આણંદ જિલ્લામાં કિલર કોરોનાનુ વરવું સ્વરૂપ : નવા 2 પોઝિટિવ કેસ


આણંદ : સમગ્ર ગુજરાતરાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન દાખવવામાં આવેલ બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. માર્ચ માસ દરમ્યાન આણંદ જિલ્લામાં આજે કોરોનાના ૨૨ જેટલા કેસ નોંધાયા હતા. કોરોનાના પ્રતિદિન ૧૪ થી ૧૫ કેસો નોંધાયા બાદ એપ્રિલ માસના પ્રથમ દિવસે પણ આણંદ જિલ્લામાં ૧૯ પોઝીટીવ કેસો નોંધાતા તંત્રની ચિંતા વધવા પામી છે. આ સાથે આણંદ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૩૧૦૦ની નજીક પહોંચી ગયો છે.

ફેબુ્રઆરી માસ દરમ્યાન કોરોનાનું સંક્રમણ મંદ પડયા બાદ માર્ચમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ  વધારો નોંધાયો હતો. માર્ચ માસ દરમ્યાન પ્રતિદિન સરેરાશ ૧૪ થી ૧૫ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. એપ્રિલ માસની શરૂઆતમાં પણ કોરોનાનું સંક્રમણ જારી રહેતા પ્રથમ દિવસે કોરોનાના ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેરના જલારામ પાર્ક, સાવા બી ફળીયુ, વૈકુંઠ સોસાયટી સહિત અન્ય બે વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. સાથે સાથે આણંદ પાસેના વિદ્યાનગરમાંથી બે, સામરખા ગામેથી ૨ અને બાકરોલ ખાતેથી ૧ કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. જિલ્લાના રૂદેલ, ડભાસી, વહેરા, ઝારોલા, ભુવેલ, નવાગામ, પેટલાદ, રૂણજ, સોજિત્રા અને ભરોડા ખાતેથી પણ કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. હાલ આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દોડતું થયું છે. સાથે સાથે કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન પણ અમલી બનાવાયું છે. તંત્ર દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ નાગરિકોને સાવચેતીના પગલાં ભરવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા અને સેનીટાઈઝરથી વારંવાર હાથ ધોવા અપીલ કરાઈ છે.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૪૧૭૫૮ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૦૮૮ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૧૧૯ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૧૭ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ચાંગા ગામમાં 13 એપ્રિલ સુધી સ્વૈછિક જનતા કરફ્યુ

આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધવા પામ્યું છે. જેને લઈ તંત્રની સાથે સાથે નાગરિકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે આણંદ જિલ્લાના પેટલાદમાં તાલુકામાં આવેલ ચાંગા ગામે વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા તા.૧૩મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.  આ અંગે સરપંચે જણાવ્યું હતું કે ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ આગામી ૧૧ દિવસ દરમ્યાન ચાંગા ગામે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ અને સાંજના ૫.૦૦ થી ૮.૦૦ દરમિયાન દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરોક્ત જણાવ્યા સમય બાદ ગામના વેપારીઓને પોતાની દુકાનો તેમજ વેપાર-ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનમાં સહકાર આપવા અપીલ કરાઈ છે. સાથે સાથે ચાંગા આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૫થી વધુ વયના લોકો રસી મુકાવે અને ગ્રામજનો ફરજીયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે અને ચારથી વધુ માણસોના ટોળા એકત્ર ન થાય તે માટે અપીલ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31IurRO
Previous
Next Post »