાસતો આવેલી છે, જેને જાળવણીની તાતી જરૂર છે. નડિયાદના નવ સાક્ષરોનાં ઘર પણ સચવાયાં નથી, તેમાંથી માત્ર સરસ્વતીચંદ્રકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનું ઘર સચવાયું છે. તેની જાળવણી સ્વૈચ્છીક સંસ્થા ડાહીલક્ષ્મી લાઈબ્રેરી સારી રીતે કરી રહી છે.કઠલાલ શહેરના ભાવસારવાડમાં આવેલો ઐતિહાસિક મિનારો પણ જાળવણીના અભાવે અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળે છે. વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જાગ્રત નાગરિકો અન્ય કાર્યક્રમો કરવાને બદલે આવા ઐતિહાસિક વારસાને જાળવવા માગણી કરી રહ્યા છે. લોકવાયકા પ્રમાણે આ મિનારો આશરે ૨૦૦ વર્ષ જૂનો છે. ઉપરાંત મિનારાની આસપાસ મંદિરો તથા વાવ પણ હોવાનું જાણવા મળે છે. તે વાવમાંથી સીધું મહેમદાવાદ નીકળાતું હોવાનું લોકમુખે આજે પણ ચર્ચાય છે. સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે થોડાં વરસો અગાઉ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રસ્તાના કામકાજ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે અહીંથી પ્રાચીન કોતરણીવાળી દીવાલો, શંકર ભગવાન અને માતાજીની મૂર્તિ મળી આવ્યાં હતાં. તે અગાઉ આ વિસ્તારની નદીમાંથી પ્રાચીન સિક્કા અને છાપકામ માટેના બીબા પણ મળી આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જાગ્રત નાગરિકોના જણાવ્યા પ્રમાણે જે-તે સમયે કઠલાલ શહેરના પ્રતીક તરીકે આ મિનારો સ્થાપિત કરવામાં આવ્યો હતો. આજે નગરપાલિકાના લેટરપેડ ઉપર પણ આ જ મિનારાનું ચિહ્ન જોવા મળે છે, પણ આ મિનારાની જાળવણી માટે સ્થાનિક તંત્ર કે સત્તા દરકાર કરતી જોવા મળી નથી. શહેરની શાન સમાન આ મિનારાની યોગ્ય કાળજી લેવામાં આવે અને ઐતિહાસિક ધરોહર જેવી તેની ગરીમા જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી તેવી સ્થાનિકોની ઉગ્ર માગ છે.

ઠાસરા તાલુકામાં આવેલી નાથા વણઝારાની વાવ આશરે ૮૦૦ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. લોકવાયકાઓ પ્રમાણે નાથા વણઝારાએ  જંગલમાંથી પસાર થતાં આ રસ્તાપર રાતવાસો કર્યો હતો અને એની ખોવાઈ ગયેલી સંપત્તિ પાછી મળે તે સ્થાને લોકઉપયોગી કામમાં ધન વાપરવાની ટેક લીધી હતી. પરિણામે તેણે અહીં વાવ બનાવી હતી. વાવમાં સાત ઘુમ્મટના દરવાજા અને એક મુખ્ય દરવાજો હતો. શિખર પર ૧૧ બાય ૧૧ ફૂટનું મોટું ગુંબજ અને સાથે એક નાનું ગુંબજ આજે પણ જોવા મળે છે. અત્યારે અહીં નાથા વણઝારાના કુળદેવીનું સ્થાનક છે. હવન માટેનો કુંડ દેખાય છે. આવતાં જતાં વટેમાર્ગ અહીં કુવાનું પાણી પીને તૃપ્ત થાય તે હેતુથી નાથા વણઝારાએ અહીં વાવ બનાવી હતી. આજે આ વાવની હાલત અત્યંત જર્જરિત છે. મહેમદાવાદ શહેરમાં આવેલ વાવ, મહેમદાવાદ - ખેડા રોડ પર આવેલ ભમ્મરીયો કુવો,મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામ પાસે આવેલ રોજારોજીની દરગાહ, વાત્રક નદી પાસે આવેલ ચાંદા સુરજનો મહેલ, તેમ જ મહેમદાવાદ શહેરમાં આવેલ વિવિધ દરવાજા સદીઓ જૂના ઇતિહાસની સાક્ષી પુરે છે. નડીયાદી  દરવાજો, ખાત્રજ દરવાજો, વિરોલ દરવાજો અને કચેરીદરવાજા એ તમામ સદીઓ જૂની ઐતિહાસિક ધરોહરો છે.  આ ઉપરાંત મહેમદાવાદ શહેરનામાં આવેલ વાવ અને પૌરાણિક મંદિરો તેમજ ચાંદા સુરજનો મહેલનું અસ્તિત્વ જોખમમાં છે.  શહેરની મધ્યમાં આવેલ વાવ જર્જરીત હાલતમાં છે તેની નિયમિત સફાઇ કરવામાં આવતી ન હોવાને કારણે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x0XuhI
Previous
Next Post »