આણંદ જિલ્લામાં કોરોનાનું વરવું સ્વરૂપ નવા અધધ 30 પોઝિટિવ કેસ નોંધાયા


આણંદ : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં પણ કૂદકેને ભૂસકે કોરોનાનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા કોરોનાના સચોટ આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે શુક્રવારના રોજ પણ જિલ્લામાંથી વધુ નવા ૩૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં વકરી રહેલ કોરોનાને લઈ ભારે ફફડાટની લાગણી વ્યાપી છે.

માર્ચ માસમાં કોરોનાએ તેજ ગતિ પકડી હતી અને ફ્રેબુઆરી માસની સરખામણીએ કોરોનાના કેસોમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો હતો. જે એપ્રિલ માસમાં પણ યથાવત રહેવા પામ્યો છે. જિલ્લામાં તીવ્ર ગતિએ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે  વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરાયું છે. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક અંગેની ઝુંબેશ પણ તેજ કરવામાં આવી છે. સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને કોરોના અંગે ખાસ સતર્કતા દાખવવા અનુરોધ કરાઈ રહ્યો છે. જિલ્લામાં ગુરૂવારના રોજ કુલ ૨૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં સારસાની કૈવલ સોસાયટી, મોગર, કરસમદની રાજવન સોસાયટી, જીટોડીયાના ચૈતન્ય પાર્ક, વિદ્યાનગરના શિવશરણમ્, ગામડી રોડ પરની શ્રુચી પાર્ક, નાના બજારની આઈ.બી.પટેલ નજીક, ગાયત્રી મંદિર નજીક, બાકરોલ-વડતાલ રોડ ઉપરની નિલકંઠ એવન્યુ, સલાટીયા રોડના શફીયા પાર્ક, આણંદની પટેલ ખડકી, બોરસદના કસુંબાડ, ચાણસ્મા, લકુલીશનગર, ખંભાતના તરકપુર, રોહિણી, વૈણજ, પેટલાદ અને સોજિત્રાના ડભોઉ ખાતેના કેસોનો સમાવેશ થાય છે.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૫૨૫૮૩ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૨૫૨ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૧૭૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧ દર્દી વેન્ટીલેટર, ૩ દર્દી બાયપેપ, ૨૧ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૪૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના સંક્રમણ વચ્ચે જનસેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ જામી

આણંદ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ લોકોની ભીડ એકત્ર ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે આણંદ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ જનસેવા કેન્દ્રો ખાતે વિવિધ પ્રકારના દાખલા સંબંધિત કામગીરી માટે મોટા પ્રમાણમાં માણસો એકત્રિત થતા હોઈ કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો આગામી તા.૧૨ એપ્રિલ સુધી બંધ રાખવા નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફરમાન કરાયું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39TRopx
Previous
Next Post »