આણંદ : સમગ્ર માર્ચ દરમ્યાન દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. માર્ચ માસ બાદ એપ્રિલ માસની શરૂઆતમાં પણ આણંદ જિલ્લામાં કોરોના બેકાબુ બનતા પ્રથમ બે દિવસમાં જ જિલ્લામાં ૪૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા. તેમાં પણ ગતરોજ આણંદ જિલ્લામાં નોંધાયેલા ૨૨ કેસો પૈકી આણંદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૬ કેસો મળી આવતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.
માર્ચ માસ દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધતા પ્રતિદિન સરેરાશ ૧૪ થી ૧૫ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા અને સમગ્ર માર્ચ માસ દરમ્યાન આણંદ જિલ્લામાંથી કુલ ૪૫૧ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જો કે માર્ચ માસની જેમ એપ્રિલ માસમાં પણ કોરોનાનું સંક્રમણ જારી રહેતા ફક્ત બે જ દિવસમાં ૪૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. બે દિવસ દરમ્યાન નોંધાયેલા ૪૧ પોઝીટીવ કેસોમાં વધુ પડતા કેસો આણંદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ હોય નાગરિકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ગતરોજ આણંદ જિલ્લમાં નોંધાયેલા ૨૨ કેસોમાં આણંદ તાલુકાના કરમસદ ખાતેથી ૪, આણંદ શહેરમાંથી ૬ તેમજ આણંદ પાસેના વિદ્યાનગર, હાડગુડ, ખેતીવાડી તેમજ અજરપુરા, બોરીયાવી ઓડના કેસોનો સમાવેશ થાય છે. સાથે સાથે જિલ્લાના પેટલાદ, સુંદરણા, સોજિત્રા, મઘરોલ ખાતેથી ૧-૧ અને ઉમરેઠ ખાતેથી મળી આવેલ ૨ કેસોનો પણ સમાવેશ થાય છે. દિન-પ્રતિદિન કોરોનાના વધી રહેલ સંક્રમણને પગલે તંત્રની ચિંતમાં વધારો થવા પામ્યો છે. જિલ્લામાં હાલ ૧૪૧ દર્દીઓ સારવાર હેઠળ હોવાની માહિત પ્રાપ્ત થઈ છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૪૩૧૫૦ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૧૧૦ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૧૪૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૬ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૩૫ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બોરસદમાં ૧૫ દિવસ સુધી બાગ બગીચા નાગિરકો માટે બંધ કરાયા
એપ્રિલ માસની શરૂઆતમાં પણ આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો જારી રહેવા પામ્યો છે. જેને લઈ કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે તો તંત્ર દ્વારા પણ નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સાથે સાથે અગત્યના કામ સિવાય બહાર નીકળવાનું ટાળવા અપીલ કરાઈ છે ત્યારે બોરસદના બાગબગીચા કમિટિના ચેરમેન દ્વારા બોરસદમાં વધી રહેલ કોરોના મહામારીને ધ્યાને લઈ વધુ પ્રમાણમાં થતા સંક્રમણને અટકાવવા માટે નગરપાલિકા સંચાલિક બાગબગીચા ખાતે પણ નાગરિકોની અવર-જવર અટકાવવી જરૂરી હોઈ આ બાબતે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરાતા આગામી ૧૫ દિવસ માટે બોરસદ નગરપાલિકા સંચાલિત બાગબગીચા સંપૂર્ણપણે બંધ રહેનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sN3hVy
ConversionConversion EmoticonEmoticon