ખેડા જિલ્લામાં કોરોના પ્રકોપ : અઠવાડિયામાં 40 વધુ ગામડાઓ સ્વૈચ્છિક લૉકડાઉન મોડમાં


નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાની કાબુ બહાર જતી પરિસ્થિતિની અસર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જુદીજુદી જોવા મળી રહી છે. જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ખાળવાં અસંખ્ય ગામડાંઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ ધસી રહ્યાં છે તો જિલ્લાનાં શહેરો સ્વૈચ્છીક અનલોક તરફ દોડી રહેલાં જોવા મળે છે. જિલ્લાના વડામથક નડિયાદ,  કઠલાલ અને ઠાસરા સહિત અનેક નગરોમાં બપોર પછી સ્વૈચ્છીક બંધના લીરેલીરા ઊડી ગયા છે, તો ગામડાં સત્તાવાર આદેશ વગર પણ લોકડાઉન પાળતા જોવા મળી રહ્યા છે. એપ્રિલના ૧૭ જ દિવસમાં ૬૦૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાતા જિલ્લાના અનેક ગામડાઓએ સ્વૈચ્છીક લોકડાઉન અમલમાં લાવી દીધું છે. ગત ૧૦ એપ્રિલથી જ  નડિયાદ, કપડવંજ , ખેડા અને માતર તાલુકાના ગામોની પહેલ સાથે ગ્રામીણ વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉનનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. આ એક જ અઠવાડિયામાં જિલ્લાના ૪૦થી વધુ ગામડાઓ લોકડાઉન મોડમાં આવી ગયેલા જોવા મળી રહ્યા છે.

નડિયાદમાં રાતે ૮ વાગ્યા પછી રાત્રીકરફ્યુને અમલ કરાવવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું જોવા મળે છે, તો બીજી તરફ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સ્વૈચ્છીક બંધ તરફ વળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.  નડિયાદ તાલુકામાં અલીન્દ્રા, ડભાણ સહિત કેટલાંક ગામો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા છે તો યોગીનગર સહિત કેટલાંક ગામોમાં લોકોની ચહલપહલ મર્યાદિત થઈ ગયેલી જોવા મળે છે. તાજેતરમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામમાં બપોર પછી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો માતર તાલુકાના ત્રાણજા ગામમાં પણ શનિવારે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. નડિયાદના અલિન્દ્રા, ડભાણ, ખેડામાં તાલુકામથક ઉપરાંત રઢુ, નાયકા સહિતનાં ગામોએ અગાઉથી લોકડાઉન જાહેર કર્યા છે. કપડવંજ તાલુકાના નિરમાલી સહિત કેટલાંક ગામોએ લોકડાઉન જાહેર કર્યું હતું તો હવે વાંટા, તોરાણ અને આસપાસના અમુક વિસ્તારોમાં પણ લોકડાઉન અમલમાં  આવ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. મહેમદાવાદ તાલુકામાં પણ કનીજ સહિત કેટલાંક ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરનારાં જિલ્લામાં મોટાભાગનાં ગામડાઓએ બપોરે સવારે ૬ વાગ્યાથી ૧ કે ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે અને લોકડાઉનની સમયમર્યાદા ૩૦ એપ્રિલ સુધીની રાખી છે.

