આણંદ : છેલ્લા એક માસ ઉપરાંતથી કોરોનાની બીજી લહેર ઘાતક બનતા કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધતા મૃત્યુદરમાં ધરખમ વધારો નોંધાયો છે છતાં વહીવટી તંત્રના ચોપડે સબસલામતની વાતો કરી છેલ્લા ચાર માસથી કોરોના મૃત્યુઆંક ૧૭ બતાવવામાં આવતા આ અંગે જાગૃતોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો વહેતા થયા છે.
માર્ચ માસમાં આણંદ જિલ્લામાં કોરોનાના ૪૫૧ પોઝીટીવ કેસો નોંધાયા બાદ એપ્રિલમાં માસમાં પણ કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે અને તા.૮ સુધીમાં આણંદ જિલ્લામાં એપ્રિલ માસ દરમ્યાન ૧૮૨ કેસો નોંધાયા છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં આણંદ જિલ્લામાં શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલ આશરે ૧૨૦ જેટલા દર્દીઓના પ્લાસ્ટીક કવર કરેલ મૃતદેહોના જિલ્લાના આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગ્રામ્ય વિસ્તાર અને પેટલાદના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જે પૈકી આણંદના સ્મશાનમાં ૨૮, વિદ્યાનગરના સ્મશાનમાં ૨૬, કરમસદના સ્મશાનમાં ૧૫, ગ્રામ્ય વિસ્તારમાં ૧૬ તેમજ પેટલાદના સ્મશાનમાં ૩૫ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સબસલામતની વાતો કરી છેલ્લા ચાર માસથી કોરોના મૃત્યુઆંક ૧૭ બતાવવામાં આવી રહ્યો છે અને નોન કોવિડ મૃત્યુ આંક બતાવવાનો બંધ કરી દેવાયો છે.
વધુમાં મળતી વિગત મુજબ ગુરૂવારના રોજ સવારના સુમારે વિદ્યાનગરના હરિઓમનગર સ્થિત સ્મશાન ખાતે એક સાથે શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલ ચાર મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને બે કલાક જેટલો સમય રાહ જોવી પડી હતી. એક સાથે ચાર મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લવાતા એક જ સગડી હોવાથી શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને રાહ જોવાનો વારો આવ્યો હતો.
આણંદના કૈલાસભૂમિ સ્મશાનમાં ગેસ સગડી બગડતા લોકોને મુશ્કેલી
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે. સાથે સાથે શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યામાં પણ વધવા પામી છે. ગત સપ્તાહમાં આશરે ૧૨૦ જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. આણંદ જિલ્લામાં ચાર સ્મશાનમાં શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આણંદ શહેરની કૈલાસભૂમિ ખાતે ગેસની સગડી બગડતા શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓને ક્યાં લઈ જવા તે પ્રશ્ન થઈ પડયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q8LWYM
ConversionConversion EmoticonEmoticon