બોરીયાવી ગામની સીમમાં કારમાંથી રૂ. 57 હજારથી વધુનો દારૂ ઝડપાયો


આણંદ : આણંદ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ બોરીયાવી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહેલ એક કારચાલકને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે રૂા.૫૭૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળી કુલ્લે રૂા.૧૦.૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ મંગળવારના રોજ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે નં.૮ ઉપર બોરીયાવી ગામની સીમ ખાતેથી એક કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમ બોરીયાવી ગામની સીમમાં આવેલ મુલતાની કોલ્ડ સ્ટોરેજ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીવાળી કાર ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે કારને પુરઝડપે વડોદરા તરફ હંકારી મુકી હતી. 

પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરીને કારને ઝડપી પાડી હતી અને કારચાલકના નામઠામ અંગે પુછપરછ કરતા તે રમેશભાઈ પાબુરામ બિશ્નોઈ (રહે.રાજસ્થાન) હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની ૧૨ પેટી મળી આવી હતી. પોલીસે રૂા.૫૭૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તેમજ અંગજડતીમાં મળેલ રોકડ અને મોબાઈલ તેમજ કાર મળી કુલ્લે રૂા.૧૦,૬૪,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ શખ્શની વધુ પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો આબુ રોડથી ભરીને તે વડોદરા ખાતે ડીલીવરી આપવા માટે જઈ રહ્યો હોવાની કબુલાત કરી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mpHAZq
Previous
Next Post »