બીજી તરફ નડિયાદમાં પાલિકા દ્વારા ૮થી ૧૮ એપ્રિલ સુધી સળંગ ૧૦ દિવસ શહેરની દુકાનો-બજારો સાંજે  ૪ વાગ્યે  બંધ કરાવી દેવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી, પણ બે જ દિવસમાં સ્વૈચ્છીક બંધ રાખવાની અપીલનું સૂરસૂરિયું નીકળી ગયું હતું અને સાંજે ૭થી ૮ વાગ્યા સુધી શહેરના મોટાભાગના વિસ્તારો ધમધમતા જોવા મળી રહ્યા છે. ઠાસરા તાલુકામથકમાં પણ કોરોનાનો રાફડો ફાટયો હોવાથી બપોરે ૨ વાગ્યાથી દુકાન-વેપાર બંધ કરી દેવાની નોટિસ આપવામાં આવી હતી, પણ  તેની અસર ૨૪ કલાક પણ ટકી ન હતી અને બીજા જ દિવસથી શહેરમાં મોડી સાંજ સુધી બજારો ધમધમતી હતી. કઠલાલમાં પણ બપોર પછી બંધની જાહેરાતનો ફિયાસ્કો જોવા મળ્યો હતો અને વેપારીઓ મોડી સાંજ સુધી તેમના વેપારધંધા ચાલુ રાખતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જાહેર વિનંતીઓ છતાં શહેરના નાગરિકો મોટા પ્રમાણમાં હરતાં-ફરતાં અને કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળે છે. જિલ્લાનાં શહેરોમાં રોજેરોજ લોકો ટોળે વળેલા, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે બેદરકારી રાખતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લામાં દરરોજ બે-ચાર ગામો સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી જાતે જ શિસ્ત પાળી કોરોનાને ફેલાવતો અટકાવવા મથી રહ્યાં હોવાનુ ંજાણવા મળી રહ્યું છે. તાજેતરમાં કઠલાલ તાલુકાના લસુન્દ્ર ગામના ગ્રામજનો, સરપંચ અને તલાટીએ મળીને કોરોનાના વધતા કેસો સામે સાવચેતીનાં પગલાં ભર્યા હોવાનું જાણવા મળે છે. ગામના સરપંચ પન્નાબેન રાઠોડના જણાવ્યા પ્રમાણે ગામમાં બપોરે ૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની જાહેરાત ૧૧ એપ્રિલથી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં ગ્રામજનોનો સારો સાથસહકાર મળ્યો હોવાનું પણ ગામના તલાટી કનુભાઈ રબારીએ જણાવ્યું છે. મેડિકલ સ્ટોર, દવાખાના અને દૂધની ડેરી જેવી જીવનજરૂરી વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. ગ્રામજનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરેની કોરોના ગાઈડલાઈનનું પૂરતું પાલન થાય અને કારણ વગર લોકો ભેગા ન થાય તે માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગામના આગેવાનોના જણાવ્યા પ્રમાણે હાલની સ્થિતિ જોતાં આ સ્વૈચ્છીક લોકડાઉન અચોક્કસ મુદ્દત સુધીનું છે. સ્થિતિ સુધર્યા પછી જ લોકડાઉન હળવું કરવાનો નિર્ણય કરવામાં આવશે.માતર તાલુકાના ત્રાણજા ગામમાં પણ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યા પ્રમાણે ૧૪ એપ્રિલ ૨૦૨૧થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી ગામમાં બપોર પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામના સરપંચ ચંદ્રિકાબહેન સોલંકીના જણાવ્યા પ્રમાણે બપોરે ૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ગામમાં ચુસ્ત લોકડાઉન અમલમાં રહેશે અને તમામ દુકાનો બંધ રહેશે. ગામની દુકાનો સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨-૩૦ સુધી જ ચાલુ રહી શકશે. ગામમાં ફેરિયાઓના પ્રવેશ પર સખ્ત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માસ્ક તમામ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને ગામની સફાઈ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત માતર તાલુકામાં ભલાડા, લીંબાસી, માલાવાડા અને તાલુકામથક માતર શહેર સહિત મોટાભાગનો વિસ્તાર લોકડાઉન પાળી રહ્યો છે.

ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા અને કૂણી સહિત કેટલાંક ગામોમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન અમલમાં જોવા મળી રહ્યું છે. થર્મલ પાવર સ્ટેશન, થર્મલ ચોકડી સહિતના તાલુકાનાં મુખ્ય બજારો પણ સ્થાનિક સરપંચોના સરક્યુલર પછી બપોર પછી બંધ કરી દેવામાં આવે છે. કુણી ગ્રામ પંચાયતે બહાર પાડેલી જાહેર નોટિસ પ્રમાણે ૩૦-૪-૨૧ સુધી ગામમાં ચુસ્ત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તમામ દુકાનો સવારે  ૬ વાગ્યાથી બપોરે બપોરે ૧ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે. ઠંડાપીણા, આઈસક્રિમ, ફાસ્ટફૂડ વગેરેના વેપારીઓને સદંતર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. ગામમાં ફેરિયાઓના પ્રવેશ પ્રતિબંધ સાથે વોલિબોલ-ક્રિકેટ જેવી સામુહિક રમતો રમવાની પણ મનાઈ કરવામાં આવી છે. માસ્ક પહેર્યા વગર ફરવાની અને ટોળામાં ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત ગામબહાર નોકરીધંધા માટે અપડાઉન કરતા લોકોને ઘરે આવ્યા પછી ગામમાં ફરવાની પણ મનાઈ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ecP661
Previous
Next Post »